Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

એશિયામાં સૌથી વધુ દર્દીની સંખ્યા સાથે ભારત ટોપ પર પહોંચી ગયું

તૂર્કીને પાછળ છોડીને ભારત દુનિયામાં સૌથી વધુ દર્દી ધરાવતા દેશોની યાદીમાં નવમા ક્રમે પહોંચી ગયું

નવી દિલ્હી, તા.૨૯: કોરોના વાયરસે ભારત ને પોતાના મજબૂત અજગર ભરડા માં લઇ ચૂકયું છે. ગતસાંજ સુધીમાં ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ ના ૭,૧૩૫ નવા દર્દી નોંધાતા કુલ આંકડો ૧,૬૦,૬૬૬ ઉપર પહોંચી ગયો છે,સાથે જ એશિયામાં સૌથી વધુ દર્દી ની સંખ્યા સાથે ભારત ટોપ પર પહોંચી ગયું છે. આ પહેલા એશિયામાં સૌથી વધુ ૧,૫૯,૭૯૭ દર્દીઓ તૂર્કીમાં હતા. તૂર્કીને પાછળ છોડીને ભારત દુનિયામાં સૌથી વધુ દર્દી ધરાવતા દેશોની યાદીમાં નવમા ક્રમે પહોંચી ગયું છે. લોકડાઉન ૪ પછી વધુ છૂટછાટ ધરાવતા વિસ્તારોમાં દસ જ દિવસમાં ૬૦ હજાર નવા દર્દી નોંધાઈ ચૂકયા છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે લોકડાઉનનો ચોથો તબક્કો ૩૧મી મેના રોજ ખતમ થઈ રહ્યો છે. ત્યાર પછીની વ્યૂહનીતિ મુદ્દે કેન્દ્ર અને રાજય સરકારો વચ્ચે ચર્ચાવિમર્શ પણ શરૂ થઈ ગયો છે. તેમાં સૌથી વધુ સંક્રમિત ૧૩ શહેર પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટો અને નગર નિગમ કમિશનરો સાથે એક વીડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમાં તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ પણ સામેલ હતા, જેઓ હવે પછીના તબબકામાં શુ કરવું તે અંગે નિર્ણય કરશે જો લોકડાઉન માં બધું બંધ કરી દે તો તેની સીધી અસર આવક પર પડે અને જો ખોલવાની મંજૂરી અપાય તો કોરોના વકરે તેવી સ્થિતિ વચ્ચે કોઈ નવો વિકલ્પ વિચારાય તેવી અટકળો ચાલી રહી છે. હાલ જે આંકડા આવી રહ્યા છે તે ટેસ્ટિંગ કરતા માલુમ પડેલા આંકડા છે પણ હજ્જારો લોકોના ટેસ્ટીગ થયા જ નથી તેથી કોઈ ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

(11:17 am IST)