Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સીબીઆઈ ઉપર આક્ષેપ કરી ચિદમ્બરમની કોર્ટમાં દલીલ

ચાર્જશીટની વિગત લીક કરવાનો ગંભીર આક્ષેપ : એરસેલ-મેક્સિસ કેસમાં ન્યાયિક પ્રક્રિયાની મજાક કરવા તેમજ મામલાને સંવેદનશીલ બનાવવાનો આક્ષેપ કરાયો

નવી દિલ્હી, તા. ૨૮ : ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમે આજે દિલ્હી કોર્ટમાં રજૂઆત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે, આ મુદ્દાને સંવેદનશીલ બનાવવાના હેતુસર મિડિયા સામે એરસેલ-મેક્સિસ કેસમાં ચાર્જશીટના હિસ્સાને લીક કરવાના પ્રયાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ચિદમ્બરમે ન્યાયતંત્રની પ્રક્રિયાનું અપમાન કરવાનો સીબીઆઈ પર આક્ષેપ કર્યો હતો. ચિદમ્બરમ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ સ્પેશિયલ જજ ઓપી સૈનિએ તપાસ સંસ્થાને નોટિસ ફટકારીને ૮મી ઓક્ટોબર સુધી જવાબ આપવા માટેનો આદેશ કર્યો હતો. પોતાની અરજીમાં કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો છે કે, સીબીઆઈને કાયદાની કોર્ટમાં નિષ્પક્ષ તપાસને લઇને કોઇપણ રસ નથી. મિડિયા દ્વારા ટ્રાયલની તેની ઇચ્છા રહેલી છે. પીકે દુબે અને અર્સદીપસિંહ મારફતે ચિદમ્બરમ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ચિદમ્બરમે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોર્ટે હજુ સુધી ચાર્જશીટની નોંધ લીધી નથી. એવું લાગે છે કે, સીબીઆઈ જાણી જોઇને કેટલાક અખબારમાં ચાર્જશીટની નકલ ઉપલબ્ધ કરાવી રહી છે. મુદ્દાને સંવેદનશીલ બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. કોર્ટ દ્વારા નોંધ લેવાઈ નથી ત્યારે આક્ષેપોને પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. ઇડી દ્વારા ચિદમ્બરમની પુછપરછ પણ કરવામાં આવી ચુકી છે. ચિદમ્બરમનું કહેવું છે કે, એક બાબત નક્કી છે કે, સીબીઆઈને નિષ્પક્ષ તપાસમાં રસ નથી. સીબીઆઈ દ્વારા ન્યાયિક પ્રક્રિયાની મજાક કરવામાં આવી રહી છે. પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, ચાર્જશીટમાં જે લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે લોકોને નકલ ઉપલબ્ધ કરાવ્યા વગર મિડિયા સમક્ષ ચાર્જશીટની વિગતો આપવામાં આવી રહી છે. સીબીઆઈની ચાર્જશીટ વ્યક્તિગતોને હજુ આપવામાં આવી નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું તું કે, હવે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ નિષ્ક્રિય બની ચુક્યું છે.

(7:42 pm IST)