Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મોદી રાજમાં એક વર્ષમાં સરકારી કંપનીઓને ૩૦,૦૦૦ કરોડનું નુકસાન

કેન્દ્ર સરકારની મદદથી ચાલતી જાહેર કંપનીઓને લઇને કેગે રજૂ કર્યો ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી તા. ૨૯ : સરકારી કંપનીઓની સ્થિતિ પર કેગએ ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. મંદ ગતિએ ચાલતી મોટાભાગની સરકારી કંપની એટલે કે પીએસયુમાં દેશના હજારો કરોડ રૂપિયા ડૂબી રહ્યાં છે. કેન્દ્ર સરકારના માલિકીવાળી જાહેરસંસ્થા સતત ખોટ ખાઇ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નુકસાનીનો આંકડો એક લાખ કરોડને પણ પાર કરી ગયો છે. મોદી સરકારમાં દર વર્ષે ૩૦ હજાર કરોડની ખોટ નોંધાઇ છે. દેશની સૌથી મોટી ઓડિટ એજન્સી કેગની તપાસમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા સંસદના મોનસૂન સત્રમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં બહાર આવ્યું કે કેવી રીતે ખરાબ વ્યવસ્થાને કારણે સાર્વજનિક ઉપક્રમ મંદીની કગાર પર આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે જે કંપનીઓની પૂંજીમાં કેન્દ્ર અથવા રાજય સરકારની ૫૧ ટકા કે તેથી વધુ ભાગીદારી હોય છે તેને જાહેરક્ષેત્ર એટલે કે પીએસયુ કહેવામાં આવે છે.

ખોટા રોકાણ અને અન્ય કારણોને લીધે સરકારી કંપની ખોટ કરી રહી છે. ઉદાહરણ તરીકે આંકડા પર નજર કરીએ તો ૨૦૧૪-૧૫માં ૧૩૨ જાહેરસંસ્થાને ૩૦૮૬૧ કરોડનો નેટ લોસ ફાર ધ ઇયર એટલે કે સંબંધિત વર્ષમાં ખોટ ગઇ. આ દરમિયાન આ કંપનીઓનો કુલ ખોટ વધી એક લાખ કરોડને પાર એટલે કે ૧૦૮૦૫૧ કરોડ પહોંચી ગયો. તેના પછીના વર્ષે સ્થિતિ વધુ ખરાબ થઇ. ૨૦૧૫-૧૬માં ૧૫૩ કંપનીને ૩૧૯૫૭ કરોડ વાર્ષિક નુકસાન થયું. આ દરમિયાન સમગ્ર ખોટ ૧૦૪૭૫૬ કરોડ રહ્યો, આવી રીતે ૨૦૧૬-૧૭માં કંપનીઓનો નેટ લોસ ૩૦૬૭૮ કરોડ અને સમગ્ર ખોટ ૧૦૪૭૩૦ કરોડ સુધી પહોંચી. જો કે ૨૦૧૬-૧૬ની તુલનામાં ૨૦૧૬-૧૭માં કંપનીઓની ખોડી સ્થિતિ સુધરી હતી. ઉલ્લેખનીય છે કે નેટ લોસનો અર્થ સંબંધિત વર્ષમાં નુકસાન થાય છે અને સમગ્ર નુકસાનનો અર્થ Accumulated loss છે. Accumulated lossની ગણતરી ગત સરકારથી લઇને વર્તમાન સરકાર સુધીમાં કંપનીઓના પ્રદર્શનના આધારે નક્કી થાય છે.

કેગે એક હજાર કરોડથી વધુ નુકસાન ઉઠાવતી સરકારી કંપનીઓનું લિસ્ટ પર બનાવ્યું. જેમાં ૨૦૧૬-૧૭માં સૌથી વધુ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નુકસાન પહોંચ્યું. કંપનીને આ વર્ષે ૩૧૮૭ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. આવી રીતે મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડને ૨૯૪૧ કરોડ, હિન્દુસ્તાન ફોટોફિલ્મ્સક કંપની લિમિટેડને ૨૯૧૭, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને ૧૯૧૪, ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને ૧૬૯૧ અને રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડને ૧૨૬૩ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ખાસ વાત તો એ છે કે ૧૭૩ સરકારી નિયંત્રણ કેટેગરીની કંપનીઓમાંથી ૪૧ને ૨૦૧૬-૧૭માં જ ૪૩૦૮ કરોડનું નુકસાન પહોંચ્યું.(૨૧.૭)

(9:43 am IST)