Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોના ઇફેકટ

વાસ્તવિક સંકટ તો હવે આવશે

લાં...બા લોકડાઉનથી દેશને ભયંકર નુકસાન થશેઃ માત્ર આર્થિક નુકસાની જ નહિ બીજુ ઘણુ બધુ ગુમાવવું પડશે

નવી દિલ્હી તા. ર૯ :.. કોરોના સંકટ અને લાંબા લોકડાઉનથી ભારતને ભારે નુકસાન થવાનું છે. અત્યારના અંદાજ તે તરફ જ આંગળી ચીંધે છે. અત્યાર સુધી આ બાબતે ચર્ચાઓ ચાલુ હતી. સરકાર તરફથી  વડાપ્રધાને લોકડાઉન-૧ માં 'જાન હે તો જહાન હૈ'નો નારો આપ્યો અને પછી તેને બદલાવીને 'જાન ભી જહાન ભી'ના મંત્ર દ્વારા આ મુશ્કેલ પડકારમાં બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો.

પણ હવે નવા આંકડાઓ દર્શાવે છે. લોકડાઉન દ્વારા આપણે ભલે ઘણા જીવો બચાવી લીધા હોય પણ જહાન તરીકે આપણે ભારે કુર્બાની દેવા જઇ રહયા છીએ. આ કુરબાનીની સાચી કિંમત તો આગળ જતા ખબર પડશે. શકય છે કે તે કિંમત આર્થિક મંદી જ નહીં, ઘણા બધા જીવના રૂપમાં પણ હોય, જે કે કયારેય ગણત્રીમાં નહીં લેવાય. શકય છે કે આગળ જતાં આપણે એવા નિર્ણય પર પણ આવીએ કે લોકડાઉન-૧ તો જરૂરી હતું પણ તેને વારંવાર લંબાવવાનું આપણને બીજી ખાઇમાં ધકેલી ગયું.

અત્યારે ભારત બેરોજગારીની અભૂતપૂર્વ મિસાલ રજૂ કરી રહયું છે. સીએમઆઇઇના આંકડાઓ અનુસાર બેરોજગારી દર ર૪ ટકાથી ઉપર છે. લગભગ ૧૦ કરોડ લોકો બેરોજગાર છે. જો એક પરિવારમાં ઓછામાં ઓછા પાંચ સભ્યો પણ ગણીએ તો લગભગ અડધી વસ્તી રોજગાર અને આવકનું નુકસાન ઉઠાવી રહી છે. આર્થિક, સામાજીક અને માનસિક રીતે આ અસરને સંપૂર્ણ પણે નોંધવી અશકય છે પણ તે બહું ઉંડી અને ભયાનક હશે.

(1:06 pm IST)