Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

બાબા રામદેવના ફરી પ્રહાર : કહ્યું એલોપથી 200 વર્ષ જૂનુ બાળક છે, યોગ અને આયુર્વેદમાં રોગોનું કાયમી સમાધાન

પૃથ્વી પર મનુષ્ય 200 વર્ષ સુધી જીવતો હતો. યોગથી મોટુ કોઈ વિજ્ઞાન નથી

નવી દિલ્હી : એલોપથી અંગે આપવામાં આવેલા નિવેદન બાદ હવે બાબા રામદેવનું બીજું નિવેદન બહાર આવી રહ્યું છે. તેઓ કહે છે કે એલોપથી 200 વર્ષ જૂનુ બાળક છે. યોગ અને આયુર્વેદમાં રોગોનું કાયમી સમાધાન છે.

વાસ્તવમાં બાબા રામદેવ દરરોજ સાધકો સાથે યોગ શિબિરનું આયોજન કરે છે. યોગ શિબિરમાં બાબા રામદેવ છેલ્લા ત્રણ દિવસથી અભિયાન ચલાવી રહ્યા છે, 'ડ્રગ માફિયાની ભ્રમઝાળ વિરુદ્ધ યોગ, આયુર્વેદ અને નેચરોપેથીમાં રોગોનું કાયમી નિરાકરણ' શુક્રવારે, તેમણે યોગ શિબિરમાં જ સાધકોને આ કહ્યું હતું.

બાબા રામદેવે કહ્યું કે આજે ઘરે ઘરે યોગ થઈ રહ્યા છે. દુનિયાભરના લોકો તેને અપનાવી રહ્યા છે. લોકો કોરોનાકાળમાં યોગથી રોગપ્રતિકારક શક્તિ વધારી રહ્યા છે. કોઈની સાથે યોગની તુલના કરી શકાતી નથી. તેમણે કહ્યું કે એલોપથી એ 200 વર્ષિય બાળક છે.

તેમણે સવાલ કર્યો કે શું તે પહેલાં મનુષ્ય પૃથ્વી પર જીવતા નહોતા રહેતા. તે સમયે તો મનુષ્ય 200 વર્ષ સુધી જીવતો હતો. યોગથી મોટુ કોઈ વિજ્ઞાન નથી. યોગ શિબિરનું જીવંત પ્રસારણ ઉપરાંત, તે ફેસબુક પર ટ્વિટર પર પણ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં હજારો લોકો ટિપ્પણી કરી રહ્યા છે. ઘણા લોકો સમર્થન આપી રહ્યા છે અને ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે.

બાબાએ કહ્યું કે કેટલાક તો ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને ઈલિગલ મેડિકલ એસોસિએશન કહેવાનું શરૂ કર્યું છે. મેં કહ્યું નહીં. જો તમારે લાકડી મારવી જ હોય તો પછી જેણે કહ્યું છે તેને મારો. બાબા રામદેવે કહ્યું કે 90 ટકા સારા ડોકટરો મારી સાથે સંમત છે. આજ કાલ ઘણા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.

(11:58 pm IST)