Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

હાય હાય...પાંચ વર્ષનો બાળક ૪૦ ચુઈંગમ ગળી ગયો

ડોકટરોએ સર્જરી કરી બહાર કાઢી

નવી દિલ્‍હી,તા.૨૯ : માતા પિતાનુ ધ્‍યાન ના હોય તો બાળકો રમત-રમતમાં જાત જાતની વસ્‍તુઓ ગળી જતા હોય છે અને એ પછી માતા પિતાને બાળકને ડોકટરો પાસે લઈ જવા માટે દોડવુ પડતુ હોય છે.

સામાન્‍ય રીતે બાળકો ચલણી સિક્કો કે બીજી કોઈ વસ્‍તુ ગળી જતા હોય છે પણ અમેરિકામાં એક બાળક એક, બે નહીં પણ અધધ...૪૦ ચુઈંગમ ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી પ્રમાણે અમેરિકાના ઓહાયો રાજયમાં પાંચ વર્ષના બાળકે ૪૦ ચ્‍યુઈંગ ગમ પેટમાં ઉતારી દીધી હતી અ્ને તેના પેટમાં સર્જાયેલા બ્‍લોકેજ કરવા માટે ડોકટરોને સર્જરી કરવી પડી હતી. કારણકે આ ચ્‍યુઈંગમ તેના પેટના આંતરડામાં ચોંટી જવાથી તેની પાચન ક્રિયા પર અસર પડી હતી.

બાળકના પેટમાં ભારે દુખાવો ઉપડ્‍યો હતો અને તે બૂમો પાડી રહ્યો હતો. ડોકટરો પાસે આ બાળક ફરિયાદ લઈને આવ્‍યો ત્‍યારે ડોકટરોએ તેની એન્‍ડોસ્‍કોપી કરી હતી. ડોકટરોને ત્‍યારે ખબર પડી હતી કે, એક દિવસ પહેલા જ આ બાળક ૪૦ ચુઈંગમ ગળી ગયો હતો. જેના કારણે તેના પેટમાં ગાંઠ જેવી સ્‍થિતિ પણ સર્જાઈ હતી. ડોકટરોએ પેટની તપાસ કર્યા બાદ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો.

સર્જરી દરમિયાન આંતરડામાં ચોંટી ગયેલી ચુઈંગમને કાઢવા માટે ડોકટરોની ટીમને ખાસી મહેનત કરવી પડી હતી. જોકે સર્જરી સફળ થઈ હતી અને બાળકનો જીવ બચી ગયો હતો

(5:52 pm IST)