Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઘોર અંધકારમાં પણ દુશ્મન બંકરોને ભેદી શકે તેવા ''થર્મલ ઇમેજીંગ'' શસ્ત્રોની જંગી ખરીદી

૬૯૦૦ કરોડના અત્યાધુનિક સુરક્ષા સાધનોની ખરીદીને કેબીનેટની મંજુરી

નવી દિલ્હી તા.૨૯: રાત્રીના દુર સુધી દુશ્મન પર નજર રાખીને સચોટ નિશાન લગાવવામાં મદદરૂપ થતા થર્મલ ઇમેજીંગ નાઇટસાઇટ નામના સાધનને સેના માટે ખરીદ કરવાનું મંજુર થઇ ગયું છે. રક્ષા ખરીદ પરિષદે ૬૯૦૦ કરોડ થી પણ વધારે કિંમતના સાધનોની ખરીદીને સોમવારે મંજુરી આપી છે. જેમા થર્મલ ઇમેજીંગ નાઇટસાઇટ પણ છે તેનાથી ઘોર અંધકારમાં રોકેટ લોંચરથી દુશ્મનોના બંકર પર સચોટ નિશાન લગાવી શકાય છે.

રક્ષા મંત્રાલયે એક બયાનમાં કહયું છેકે આનો ઉપયોગ ભૂમિ સેના અને વાયુસેના કરશે. સ્વદેશીકરણને ઉત્તેજન આપવા તે ભારતીય વિક્રેતાઓ દ્વારા ખરીદવામાં આવશે. ૮૪ એમએમ રોકેટ લોન્ચર માટે આનો ઉપયોગ સૈનિકો આગળ વધવા અને બંકરોનો નાશ કરવા માટે કરશે. નાઇટસાઇટ ઘણી વધારે ક્ષમતાથી સૈનિકોને દુશ્મનોની ટેંકો શોધવામાં અને આગળ વધવામાં મદદરૂપ બનશે.

સુખોઇ ૩૦ એમ કે આઇ ફાઇટર પ્લેન માટે ઓછામાં ઓછા ૧૦૦ ઇન્ફ્રારેડ ઇમેજીંગ સર્ચ એન્ડ ટ્રેક સીસ્ટર (આઇઆરએસટી) ખરીદવાની મંજુરી પણ અપાઇ છે.

એવુ કહેવામાં આવ્યું છેકે, છેલ્લા આઠ મહિનામાં સુરક્ષા દળોના આધુનિકીકરણ ની પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે અને તેમાં સ્વદેશીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. કુલ ૪૩૮૪૪ કરોડની ખરીદીમાં ૩૨૨૫૩ રૂપિયાના સાધનો મેડ ઇન ઇન્ડિયા હશે.

(1:22 pm IST)