Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મુખ્યમંત્રીઓ સાથે મોદી અને અમિત શાહે યોજેલી વાતચીત

લોકસભા-વિધાનસભાની ચૂંટણી ઉપર ખાસ ચર્ચાઃ કેન્દ્ર સરકારની ફ્લેગશીપ સ્કીમો લોકોની વચ્ચે લઇ જવા અને આક્રમક પ્રચાર ઉપર ધ્યાન આપવા ચર્ચા વિચારણા

(ભાજપ શાસિત 15 રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ આવી રહેલ વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ માટેના વ્યૂહની વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું, વિચારોની આપ લે કરી હતી. બંને મહાનુભાવોએ નિરાશ્રીતો અને લોક સુખાકારી ઉપર ભાર મુક્યો હતો)

નવી દિલ્હી, તા. ૨૮: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  ભાજપ પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની આજે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી જેમાં આ વર્ષે યોજાનાર રાજ્યવિધાનસભાની ચૂંટણીઓ અને આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની રાષ્ટ્રીય ચૂંટણીને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વ્યૂહરચના ઉપર મુખ્યરીતે ચર્ચા થઇ હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરનાર છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આ વર્ષમાં ચૂંટણી યોજાનાર છે જે પૈકી પ્રથમ બે રાજ્યોમાં ભાજપ ૧૫ વર્ષથી શાસન ધરાવે છે. ચોથી વખત ચૂંટણી જીતવા માટે ઇચ્છુક છે. ત્રણેય રાજ્યોમાં જોરદાર શાસનવિરોધી પરિબળોનું મોજુ દેખાઈ રહ્યું છે. બેઠકમાં મુખ્યમંત્રીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. કલાકો સુધી આ મિટિંગમાં ચાલી હતી જેમાં મોદી અને અમિત શાહે પોતપોતાની રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ અને ખાસ કરીને ૧૨ ફ્લેગશીપ સ્કીમોને લોકોની વચ્ચે લઇ જવાના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વખતે લોકસભાની ચૂંટણી પડકારરુપ બની શકે છે. કારણ કે તમામ વિરોધ પક્ષો એક સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ સામે પડકારની સ્થિતિ છે. મોદી અને અમિત શાહ બંને પાર્ટી બેઠકમાં હાજર રહ્યા હતા અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. મુખ્યમંત્રીએ પણ પોતપોતાનીરીતે રજૂઆત કરી હતી.

લોકસભાની ચૂંટણીને લઇને અમિત શાહ અને મોદી અંતિમ વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે. ભાજપ જુદા જુદા રાજ્યોમાં ચૂંટણી જીતવાના પાસાઓ પર પણ ચર્ચા વિચારણામાં છે. પીઢ નેતા વાજપેયીના ૧૬મી ઓગસ્ટના દિવસે અવસાન બાદ પાર્ટીની આ પ્રથમ બેઠક હતી.

(12:00 am IST)