Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

૨૦૧૯ની તૈયારી : સંઘ - સરકાર વચ્ચે બેઠક, રણનીતિ ઘડાશે

સંઘનું નેતૃત્વ સરકારની નીતિઓથી સંતુષ્ટ છે પરંતુ સરકારના કામકાજથી લઇ જનતામાં : બની રહેલી છબીથી તેઓ ચિંતિત : સરકારની છબી સુધારવા સંઘ મેદાનમાં આવશે

નવી દિલ્હી તા. ૨૯ : આજે મળનારી બેઠકમાં મોદી સરકાર તરફથી નાણા પ્રધાનનો હવાલો સંભાળનારા પિયુષ ગોયલ તેમજ વાણિજય પ્રધાન સુરેશ પ્રભુ હાજર રહેશે.ઙ્ગ તો સંઘ સાથે સંકળાયેલા ભારતીય મજદુર સંઘ, કિસાન સંઘ, લઘુ ઉદ્યોગ ભારતી અને સ્વદેશી જાગરણ મંચના પદાધિકારીઓ બેઠકમાં સામેલ થશે.

એર ઇન્ડિયાના ખાનગીકરણના મુદ્દે પણઙ્ગ ચર્ચા થવાની છે. સૂત્રોનુ માનવુ છે કે સંઘનુ નેતૃત્વ સરકારની નીતિઓથી સંતુષ્ટ છે પરંતુ સરકારના કામકાજથી લઇ જનતામાં બની રહેલી છબીથી તેઓ ચિંતિત છે.

જનતા વચ્ચે સરકારની જે છબી બની રહી છે તેને સુધારવા માટે હવે સંઘ પણ મેદાને પડવાનુ છે. જૂના ત્રીજા સપ્તાહથી સંઘના સ્વંય સેવકો સરકારે કરેલા સામાજીક કાર્યોની સફળતાઙ્ગ જનતા સુધી પહોંચાડવાનુ કામ કરશે.

મહત્વનુ છે કે સોમવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે સંઘના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમની આ બેઠકમાં પાંચ કેન્દ્રીય પ્રધાનો પણ સામેલ હતા. આ બેઠકમાં શિક્ષણ નીતિ તેમજ મોદી સરકારની વિવિધ નીતિઓ પર ચર્ચા અને સમીક્ષા થઇ હતી.

સંઘ તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠન તેમજ ભાજપ અને સરકારના પ્રતિનિધીઓ વચ્ચે યોજાયેલી આ સમન્વય બેઠકનુ વડપણ સંઘના સહ સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલે કર્યુ હતુ.

આ ઉપરાંત સંઘના સેવા સમૂહ, શિક્ષણ સમૂહ, સામાજિક સમૂહ તેમજ વિચાર સમૂહના પ્રતિનિધિઓ સાથે પણ કેન્દ્રીય પ્રધાનોની બેઠકોનો દોર થયો હતો. આ સમન્વય બેઠકમાં ભાજપમાંથી અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ઉપાધ્યક્ષ વિનય સહ સ્ત્રબુદ્ઘે, મહાસચિવ રામ માધવ તેમજ સંગઠન સચિવ રામલાલ સામેલ થયા હતા.

સરકાર તરફથી કેન્દ્રીય પ્રધાન રાજયવર્ધનસિંહ રાઠોડ, જે પી નડ્ડા, મેનકા ગાંધી, મહેશ શર્મા અને પ્રકાશ જાવડેકરે ભાગ લીધો હતો. સંઘ તરફથી સેવા ભારતી, આરોગ્ય ભારતી, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, વિદ્યા ભારતી, સંસ્કાર ભારતી સહિતના સંગઠનના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.

આ બેઠકને ૨૦૧૯ની મિશનની તૈયારીના ભાગરૂપે પણ જોવાઇ રહી છે. ત્રણ દિવસ સુધી આ બેઠકોના દોરનો આજે બીજો દિવસ છે.

(10:09 am IST)