Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રાજધાની દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ : દિવસમાં ૮૨ મોત

દેશના પાટનગરમાં એક દિવસમાં ૧૧૦૬ કેસ : અત્યાર સુધીમાં ૪૦૦નાં મોત, ૧૭૦૦૦થી વધુ કેસો

નવી દિલ્હી, તા. ૨૯  : દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના એક જ દિવસમાં સૌથી વધુ નવા ૧૧૦૬ કેસ નોંધાયા છે, આ સાથે કુલ કેસોની સંખ્યા ૧૭૦૦૦થી વધુ થઈ ગઈ છે. ઉપરાંત છેલ્લા એક મહિનામાં ૮૨ લોકોના મોત થયા છે, આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૩૯૮ થઈ ગયો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એક વીડિયો પ્રેસ કોન્ફરન્સથી માહિતી આપતાં કહ્યું કે છેલ્લા મહિનામાં કોરોનાથી ૮૨ લોકોના મોત થયા છે, જેમાં શુક્રવારે થયેલાં ૧૩ લોકોના મોતનો આંક સામેલ છે. બાકીના ૬૯ મોત ૩૪ દિવસોના સમયગાળમાં થયા છે. તેમણે એમ પણ કહ્યું કે ૬૯ મોત પૈકી ૫૨ લોકોના મોત સફદરગંજ હોસ્પટિલમાં થયા છે. તમામ હોસ્પિટોલના મૃત્યુઆંક ચેક કર્યા બાદ આ માહિતી આપવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં કોવિડ-૧૯ કારણે કુલ ૩૯૮ લોકોના મોત થયા છે. તેમણે ઉમેર્યું કે ૧૨ થી ૨૦ દરમિયાનના સમયગાળમાં રોજ એક વ્યક્તિનું મોત થયું છે.

              નવા ૧૧૦૬ કેસ સામે આવ્યા છે, આ સાથે દિલ્હીમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૧૭ હજારથી ઉપર પહોંચી છે. તેમજ ૭૮૪૬ લોકોએ કોરોના વાયરસ સામે જંગ જીત્યો છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ કેસ શુક્રવારે નોંધાયા છે. આમ, દિલ્હીમાં પહેલીવાર એક દિવસમાં કોરોના વાયરસના ૧૦૦૦થી વધુ કેસ નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રીએ વધુમાં માહિતી આપતાં કહ્યું કે, દિલ્હીની હોસ્પિટલોમાં ૨૧૦૦૦ બેડ ઉપલબ્ધ છે, જેમાં ૧૪૦૦ ખાનગી હોસ્પિટલોમાં અને ૩૭૦૦ સરકારી હોસ્પિટલોમાં છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લોકોને નહીં ડરવા વિનંતી કરી રહી છે અને કહ્યું કે સરકાર તમામ વ્યવસ્થા કરી રહી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, લોકોએ ડરવાની કોઈ જરુરિયાત નથી. કોરોનાના દર્દીઓએ હોસ્પિટલોમાં દાખલ થવાની જરુરિયાત છે, તો અમે તમામ વ્યવસ્થા માટે તૈયાર છીએ. દિલ્હીની સરકાર પ્રમાણમાં આરોગ્યની વ્યવસ્થા સારી રીતે કરી રહી છે, તેમ છતાં કેસોની સંખ્યા વધી રહી છે, એ ચિંતાનો મામલો છે.

(7:59 pm IST)