Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

NDAમાં જોડાયા એટલે મળી ગઇ ક્‍લિનચીટપ્રફુલ પટેલ હવે દૂધે ધોયેલા : ૮૪૦ કરોડના કૌભાંડમાં તપાસ બંધ

પુરાવા નથી મળ્‍યા : સીબીઆઇએ કલોઝર રિપોર્ટ ફાઇલ કર્યો

નવી દિલ્‍હી તા. ૨૯ : સીબીઆઈએ સંયુક્‍ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારના કાર્યકાળ દરમિયાન એર ઈન્‍ડિયાના વિમાનને લીઝ પર આપવાના મામલામાં તપાસ બંધ કરી દીધી છે. આ સાથે મહારાષ્ટ્રના ડેપ્‍યુટી સીએમ અજિત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલને ૮૪૦ કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં મોટી રાહત મળી છે. સ્‍પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ક્‍લોઝર રિપોર્ટમાં સીબીઆઈએ કહ્યું છે કે કોઈ ગેરરીતિના પુરાવા મળ્‍યા નથી.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-અજીત)ના રાજયસભાના સભ્‍ય પ્રફુલ પટેલને મોટી રાહત મળી છે. સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઈન્‍વેસ્‍ટિગેશનએ એર ઈન્‍ડિયાના વિમાનને લીઝ પર આપવા સંબંધિત ૮૪૦ કરોડ રૂપિયાના કથિત કૌભાંડની તપાસ બંધ કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું હતું કે કોઇપણ ગેરરીતિના કોઈ પુરાવા નથી', તેથી CBIએ કેસમાં ક્‍લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે.

પટેલ, જેઓ કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્‍સ સરકાર (યુપીએ)માં નાગરિક ઉડ્ડયન મંત્રી હતા અને એર ઈન્‍ડિયાના વરિષ્ઠ અધિકારીઓ પર ગેરરીતિઓનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પર ૨૦૧૭માં તપાસ શરૂ કરનાર CBIએ તાજેતરમાં જ સ્‍પેશિયલ કોર્ટ સમક્ષ ક્‍લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન કંપનીઓ સાથે સીટ શેરિંગ વ્‍યવસ્‍થા સહિત એર ઇન્‍ડિયામાં કથિત અનિયમિતતા સંબંધિત અન્‍ય બાબતોની તપાસ ચાલુ રહેશે. સ્‍પેશિયલ કોર્ટ નિર્ણય લેશે કે રિપોર્ટ સ્‍વીકારવો કે કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વધુ તપાસ કરવા એજન્‍સીને નિર્દેશ કરવો.

આ મામલો એર ઈન્‍ડિયા દ્વારા મોટી સંખ્‍યામાં એરક્રાફટના ભાડાપટ્ટામાં ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે, જેના પરિણામે રાષ્ટ્રીય કેરિયરને ભારે નુકસાન થયું હતું જયારે આર્થિક લાભ ખાનગી વ્‍યક્‍તિઓને મળે છે. કેસમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, વિમાન ભાડે રાખવાની વ્‍યવસ્‍થા તત્‍કાલીન મંત્રી પ્રફુલ પટેલના નેતૃત્‍વમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નેશનલ એવિએશન કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિમિટેડ (એનએસીઆઈએલ)ના સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

નેશનલ એવિએશન કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિમિટેડની રચના એર ઈન્‍ડિયા અને ઈન્‍ડિયન એરલાઈન્‍સના વિલીનીકરણ બાદ કરવામાં આવી હતી. સીબીઆઈએ આરોપ લગાવ્‍યો હતો કે આ નિર્ણય અપ્રમાણિત રીતે' લેવામાં આવ્‍યો હતો. એફઆઈઆરમાં આક્ષેપ કરવામાં આવ્‍યો હતો કે ૨૦૦૬માં વિમાન ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો, તેમ છતાં વિદેશી ફલાઈટ્‍સ મોટા નુકસાન સાથે લગભગ ખાલી ચાલી રહી હતી.

એફઆઈઆરમાં આરોપ છે કે એર ઈન્‍ડિયાએ ૨૦૦૬માં ખાનગી પક્ષોને લાભ આપવા માટે ચાર બોઈંગ ૭૭૭ને પાંચ વર્ષ માટે લીઝ પર લીધા હતા, જયારે તે જુલાઈ, ૨૦૦૭થી તેના પોતાના એરક્રાફટની ડિલિવરી લેવાની હતી. પરિણામે, ૨૦૦૭-૦૯ના સમયગાળા દરમિયાન પાંચ બોઇંગ ૭૭૭ અને પાંચ બોઇંગ ૭૩૭ નો ઉપયોગ કરવામાં આવ્‍યો ન હતો. જેના કારણે સરકારી તિજોરીને ૮૪૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

(10:55 am IST)