Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્નથી સન્માનિત કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને તેમના ઘરે 'ભારત રત્ન' એનાયત કરશે: ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. સવારે 11.30 કલાકે તેમના નિવાસસ્થાને ભારત રત્ન આપવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીની સાથે બીજેપીના ઘણા મોટા નેતા પણ હાજર રહી શકે છે

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને જશે અને તેમને 'ભારત રત્ન'થી સન્માનિત કરશે. આ નિર્ણય ભાજપના વરિષ્ઠ નેતાની તબિયતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. લાલકૃષ્ણ અડવાણી કેટલાય મહિનાઓથી કોઈ જાહેર કે ખાનગી કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પણ તેઓ સ્વાસ્થ્યના કારણોસર અયોધ્યા જઈ શક્યા ન હતા. હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને તેમના ઘરે 'ભારત રત્ન' એનાયત કરશે.
  આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ત્યાં હાજર રહેશે. આ માટેની તારીખ રવિવાર (31 માર્ચ, 2024) નક્કી કરવામાં આવી છે. લાલ કૃષ્ણ અડવાણી 1941માં માત્ર 14 વર્ષની ઉંમરે RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)માં જોડાયા હતા. 1951માં જનસંઘે તેમને રાજસ્થાનમાં સંગઠનની જવાબદારી સોંપી અને તેમણે 6 વર્ષ સુધી પ્રવાસ કર્યો અને જનતા સાથે વાતચીત કરી હતી 1967 માં તેમણે દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈને ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો.

લાલકૃષ્ણ અડવાણીનું જાહેર જીવન 7 દાયકાથી વધુનું છે. 96 વર્ષની ઉંમરે પણ તેમને વાંચન-લેખનમાં રસ છે. લાલકૃષ્ણ અડવાણીએ લોકસભામાં ગાંધીનગર અને નવી દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ દિલ્હી, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ પણ ચૂંટાયા હતા. તેમણે ત્રણ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની કમાન સંભાળી હતી. જ્યારે તેમને 'ભારત રત્ન' એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા

 

(7:21 pm IST)