Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બજેટમાં ખાદ્યતેલની આયાત ડ્યૂટી વધવાની ધારણા

રિફાઇન્ડ પામતેલની વધતી આયાતને અટકાવવા સરકાર પગલું લઇ શકે

નવી દિલ્હી તા.૨૯: ખાદ્યતેલ બજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં વધુ તેજીની પણ સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી કેન્દ્રીય બજેટમાં ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે, જેને પગલે સરેરાશ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવ ઊંચકાય તેવી ધારણા છે.

સરકારે મલેશિયા અને ઇન્ડોનેશિયા સાથેના જૂના કરારોને પૂરા કરવાના હેતુસંર ગત ડિસેમ્બર અંતમાં પામતેલની ડ્યૂટીમાં પાંચથી ૧૦ ટકાનો ઘટાડો કર્યો હતો. જેને પગલે દેશમાં છેલ્લા છ મહિના દરમિયાન રિફાઇન્ડ પામતેલની મલેશિયાથી મોટા પાયે આતાય વધી ગઇ હતી. આવી સ્થિતમાં સ્થાનિક રિફાઇનરી ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હોવાથી તેમણે સરકારને ડ્યૂટી વધારવા માંગણી કરી હતી. જે સંદર્ભે હવે સરકાર બજેટમાં તેની ડ્યુટી વધારે તેવી ધારણા છે.

આ ઘટના સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે સરકાર પામતેલની આયાત ડ્યુટીમાં ૧૦ ટકાનો વધારો કરે તેવી સંભાવના છે. જો આવું થશે તો ખાદ્યતેલના ભાવ વધુ વધી જાય તેવી ધારણાં છે. પામતેલના ભાવ તો ઊંચકાશે, પરંતુ કપાસિયા તેલના ભાવ વધી જાય તેવી ધારણાં છે.

અમદાવાદ શહેરમાં હાલ કપાસિયા તેલના ૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ.૧૩૩૦ થી ૧૩૭૦ના છે, જેમાં સરેરાશ રૂ.૨૦નો વધારો છેલ્લા દશેક દિવસામાં થયો છે. આગામી દિવસોમાં ડબ્બાનો ભાવ રૂ.૧૪૦૦ સુધી પહોંચે તેવી ધારણાં છે. પામતેલના ભાવ રૂ.૧૦૫૦ થી ૧૧૦૦ના છે.

સિંગતેલના ભાવ ઊંચી સપાટીએ સ્થિર છે. હાલમાં ૧૫ કિલો નવા જબ્બાનો ભાવ રૂ.૧૮૮૦ થી ૧૯૯૦ની વચ્ચે ચાલી રહ્યા છે. જોકે અમુક વિસ્તારમાં કરિયાણાનાં વેપારીઓ રૂ.૨૦૨૫ સુધીના ભાવ પણ ગ્રાહકો પાસેથી વસૂલી રહ્યા છે. જો ખાદ્યતેલની ડ્યુટી વધશે તો તમામ તેલના ભાવ ઊંચકાય તેવી સંભાવના વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.

(3:24 pm IST)