Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભારતમાં ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોઅે રાજ કર્યુ હોવાથી રસ્તાની ડાબી બાજુ વાહનો ચલાવવાનો નિયમઃ અમેરિકામાં વાહનો જમણી બાજુ ચલાવાય છેઃ યુરોપિયન દેશોમાં સૌ પ્રથમ ફ્રાન્સમાં રસ્‍તાની જમણી બાજુ ચાલવાનો નિયમ લાગુ કરાયો હતો

 

નવી દિલ્હીઃ ભારતમાં ગાડીઓ રસ્તાની ડાબી બાજુ ચાલે છે અને કારનું સ્ટીયરિંગ જમણી બાજુએ હોય છે, જ્યારે અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોમાં ગાડીઓ રસ્તાની જમણી બાજુ ચાલે છે અને કારનું સ્ટીયરિંગ ડાબી બાજુએ હોય છે, પણ શું તમે આની પાછળનું કારણ જાણો છો? આપણે ખાસ જાણવું જોઈએ કે ભારતમાં ગાડીઓ કેમ ડાબી બાજુ ચાલે છે અને અમેરિકામાં કેમ જમણી બાજુ ચાલે છે.

વિશ્વના ઘણા દેશોમાં રસ્તા પર ચાલવા માટેના નિયમની શરૂઆત અલગ અલગ સમયે થઈ હતી, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જૂના જમાનામાં વિશ્વના મોટા ભાગના દેશોમાં રસ્તાની ડાબી બાજુએ ચાલવાની પરંપરા હતી અને 18મી સદીમાં પહેલી વાર રસ્તાની જમણી બાજુએ ચાલવાની પરંપરાની શરૂઆત થઈ. રસ્તા પર ચાલવા સંબંધિત નિયમનો પહેલો વાસ્તવિક પુરાતાત્વિક પુરાવો રોમન સામ્રાજ્યથી પ્રાપ્ત થાય છે. આ સાક્ષ્યોના અભ્યાસ પરથી જાણવા મળે છે કે, રોમન સામ્રાજ્યના નાગરિકો રસ્તાની ડાબી બાજુ ચાલતા હતા. એ અંગે કોઈ નક્કર પુરાવો નથી કે, રોમન સામ્રાજ્યના લોકો રસ્તા પર ડાબી બાજુએ જ કેમ ચાલતા હતા, પરંતુ સમગ્ર મધ્યકાળ દરમિયાન રસ્તા પર ડાબી બાજુ ચાલવાની પરંપરા શરૂ થઈ.

મધ્યકાળ દરમિયાન રસ્તા પર ચાલવું મુસાફરો માટે હંમેશાં સુરક્ષિત નહોતું અને તેમને રસ્તાની બીજી બાજુથી આવતા ડાકુ અને લૂંટારુંઓથી પણ બચવાનું હતું. જોકે મોટા ભાગના લોકો જમણા હાથે કામ કરનારા હતા, આ કારણે રસ્તા પર ડાબી બાજુ તરફ ચાલી તલવારબાજો તેમના જમણા હાથમાં તલવાર રાખતા હતા અને દુશ્મનો પર સરળતાથી હુમલા કરી શકતા હતા. આ સિવાય રસ્તા પર ડાબી બાજુ ચાલી લોકો રસ્તા પર મળતા મિત્રોને જમણા હાથે સરળતાથી Hi-Hello કરી શકતા હતા. 1300 ઇ.સ.માં પોપ બૉનિફેસ અષ્ટમે આદેશ આપ્યો હતો કે, દુનિયાના અલગ અલગ દેશોમાંથી રોમ તરફ આવતા લોકોએ તેમની મુસાફરી દરમિયાન રસ્તાની ડાબી બાજુએ ચાલવાના નિયમનું પાલન કરવું જોઈએ. ત્યાર બાદ 17મી સદીના અંત સુધી લગભગ તમામ પશ્ચિમી દેશોમાં રસ્તા પર ડાબી બાજુએ ચાલવાના નિયમનું અનુસરણ કરવામાં આવ્યું.

18મી સદીમાં યુનાઇટેડ સ્ટેટ અમેરિકામાં ટીમસ્ટર્સની શરૂઆત થઈ હતી. આ એક મોટી વેગન હતી, જે ઘોડાની એક ટીમને ખેંચતી હતી. આ વેગનોમાં ડ્રાઇવરો માટે બેસવાની સીટ નહોતી. એટલે ડ્રાઇવર સૌથી ડાબી બાજુના ઘોડા પર બેસતા હતા અને જમણા હાથથી ચાબુક દ્વારા તમામ ઘોડાને કાબૂમાં રાખતા હતા, પરંતુ આ કારણે અમેરિકનોને રસ્તા પર ડાબી બાજુએ ચાલવાના નિયમમાં ફેરફાર કરવો પડ્યો અને 18મી સદીના અંત સુધીમાં આ નિયમ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ અમેરિકા અને કેનેડામાં અનુસરવામાં આવ્યો. યુરોપિયન દેશોમાં સૌપ્રથમ ફ્રાન્સમાં રસ્તાની જમણી બાજુએ ચાલવાના નિયમને લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ ફ્રાન્સમાં આ નિયમને કેમ લાગુ કરવામાં આવ્યો, તે સંબંધિત કોઈ સ્પષ્ટ કારણની જાણકારી ઉપલબ્ધ નથી. કેટલાક લોકોનું કહેવું છે કે, ફ્રેન્ચ ક્રાંતિકારી પોપના આદેશનું પાલન કરવા માગતા નહોતા, આથી તેમણે આ નિયમનું અનુસરણ કર્યું. એક માન્યતા એ પણ હતી કે, ફ્રાન્સના લોકો અંગ્રેજો દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમનું અનુસરણ કરવા માગતા નહોતા, આ સિવાય કેટલાક લોકોનું માનવું હતું કે, રસ્તા પર જમણી બાજુએ ચાલવાના નિયમની શરૂઆત નેપોલિયને કરી હતી. બાદમાં નેપોલિયને આ સિસ્ટમને એ તમામ દેશોમાં ફેલાવી, જેની પર તેણે વિજય પ્રાપ્ત કર્યો હતો. નેપોલિયનના પરાજિત થયા બાદ જે દેશો તેણે જીત્યા હતા, તેમાંથી મોટા ભાગના દેશોએ રસ્તા પર જમણી બાજુએ ચાલવાની સિસ્ટમને યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો. આ દેશોમાં સૌથી મહત્ત્વપૂર્ણ જર્મની હતું, જેણે 20મી સદીમાં ઘણા યુરોપિયન દેશો પર કબજો કર્યો હતો અને એ દેશોમાં રસ્તા પર જમણી બાજુએ ચાલવાની સિસ્ટમને લાગુ કરાઈ.

અમેરિકાની જેમ ઇંગ્લેન્ડમાં પણ ક્યારેય ઘોડાઓને ખેંચતી વેગનોનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો, કારણ કે લંડન અને અન્ય બ્રિટિશ શહેરોની નાની ગલીઓમાં આ વેગનોને ખેંચવી આસાન નહોતી. આ સિવાય ઇંગ્લેન્ડ પર ક્યારેય નેપોલિયન કે જર્મનીએ વિજય પ્રાપ્ત કર્યો નહોતો. આ જ કારણ છે કે, ઇંગ્લેન્ડમાં હંમેશાં રસ્તા પર ડાબી બાજુએ ચાલવાના નિયમનું જ અનુસરણ કરવામાં આવે છે અને 1756માં ઇંગ્લેન્ડમાં તેને સત્તાવાર કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જેમ જેમ બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર થયો, રસ્તા પર ડાબી બાજુએ ચાલવા સંબંધિત આ નિયમનું અનુસરણ તમામ બ્રિટિશ શાસિત દેશોમાં થવા લાગ્યું. જોકે ભારતમાં પણ 200 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું, આ કારણે ભારતમાં પણ રસ્તા પર ડાબી બાજુએ ચાલવાનો નિયમ અનુસરવામાં આવે છે.

હાલની સ્થિતિ 

અત્યારે સમગ્ર દુનિયામાં કુલ 163 દેશોમાં રસ્તા પર જમણી બાજુએ ચાલવાના નિયમનું અનુસરણ કરવામાં આવે છે, જ્યારે 76 દેશોમાં રસ્તા પર ડાબી બાજુએ ચાલવાના નિયમનું અનુસરણ કરવામાં આવે છે.

બ્રિટન, આયર્લેન્ડ, માલ્ટા અને સાઇપ્રસને બાદ કરતાં બાકીના યુરોપિયન દેશોમાં રસ્તા પર જમણી બાજુએ ચાલવાનો નિયમ છે.

ચીનમાં રસ્તા પર જમણી બાજુએ ચાલવાના નિયમનું અનુસરણ કરવામાં આવે છે, પરંતુ ચીનના આધિપત્ય હેઠળના હોંગ કોંગ અને મકાઉમાં રસ્તા પર ડાબી બાજુએ ચાલવાનો નિયમ છે.

(6:29 pm IST)