Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

લોકસભા ચૂંટણી સાથે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાય તેવી શકયતા

વિધાનસભાની ચૂંટણી લોકસભા સાથે યોજવામાં આવે તો જ પીએમ મોદીના ચહેરાનો લાભ મળી શકે તેમ છે : અમુક રાજ્યોમાં ભાજપની સ્થિતિ નાજૂક છે

નવી દિલ્હી તા. ૨૯ : સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી લોકસભા ચૂંટણી આવતા વર્ષે નક્કી કરેલા સમય પર એપ્રિલ-મે મહીનામાં જ યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી બેઠકમાં જાન્યુઆરી સુધીમાં તૈયારી કરવા નિર્દેશ આપ્યાં છે.

ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓને પોતાના રાજયમાં વર્ષ ૨૦૧૪થી પણ મોટી જીત આગામી લોકસભાની ચૂંટણીમાં મેળવવા સંકલ્પ લેવડાવામાં આવ્યો છે. થોડા દિવસોથી એવી અફવાઓએ જોર પકડયું છે જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરની જગ્યા લોકસભાની સાથે યોજાશે.

પરંતુ મંગળવારે યોજાયેલી બેઠકમાં પીએમ મોદી અને અધ્યક્ષ અમિત શાહે આ અફવાઓ પર ધ્યાન નહી આપવા મુખ્યમંત્રીઓને સલાહ આપી છે. આ સાથે છત્તીસગઢની સરકારની જેમ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના નામ પર પોત-પોતાનાં રાજયમાં કેટલી મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.

જો કે એક અહેવાલ મુજબ દરેક મુખ્યમંત્રીઓને લોકસભા ચૂંટણી સાથે ઝારખંડ, હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી કરાવા પર પોતાના વિચાર જણાવા કહેવામાં આવ્યું છે. આ ત્રણ રાજયોમાં વિધાનસભાના કાર્યકાળ ૨૦૧૯ના અંત સુધીમાં પુરો થઇ રહ્યો છે.

પક્ષના રણનીતિજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિધાનસભાની ચૂંટણી લોકસભા સાથે યોજવામાં આવે તો જ પીએમ મોદીના ચહેરાનો લાભ મળી શકે તેમ છે. આ રાજયમાં ભાજપની સ્થિતિ નાજૂક છે.(૨૧.૧૧)

(11:32 am IST)