Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

કોંગ્રેસને આયકર વિભાગની ૧૭૦૦ કરોડની નોટિસ

લોકસભાની ચૂંટણી પહેલા દેશના સૌથી જુના પક્ષની આર્થિક મુશ્‍કેલીમાં વધારો : હવે ૨૦૧૭-૧૮થી લઇને ૨૦૨૦-૨૧ માટે નોટિસ મળી : જેમાં દંડ-વ્‍યાજ સામેલ છે :એક તરફ ખાતાઓ ફ્રીઝ છે ત્‍યારે પહેલા હાઇકોર્ટે અરજી ફગાવી હવે આયકર વિભાગની નોટિસ : પક્ષને પડયા પર પાટુ

નવી દિલ્‍હી તા. ૨૯ : કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્‍હી હાઈકોર્ટમાંથી સૌથી પહેલો ઝટકો લાગ્‍યો હતો. જે બાદ આવકવેરા વિભાગે મુશ્‍કેલીઓમાં વધુ વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે. આવકવેરા વિભાગની નવી માંગ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧ માટે છે.  જેમાં દંડ અને વ્‍યાજ બંનેનો સમાવેશ થાય છે.

આ રકમ હજુ વધવાની શક્‍યતા છે. આવકવેરા વિભાગ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ સુધીની આવકના પુનર્મૂલ્‍યાંકનની રાહ જોઈ રહ્યું છે. તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. કોંગ્રેસના વકીલ અને રાજયસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે. તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્‍ય ગણાવી હતી.

રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંખાએ આરોપ લગાવ્‍યો હતો કે ગુરુવારે પક્ષને મુખ્‍ય દસ્‍તાવેજો વિના લગભગ ૧,૭૦૦ કરોડ રૂપિયાની નવી નોટિસ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે દેશની મુખ્‍ય વિપક્ષી પાર્ટીનું લોકસભા ચૂંટણી દરમિયાન આર્થિક રીતે ગળું દબાવવામાં આવી રહ્યું છે.

દિલ્‍હી હાઈકોર્ટે ગુરૂવારે ચાર વર્ષના સમયગાળા માટે કર સત્તાવાળાઓ દ્વારા તેની સામે કરવેરા પુનઃ આકારણીની કાર્યવાહીની શરૂઆતને પડકારતી કોંગ્રેસની અરજીઓને ફગાવી દીધી હતી. જસ્‍ટિસ યશવંત વર્મા અને જસ્‍ટિસ પુરૂષેન્‍દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્‍ચે જણાવ્‍યું હતું કે અન્‍ય એક વર્ષ માટે પુનર્મૂલ્‍યાંકનની રજૂઆતમાં દખલ કરવાનો ઇનકાર કરતા તેના અગાઉના ચુકાદા અનુસાર અરજીઓ ફગાવી દેવામાં આવે છે.  હાલની બાબત વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીની આકારણી સાથે સંબંધિત છે.

ગયા અઠવાડિયે નકારી કાઢવામાં આવેલી અન્‍ય અરજીમાં, કોંગ્રેસ પક્ષે આકારણી વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૬-૧૭ સંબંધિત પુનઃમૂલ્‍યાંકનની કાર્યવાહીની શરૂઆતને પડકારી હતી. ૨૨ માર્ચે, હાઈકોર્ટે તે દલીલોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ટેક્‍સ ઓથોરિટીએ પ્રાથમિક દૃષ્ટિએ પૂરતા અને નક્કર પુરાવા એકત્રિત કર્યા છે, જેને વધુ તપાસની જરૂર છે.

અરજીમાં, કોંગ્રેસે દલીલ કરી હતી કે આવકવેરા કાયદાની કલમ ૧૫૩ઘ્‍ (અન્‍ય વ્‍યક્‍તિની આવકનું મૂલ્‍યાંકન) હેઠળની કાર્યવાહી એપ્રિલ, ૨૦૧૯ માં ચાર વ્‍યક્‍તિઓ પર હાથ ધરવામાં આવેલી તપાસ પર આધારિત હતી અને તે ચોક્કસ સમય મર્યાદાની બહાર હતી.

 

(11:23 am IST)