Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સગી માએ ૧૦ વર્ષની દિકરીને પ્રેમીના હવાલે કરીઃપાંચ વર્ષ સુધી બળાત્કાર!

રંગીલા રાજકોટમાં હળાહળ કળીયુગની હરકોઇને હચમચાવી મુકે તેવી ઘટનાઃ પ્રેમી સાથે પોતે તો આડાસંબંધ રાખતી જ પછી દિકરીને પણ હવાલે કરી દીધી અને તેના બદલામાં રૂપિયા મેળવ્યા!: શિક્ષક થકી બાળાને હિમ્મત આવી ને મા તથા તેના પ્રેમીનો પાપનો ઘડો ફોડ્યો : બી-ડિવીઝન પોલીસમાં મામલો પહોંચતા હવસખોર મધુવન પાર્કના પરિણીત પટેલ શખ્સ વિપુલ મુળજીભાઇ પરસાણા અને બાળાની માતા સામે બળાત્કાર-પોકસો-ધમકીનો ગુનો નોંધી ધરપકડઃ વિપુલ પણ પરણેલોઃ અગાઉ ભોગ બનનારના મકાનમાં જ ભાડેથી રહેતો'તોઃ બાળાના પિતા નોકરીના કામે મોટે ભાગે બહારગામ રહેતાં હોઇ તેનો લાભ ઉઠાવી ધમકીઓ આપી કૂકર્મ આચરતોઃ રાજકોટમાં વારંવાર ઉપરાંત સોમનાથ તથા આબુ ખાતે પણ કાળોકામો કર્યાની ચોંકાવનારી ફરિયાદ : એક વખત બાળા માતા અને તેના પ્રેમીને નિર્વસ્ત્ર જોઇ જતાં તેને ભાઇ અને પિતાને મારી નાંખવાની ધમકી અપાઇ...બાદમાં તેને પણ વિપુલે હવસનો શિકાર બનાવીઃ ઘણીવાર તો પ્રેમિકાની નજર સામે જ વિપુલ પરસાણા તેની દિકરીનો દેહ પીંખતો! : વિપુલ અગાઉ બાળાના મકાનમાં જ ભાડેથી રહેતોઃ હવે બીજે રહેવા ગયો છેઃ તે પણ પરિણીત છે : મા એ કહ્યું-વિપુલ જે રૂમમાં ગયો છે તેમાં તું જા, આજે તારે તેની સાથે સુવાનું છે...બાળાએ ના પાડતાં રૂમમાં ધક્કો માર્યો ને વિપુલે બળજબરી કરી : બાળા પોતાને દુઃખાવો થાય છે તેવું કહી સતત કરગરતી પણ સગી મા અને તેનો પ્રેમી જરાપણ દયા ન રાખતાં: આ બંને પર ઠેર-ઠેરથી ફિટકારની લાગણી : એક વખત બાળાએ બળજબરી નહિ કરવા વિનંતી કરી તો વિપુલે કહ્યું- હું તારી સાથે સુવાના તારી મા ને માંગ્યા મોઢે રૂપિયા આપુ છું!

રાજકોટ તા. ૨૯: 'મા તે મા બીજા વગડાના વા...' આ કહેવત મુજબ જ મા પોતાના સંતાનોની સુરક્ષા માટે તના પાલન પોષણ માટે પોતે ગમે તેવી પરિસ્થિતિ સહન કરી લેતી હોય છે પરંતુ સંતાનો પર આંચ આવવા દેતી નથી. પરંતુ રંગીલા રાજકોટમાં હળાહળ કળીયુગમાં હરકોઇને હચમચાવી મુકે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક એવી મા...સગી જનેતા સામે આવી છે જેણે પોતાની જ ૧૦ વર્ષની દિકરીને પોતાના પ્રેમીના હવાલે કરી દીધી હતી...અને આ હવસખોર પ્રેમીએ પાંચ વર્ષ સુધી આ બાળા પર  અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. પ્રેમિકાને ભોગવતા આ પરિણીત ઢગાએ પ્રેમિકાની દિકરીને પણ  પિતા-ભાઇને મારી નાંખવાની ધમકીઓ આપી તેણીનો દેહ પીંખ્યો હતો. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા હવસખોર અને તેની પ્રેમિકા સામે ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. બાળાને આ બંનેનો પાપનો ઘડો ફોડવામાં એક શિક્ષકે મદદ કરી હતી અને હિમ્મત આપી હતી.

સમગ્ર ઘટના બી-ડિવીઝન પોલીસ સુધી પહોંચતા પોલીસે ભોગ બનેલી બાળાના પિતાની ફરિયાદ પરથી વિપુલ મુળજીભાઇ પરસાણા (રહે. મધુવન પાર્ક મોરબી રોડ-રાજકોટ) તથા બાળાની માતા સામે આઇપીસી ૩૭૩, ૩૭૬ (૨), ૫૦૬ (૨), ૩૨૩, ૧૧૪ તથા જાતીય ગુનામાં બાળકોને રક્ષણ આપતા કાયદા પોકસોની કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરી છે.

ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવેલી વિગતો મુજબ તેના લગ્ન પંદર-સોળ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે એક કંપનીમાં નોકરી કરે છે. ૨૩/૬/૧૯ના રોજ પોતે કામ સબબ બીજા રાજ્યમાં દુર્ગાપુર ખાતે હતાં ત્યારે સાંજના સાતેક વાગ્યા આસપાસ ૧૪ વર્ષની દિકરીએ ફોન કર્યો હતો અને રડતાં  રડતાં વાત કરી હતી કે પોતે તેની બહેનપણીના ઘરે છે. પિતાએ શું થયું? તેમ પુછતાં દિકરીએ કહ્યું હતું કે આપણા ઘરે આવતાં વિપુલભાઇએ મમ્મીના કહેવાથી મારી સાથે છેલ્લા પાંચ વર્ષમાં વારંવાર શરીર સંબંધ બાંધ્યા છે. મને ખુબ દુઃખાવો થતો હોઇ મમ્મી અને વિપુલભાઇને મેં આવું નહિ કરવા વિનંતી કરવા છતાં તે સમજતા નથી, અને જો કોઇને હું વાત કરીશ તો એ તમને અને નાના ભાઇને મારી નાંખશે તેવી ધમકી આપે છે. જેથી મેં આ વાત અગાઉ પણ તમને કરી નહોતી. પણ હવે મારાથી સહન થતું નથી, જેથી તમને જાણ કરી છે.

દિકરીની આ વાતથી ફરિયાદી હેબતાઇ ગયા હતાં અને પોતે રાજકોટ આવે નહિ ત્યાં સુધી કોઇને વાત નહિ કરવા કહ્યું હતું. એ પછી તેઓ તાબડતોબ હવાઇ માર્ગે રાજકોટ પહોંચ્યા હતાં અને પોતાના વતનમાં બધા સગા-સંબંધીઓ-કુટુંબીજનોને એકઠા કરી બધાની હાજરીમાં જ દિકરીને પુછતાં તેણે છેલ્લા પાંચ વર્ષમાં પોતાની સાથે સગી મા અને તેના પ્રેમી વિુપલ પરસાણાએ કેવો સિતમ ગુજાર્યો અને કેવું શોષણ કર્યુ તેની ખળભળાટ મચાવતી વિગતો કહી હતી.

બાળાએ કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા આપણા ઘરની ઉપરના ભાગે રહેતાં વિપુલ પરસાણા હજુ પણ અવાર-નવાર આપણી ઘરે આવે છે અને અગાઉ આ વિપુલ તથા મારા મમ્મીને મેં કપડા વગર જોઇ લેતાં બંનેએ મને ધમકી આપી હતી કે આ વાત કોઇને કરીશ તો તારા પપ્પા અને ભાઇને મારી નાંખશું. એ પછી થોડા દિવસ બાદ રાત્રીના નવ-દસ વાગ્યા વચ્ચે વિપુલ ઘરે આવેલ અને મમ્મીએ તેની સાથે થોડીવાર વાત કરી હતી. ત્યારબાદ મમ્મીએ મને આ વિપુલ જે રૂમમાં ગયો છે તેમાં જવાનું છે અને આજે તારે તેની સાથે સુવાનું છે તેમ કહેતાં મેં ના પાડતાં મને ધક્કો દઇ રૂમ અંદર પુરી દીધી હતી. ત્યારબાદ વિપુલે બળજબરીથી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને મેં રાડારાડી કરતાં મારા મોઢા પર ડૂચો મારી દીધો હતો.

પછી આ વાત કોઇને નહિ કરવા ધમકી આપી હતી. ત્યારબાદ અવાર-નવાર વિપુલ ઘરે આવતો અને મમ્મીની હાજરીમાં તથા ઘણી વખત તેની નજર સામે જ મારી સાથે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધતો હતો. હું મને સતત દુઃખાવો થતો હોવાનું કહી મમ્મી અને વિપુલ સામે કરગરતી હતી અને મને આવું ગમતું નથી તેમ કહેતી હતી. છતાં તે ધરાર શરીર સંબંધ બાંધતો હતો. તેમજ મારી સાથે અને મારી મમ્મી સાથે શરીર સંબંધ બાંધવાના તે અવાર-નવાર રૂપિયા ચુકવતો હતો.

આશરે બે વર્ષ પહેલા વિપુલ મને, મમ્મીને અને ભાઇને તેની કારમાં સોમનાથ લઇ ગયો હતો. ત્યાં પણ વિપુલે મારી સાથે ધરાર સંબંધ બાંધ્યો હતો. એક વર્ષ પહેલા તે ફરીથી તેની કારમાં મને, મમ્મીને અને ભાઇને આબુ લઇ ગયો હતો. ત્યાં પણ તેણે બળજબરી કરી હતી. વિપુલ જ્યારે ઘરે આવતો ત્યારે દિવસ હોય કે રાત હોય તે મારી સાથે સતત મમ્મીના કહેવાથી તેની હાજરીમાં જ બળજબરી કરતો હતો. સતત પાંચ વર્ષ સુધી તેણે આવુ કર્યુ છે. હું વિપુલને ના પાડતી તો તે કહેતો કે તારી સાથે સુવાના માંગ્યા મોઢે રૂપિયા તારી મમ્મીને આપુ છું!

છેલ્લે ૨૩/૬/૧૯ના હું લેશન કરવાના બહાને બહેનપણીના ઘરે ગઇ હતી. ત્યારે પણ મમ્મીએ હવે તું મરી જજે અને ઘરે પાછી ન આવતી તેવા વેણ કહ્યા હતાં. હું બેહનપણીના ઘરે હતી ત્યારે જ સ્કૂલના સાહેબનો ફોન આવતાં મેં સાહેબને મારી સાથે જે ખોટુ થયું છે તેની વાત કરતાં તેણે હિમ્મત આપી હતી અને ઘરના વિશ્વાસુને વાત કરવા હિમ્મત આપતાં મેં અંતે પપ્પાને ફોન કરી વાત કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને રાહબરી હેઠળ બી-ડિવીઝન પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, રાઇટરો વિજયગીરી, ચંદ્રસિંહ ઝાલા સહિતની ટીમે એફઆઇઆર દાખલ કરી હવસખોર વિજય પરસાણા (ઉ.આશરે ૩૮) નામના પટેલ શખ્સને તથા બાળાની માતાને સકંજામાં લઇ વિશેષ પુછતાછ આદરી છે. આ બંને પર ઠેરઠેરથી ફીટકાર વરસી રહ્યો છે.

(3:49 pm IST)