Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

મધ્‍યપ્રદેશના ટેકનપુરમાં BSF ઓફિસરને કોરોનાની અસર : અન્‍ય જવાનોને કવોરેન્‍ટાઇન કરાયા

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના ટેકનપુરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના 50 જવાનોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ નિર્ણય અહીં પર બીએસએફના એક અધિકારીમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ લેવામાં આવ્યો છે.

ટેકનપુર મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આવેલું છે. અહીં પર બીએસએફનું એક આધુનિક ટ્રેનિંગ સેન્ટર છે. આ સેન્ટરમાં એક અધિકારીનો તપાસ દરમિયાન કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ અધિકારીના સંપર્કમાં આવેલા તમામ 50 અધિકારીઓ અને જવાનોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બીએસએફના ડોક્ટર આ જવાનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે 57 વર્ષનો જે બીએસએફ ઓફિસર કોરોના પોઝિટિવ મળ્યો છે તે ટેકનપુરમાં તૈનાત છે. હાલમાં આ ઓફિસરના પત્ની લંડનથી પરત આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઓફિસરને સંક્રમણ પોતાની પત્નીથી થયું છે. બીએસએફના આ અધિકારીને સારવાર માટે સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઓફિસર 15થી 19 માર્ચ વચ્ચે એડીજી, આઈજી રેન્કના અધિકારીઓ સાથે બેઠક કરી ચુક્યા છે. તમામ ઓફિસરને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

શનિવારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના એક હેડ કોન્સ્ટેબલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ જવાન મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તૈનાત હતો. માનવામાં આવી રહ્યું છે કે તેને ડ્યૂટી દરમિયાન સંક્રમણ થયું છે.

(12:00 pm IST)