Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

દિલ્‍હી સરકારની ગરીબ-મધ્‍યમ વર્ગ માટે આશીર્વાદરૂપ સુચીત યોજનાઃ ખાનગી હોસ્‍પીટલમાં જો દર્દી ૬ કલાકમાં મૃત્‍યુ પામે તો બીલની પ૦ ટકા રકમ જતી કરો!!

બીલ ચુકવણીના અભાવે દર્દીનો મૃતદેહ ખાનગી હોસ્‍પીટલો બાનમાં નહિ રાખી શકેઃ અંતિમ વિધિ સુધી મૃત્‍યુનો મલાજો જાળવો...સુચીત બીલમાં સ્‍પષ્‍ટ નિર્દેશઃ ખાનગી દવાખાનાઓ તગડી ફી વસુલતા ‘કસાઇવાડા' બન્‍યાની ફરીયાદ બાદ અરવિંદ કેજરીવાલે રચેલી હાઇલેવલ કમીટીએ ગાળીયો કસ્‍યો : ૨૦૧૧માં રાષ્‍ટ્રીયકક્ષાએ તૈયાર થયેલા આવશ્‍યક દવાઓના લીસ્‍ટને જ પ્રથમ પસંદગી આપવામાં આવેઃ આ બારામાં દર્દીઓને કે તેમના પરીવારજનોને વાકેફ કરવા પડશેઃ પગાર અને કન્‍સલ્‍ટન્‍ટ ચાર્જ ડોકટર સહિત તમામ કર્મચારીઓમાં વહેચવો પડશે

નવી દિલ્‍હી, તા., ર૯: દિલ્‍હી સરકાર દ્વારા તૈયાર થયેલી સુચીત યોજનાથી લઇને ખાનગી ડોકટરો અને હોસ્‍પીટલના સંચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે. આ યોજનામાં દિલ્‍હી સરકારે ખાનગી હોસ્‍પીટલોને નિર્દેશ આપ્‍યો છે કે રાજધાનીમાં બીલનું ચુકવણું ન થવાના કારણે  કોઇ પણ મૃત દર્દીની અંતિમવિધિ અટકવી ન જોઇએ.

આ સુચીત યોજનામાં ર૪ કલાકથી ઓછા સમયમાં જો દર્દીનું મૃત્‍યુ થાય તો બીલમાં કાપ મુકવાનું પણ સુચવ્‍યું છે. જે બાબત વિવાદાસ્‍પદ બની રહેશે. જો દર્દી ઇમરજન્‍સી રૂમમાં ૬ કલાકની અંદર મૃત્‍યુ પામે તો કુલ બીલમાંથી પ૦ ટકા રકમ હોસ્‍પીટલે જતી કરવાની રહેશે. ર૪ કલાકના સમયમાં દર્દી મૃત્‍યુ પામે તો ર૦ ટકા બીલની રકમ કાપી આપવી પડશે. દિલ્‍હીના આરોગ્‍યમંત્રી સત્‍યેન્‍દ્ર જૈને આ બારામાં પત્રકારોને જણાવ્‍યું હતું.

જૈને કહયું કે, ભોગ બનનાર કોઇ પણ દર્દીનો મૃતદેહ બીલ ચુકવણીના અભાવે કોઇ હોસ્‍પીટલ બાનમાં રાખી શકશે નહી. મૃત્‍યુનો મલાજો જળવાવો જ જોઇએ. અંતિમવિધિ સુધી પરીવાર અને સમાજને તકલીફ ન પડવી જોઇએ. જો કે તેમણે એમ પણ જણાવ્‍યું કે, જો અંતિમવિધિ બાદ દર્દીના પરીવારજનો બીલ ન ચુકવે તો હોસ્‍પીટલ પાછળથી કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

૯ મેમ્‍બરોની કમીટીએ આ સુચીત યોજના બનાવી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા ડાયરેકટર જનરલ ઓફ હેલ્‍થ સર્વિસીઝ  શ્રી કિર્તી ભુષણના વડપણ હેઠળ આ કમીટી ગઠીત કરવામાં આવી હતી. ગયા વર્ષની ૧૩ ડિસેમ્‍બરે ખાનગી હોસ્‍પીટલ દ્વારા વધુ પડતા ચાર્જીસ વસુલાતા હોવાની ફરીયાદો સંદર્ભે આ કમીટી રચવામાં આવી હતી. ડ્રાફટ સ્‍કીમ માટે ૩૦ દિવસની અંદર સુચનો અને વાંધા મંગાવવામાં આવ્‍યા છે.

આરોગ્‍ય મંત્રીએ એમ પણ જણાવ્‍યું કે, ડ્રાફટ સ્‍કીમમાં એવી પણ દરખાસ્‍ત છે કે ડોકટરો, પ્રાઇવેટ હોસ્‍પીટલો અને નર્સીગ હોમ્‍સ દ્વારા નેશનલ લીસ્‍ટ ઓફ ઇસેન્‍સીયલ  મેડીસીન્‍સ એ સુચવેલી દવાઓ વિષે દર્દીઓને જણાવે અને નોન એનએલઇએમ કેટેગરીની દવા જોઆપે તો પણ દર્દીને જાણ કરે.

આવશ્‍યક દવાઓનું એક રાષ્‍ટ્રીય લીસ્‍ટ તૈયાર કરવામાં આવ્‍યું છે. જેને કલીનીકલ બેઇઝ ઉપર એમઆરપીના ધોરણે પુરી પાડવાની રહેશે. આવી દવાઓ પ્રથમ પસંદગીના ધોરણે આપવી પડશે.

૧૯પ૩ ના દિલ્‍હી નર્સીગ હોમ રજીસ્‍ટ્રેશન એકટ હેઠળ આવતી ખાનગી હોસ્‍પીટલો અને નર્સીગ હોમ્‍સ ઉપરોકત કાયદાનો અમલ નહિ કરે તો તેમના લાયસન્‍સ ગુમાવશે તેવું પણ આરોગ્‍ય મંત્રીએ સુચીત ડ્રાફીટ સંબંધી માહીતી આપતા જણાવ્‍યું હતું. તાકીદની સારવાર માટે આવેલી કોઇ પણ વ્‍યકિતને ખાનગી હોસ્‍પીટલો સારવારની ના અ નહિ પાડી શકે.  ઓપરેશન અને અન્‍ય તબીબી કાર્યવાહી બાબતોએ પણ નવી-નવી દરખાસ્‍તો છે. વધારાની સર્જરીના કેસમાં પેસન્‍ટના કુલ બીલના પ૦ ટકા રકમ જ વધુ લઇ શકશે. વધુ જોખમી ઓપરેશનના સંજોગોમાં નક્કી થયેલી ફીથી વધુમાં વધુ ર૦ ટકા રકમ વધારે લઇ શકાશે.

આ કમીટીમાં ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો.કે.કે.અગ્રવાલદિલ્‍હી મેડીકલ કાઉન્‍સીલના પ્રેસીડેન્‍ટ ડો. અરૂણ ગુપ્તા, દિલ્‍હી મેડીકલ એસોસીએશનના પુર્વ પ્રમુખ આર.કે.ગુપ્તા અને અન્‍ય સીનીયર અધિકારીઓ સમાવીષ્‍ટ છે. જૈને જણાવ્‍યું કે કોઇ પણ દર્દીને હોસ્‍પીટલના જ મેડીકલ સ્‍ટોરમાંથી દવાઓ ખરીદવા દબાણ નહિ થઇ શકે. પગાર અને કન્‍સલ્‍ટન્‍ટ ચાર્જ ડોકટરો સહિતના તમામ કર્મચારીઓમાં વહેચવાના રહેશે. ર૦,૦૦૦ થી વધુ રકમ રોકડમાં નહિ સ્‍વીકારી શકાય. તેના ઉપરનું તમામ ચુકવણું ચેક અથવા બેન્‍કીંગ સીસ્‍ટમ મારફત વસુલવાનું રહેશે. જો આમ નહિ થાય તો તેને ગેરકાયદે ગણવામાં આવશે.

(1:22 pm IST)