Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

કોંગ્રેસ પાર્ટીને ૧૭૦૦ કરોડ રૃપિયાનો ટેક્સ ભરવા નોટિસ

આવકવેરા ખાતાએ કોંગ્રેસ પાર્ટીને નોટિસ આપી : આ નોટિસ વ્યાજ અને દંડ સાથે ૨૦૧૭-૧૮થી લઈને ૨૦૨૧-૨૨ સુધીના સમયગાળા માટે છે તેથી આ આંકડો હજુ વધવાની શક્યતા

નવી દિલ્હી, તા.૨૯ : લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના બેન્ક ખાતા તો સિઝ થયેલા જ છે, સાથે સાથે ઈન્કમટેક્સની નોટિસ પણ આવી છે. આવકવેરા ખાતાએ કોંગ્રેસ પાર્ટીને ૧૭૦૦ કરોડ રૃપિયાનો ટેક્સ ભરવાની નોટિસ આપી છે. હાલમાં આવકવેરા વિભાગ કોંગ્રેસની આવકની આકારણી કરે છે. કોંગ્રેસે આની સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે.

આવકવેરા વિભાગે કોંગ્રેસને ૧૭૦૦ કરોડ રૃપિયાની નોટિસ ફટકારી છે. આ નોટિસ વ્યાજ અને દંડ સાથે ૨૦૧૭-૧૮થી લઈને ૨૦૨૧-૨૨ સુધીના સમયગાળા માટે છે. તેથી આ આંકડો હજુ વધવાની શક્યતા છે. લોકસભાની ચૂંટણી માથે આવી ગઈ છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી અગાઉ આવકવેરા વિભાગની આ કાર્યવાહીને ગેરકાયદે અને બિનલોકતાંત્રિક ગણાવી છે. કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે તેઓ આવકવેરા વિભાગની કાર્યવાહીને કાયદાકીય રીતે પડકારશે. તેમણે આઇટીની કાર્યવાહીને અન્યાયી ગણાવી છે.

આવકવેરા વિભાગ કોંગ્રેસની આવકનું નવેસરથી એસેસમેન્ટ કરે છે. તેની સામે કોંગ્રેસે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ચાર વર્ષમાં થયેલા પુનઃમૂલ્યાંકનને પડકાર્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને પુરૃષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે રિએસેસમેન્ટ પર પ્રતિબંધ લગાવવાનો ઈક્નાર કરી દીધો હતો.

દિલ્હી હાઈકોર્ટે ચાર વર્ષના સમયગાળા માટે ટેક્સ સત્તાવાળાઓ દ્વારા કરવેરાની પુનઃ આકારણીની કાર્યવાહીને પડકારતી કોંગ્રેસની અરજીઓને ગુરુવારે ફગાવી દીધી હતી. હાલની બાબત વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીની આકારણી સાથે સંબંધિત છે. અન્ય અરજીમાં કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૬-૧૭ના મૂલ્યાંકન વર્ષ સંબંધિત રિએસેસમેન્ટની કાર્યવાહીને પડકારી હતી. ૨૨ માર્ચે હાઈકોર્ટે આ દલીલોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ટેક્સ ઓથોરિટીએ પૂરતા અને નક્કર પુરાવા એકત્રિત કર્યા છે, જેના માટે વધુ તપાસની જરૃર છે.

કોંગ્રેસે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે આવકવેરા કાયદાની કલમ ૧૫૩ઝ્ર (અન્ય વ્યક્તિની આવકનું મૂલ્યાંકન) હેઠળની કાર્યવાહી એપ્રિલ, ૨૦૧૯માં ચાર વ્યક્તિઓ પર કરવામાં આવેલી અને ચોક્કસ સમય મર્યાદાથી વધુની તપાસ પર આધારિત હતી.

 કોંગ્રેસે એસેસમેન્ટ પૂર્ણ થવાનો સમય પૂરો થવાના થોડા દિવસો પહેલા અને કાર્યવાહીના છેલ્લા તબક્કામાં કોર્ટમાં અપીલ કરવાનું પસંદ કર્યું હતું તેવું કારણ આપવામાં આવ્યું હતું. ટ્રિબ્યુનલે ૨૦૧૮-૧૯ માટે રૃ. ૧૦૦ કરોડથી વધુના બાકી વેરાની વસૂલાત માટે કોંગ્રેસને જારી કરાયેલ ડિમાન્ડ નોટિસ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.

(8:39 pm IST)