Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

આવતીકાલથી દેશભરમાં ૨ દિ' બેન્ક હડતાલ : સજ્જડ બંધ રહેશે

૧૬ - ૧૭માં બેન્કોનો ૧,૫૯,૦૦૦ કરોડ જેવો તોતિંગ નફો થયો છે : પણ નફા સાથે 'એનપીએ' એડજસ્ટ કરી દઇ નફો ખૂબ ઓછો બતાડાય છે!!

રાજકોટ તા. ૨૯ : સોમવાર બેન્ક કર્મચારીઓની પગાર વધારા સહિતની જુદી જુદી માગણી અંગે કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન બેન્ક એસોસિયેશનની મંત્રણાઓનો એકાદ વર્ષથી કોઈ જ નિર્ણય ન લેતી હોવાથી ૩૦મી અને ૩૧મી મેએ રાષ્ટ્રીયકૃત બેન્કના ગુજરાતના કર્મચારીઓ સહિત દેશભરના કર્મચારીઓ બે દિવસની હડતાલ પાડશે.

છેલ્લા એક વર્ષમાં પગાર વધારાના પ્રશ્ને વારંવાર બેઠકો યોજાઈ તે છતાંય કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. ઇન્ડિયન બેન્ક એસોસિયેશને પાંચમી મેએ જુદી જુદી બેન્કોના કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે યોજેલી બેઠકમાં બેન્કોની આર્થિક સ્થિતિ નબળી હોવાનું કારણ આગળ કરીને માત્ર બે ટકા પગાર વધારો આપવાની તૈયારી બતાવેલ પરંતુ કર્મચારીઓને માન્ય નથી. તેથી ૩૦મી મે અને ૩૧મી મે બે દિવસ હડતાલ પાડવાનો બેન્ક કર્મચારીઓએ નિર્ણય કર્યો છે.

ભારત સરકારના ચીફ લેબર ઓફિસરે સ્ટ્રાઈક-હડતાલના એલાન પછી આ મુદ્દે બેન્ક કર્મચારીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી. પરંતુ આ ચર્ચા વિચારણા ફળદાયી સાબિત થઈ નહોતી. આ બેઠકમાં ઇન્ડિયન બેન્ક એસોસિયેશનના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

કર્મચારીઓનું કહેવું છે કે બેન્ક કર્મચારીઓને છેલ્લે ૧૫ ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો હતો. બીજું, ૨૦૧૬-૧૭ના વર્ષમાં રાષ્ટ્રીયકૃત બેન્કોનો કુલ નફો રૂ. ૧,૫૯,૦૦૦ કરોડનો રહ્યો છે. તેની સામે બેન્ક લોન એનપીએ થઈ હોવાથી જોગવાઈ કરવામાં જ નફાની રકમ વપરાઈ હોવાથી નફો ઘટયો છે. બેન્કના નફાને એન.પી.એ. સામે એડજસ્ટ કરી લઈને બેન્કનો નફો ઓછો થયો હોવાનો આભાસ ઊભો કરવામાં આવી રહ્યો છે.

કર્મચારીઓને પગાર વધારાથી વંચિત રાખવા માટે આ કારણ આપવું તે ઉચિત નથી. તેમ જ વર્ગ ૧થી ૩ના કર્મચારીઓને જ માત્ર પગાર વધારાનો લાભ આપવો તે ઉચિત નથી. લેબર કમિશનરે કર્મચારીઓને સાંભળ્યા પછી તેમની માગણીઓને મુદ્દે નવેસરથી વિચાર કરવા ઇન્ડિયન બેન્કિંગ એસોસિયેશનને જણાવ્યું છે.

(10:11 am IST)