Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રીલાયન્સ જીઓની હવે ઘરમાં ઘુસવાની તૈયારી

પ જૂલાઇથી દેશભરમાં બ્રોડબેંડ ઇન્ટરનેટ, વોઇસ કોલ અને ડીટીએચ સેવાઓ શરૂ થશે

નવી દિલ્હી તા. ર૯ :.. ટેલીકોમ સેકટરમાં  ધમાલ મચાવ્યા પછી રીલાયન્સ જીઓ હવે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, વોઇસ કોલ અને ડીટીએચની સુવિધા આખા દેશના ગ્રાહકો માટે શરૂ કરીને લોકોના ઘરમાં ઘુસવાની તૈયારી કરી ચૂકી છે. આ બધી સેવા માટે ગ્રાહકે મહીને ૧૦૦૦ થી પણ ઓછા ભરવાના  રહેશે.

જીયો શરૂઆતમાં ઘરમાં ઓપ્ટીકલ ફાઇબર કેબલ દ્વારા ૧૦૦ એમબીપીએસની સ્પીડથી ઇન્ટરનેટ સેવા આપશે. આ કનેકશન દ્વારા વ્હોટસ એપ જેવી બીજી એપ દ્વારા કોલીંગ પણ કરી શકાશે જેનો કોઇ ચાર્જ નહીં લાગે. આ ઉપરાંત ગ્રાહક ઘરમાં ટીવી જોવાની મજા પણ લઇ શકશે.

રીલાયન્સ જીયો આગામી પ જૂલાઇએ આરઆઇએલની એજીએમમાં આની ઘોષણા કરી શકે છે. આના માટે બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. રીલાયન્સ શરૂઆતમાં દેશના ર૦૦ થી વધારે શહેરોમાં આ સર્વિસ શરૂ કરશે. આ શહેરોમાં પ લાખથી ઓછી વસ્તીવાળા શહેરો પણ સામેલ છે.

જીયો હાલમાં કેટલાય શહેરોના પસંદ કરેલા વિસ્તારોમાં આનો પાયલોટ પ્રોજેકટ ચલાવે છે. જીયો ટેલીકોમ સેવાઓની જેમ આ સેવાઓને પણ શરૂઆતના ૬ મહિના ગ્રાહકોને મફતમાં આપી શકે છે. જેનાથી તેને ગ્રાહકો મેળવવામાં ઘણી સરળતા થશે.

જીયોના જુના ગ્રાહકોને આ સ્કીમમાં પહેલા જોડાવાનો લાભ મળશે જેને કેટલાય પ્રકારની છૂટ મળશે. પહેલાથી ગ્રાહક હોવાના કારણે ઘણા પ્રકારની ઔપચારીકતાઓની જરૂર નહી પડે. જો કે આ સર્વિસ પ્રી પેઇડ નહીં પણ પોસ્ટ પેઇડ હશે જેના માટે ગ્રાહકોએ પૈસા પછીથી ચુકવવા પડશે.

(10:01 am IST)