Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદે તબાહી મચાવીઃ ચંબામાં રાવી નદીનું રૌદ્ર સ્‍વરૂપઃ અસંખ્ય પશુઓના મોતઃ મનાલી-લેહ હાઇવે સહિત અનેક રસ્‍તાઓ બંધ

ચંબાઃ હિમાચલ પ્રદેશમાં ચોમાસાના પ્રારંભે જ મુશળધાર વરસાદ વરસતા ભારે તબાહી મચી ગઇ છે. અનેક રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ થઇ ગયા છે.

ભારે વરસાદ બાદ ચંબામાં રાવી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અહીં ભારે નુકશાન થયું છે. મોટી સંખ્યામાં પશુઓ તણાઈ ગયા છે. સાથે કેટલાએ માર્ગ બંધ થઈ ગયા છે.

પર્યટન નગરી મનાલીમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો છે. અહીં મનાલી-લેહ રસ્તા પર ભેખડ ઘસી પડતા હાઈવે બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થતાં રસ્તાની બંને બાજુ યાત્રીકો ફસાઈ ગયા છે. હાલમાં તંત્ર બચાવ કામગીરીમાં જોડાઈ ગયું છે. આ સાથે લાહૌલ-સ્પીતિ જીલ્લામાં પણ કેટલાએ રસ્તા બંધ થઈ ગયા છે.

હિમાચલમાં બુધવારથી ચોમાસુ શરૂ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે, હિમાચલના સૌથી ગરમ વિસ્તાર ઉનામાં આ વખતે સૌથી વધારે વરસાદ નોંધાયો છે. વીતેલા ત્રણ દિવસમાં ઉનામાં સૌથી વધારે 91.2 મિમી અને બિલાસપુરમાં સૌથી ઓછો 11.0 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 30 જૂન સુધી વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગ અનુસાર, બુધવાર અને ગુરૂવારે સામાન્યથી અતીભારે વરસાદ થયો છે. હિમાચલમાં ભારે વરસાદથી નદી-નાળામાં નવા નીર આવી ગયા છે. સાથે ડેમ-બંધના જળસ્તર પણ વધી ગયા છે. ડેમમાં જળસ્તર વધવાથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તંત્રએ બ્યાસ નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવાની અપીલ કરી છે.

સળંગ ત્રણ દિવસથી વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધારે થયો છે. ભૂ-સ્ખલન અને ઝાડ પડી જવાથી અવર જવરની સમસ્યા ઉભી થઈ છે. તંત્રએ પર્યટકો અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. એસડીએમ ચમ્બા દીપ્તી મઢોત્રાએ જણાવ્યું કે, 27 જૂનથી 30 જૂન સુધી ભારે વરસાદની સંભાવના હોવાથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(5:52 pm IST)