Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

૧૪-૧૫ જૂને સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં ચોમાસાની એન્‍ટ્રી ધારણા કરતા વધુ ઝડપી ગતિએ આગળ વધશે

વેલમાર્ક લો પ્રેસર સાઉથ ઈસ્‍ટ અરેબિયન સમુદ્રમાં છે, જેની અસરથી કેરળ, કોસ્‍ટલ કર્ણાટક અને તામિલનાડુમાં બે થી ત્રણ દિવસમાં ચોમાસાનું આગમન : ૧૦મીથી દક્ષિણ સૌરાષ્‍ટ્રમાં છૂટાછવાયા સ્‍થળોએ મેઘો વરસવા લાગશેઃ અરબી સમુદ્રમાં કન્‍વર્ઝન હોય ભારતીય મહાદ્વીપને વરસાદના સ્‍વરૂપે મહાફાયદો થશે : હવામાન ખાતુ

રાજકોટ : ગરમીથી અકળાયેલા લોકો માટે રાહતના સમાચાર છે. ૧૪-૧૫ જૂન આસપાસ સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. કેરળમાં ગઈકાલે જ ચોમાસાનું આગમન થઈ ચૂકયુ છે. દક્ષિણ પમિ ચોમાસાની ગતિ હાલ ખૂબ જ સારી છે અને તે ધારણા કરતાં વધુ ઝડપી આગળ વધી રહ્યુ છે. જે એક સારી નિશાની છે. ૧૦ જૂનથી ખાસ કરીને દક્ષિણ સૌરાષ્‍ટ્રમાં છૂટાછવાયા ઝાપટા, વરસાદ વરસવાનું ચાલુ થઈ જશે તેમ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્‍યુ છે.

એક વેલમાર્ક લો પ્રેશર સાઉથ ઈસ્‍ટ અરેબિયન સમુદ્રમાં છે. જેની અસરથી કેરળ, કોસ્‍ટલ કર્ણાટક, તામિલનાડુમાં આગામી બે-ત્રણ દિવસમાં જ ચોમાસુ બેસી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જે સાઉથ બે ઓફ બંગાળને પણ આવરી લેશે. ચોમાસુ વેલસેટ છે. જે ધારણા કરતા પણ ઝડપથી આગળ વધી રહ્યુ છે અને વધશે.

અરબી સમુદ્રમાં કન્‍વર્ઝન હોય ભારતીય મહાદ્વીપને વરસાદના સ્‍વરૂપે મોટો ફાયદો થાય તેવી પૂરેપૂરી શકયતા છે. દરમિયાન ચોમાસુ સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં આગામી ૧૪-૧૫ જૂને એન્‍ટ્રી કરશે તેવી પૂરેપૂરી સંભાવના હવામાન ખાતાએ વ્‍યકત કરી છે.

દરમિયાન નૈઋત્‍યનું ચોમાસુ ગઈકાલે રૂમઝૂમ કરતુ કેરળમાં પહોંચી ગયુ છે. આ સાથે જ નૈઋત્‍યમાં વરસાદની સીઝન પણ શરૂ થઈ ગઈ છે. હવામાન ખાતાના જણાવ્‍યા મુજબ કેરળમાં સ્‍થાપિત ૧૪ હવામાન કેન્‍દ્રોમાં ૬૦%માં સતત બે દિવસ ૨.૫ મિ.મી. તથા તેનાથી વધારે વરસાદ સતત બે દિવસ સુધી નોંધાય તો બીજા દિવસે કેરળમાં ચોમાસાના પ્રવેશની જાહેરાત કરી શકાય છે. જે ચોમાસાના આગમનના મુખ્‍ય સંકેતોમાંનું એક છે.

(12:12 pm IST)