Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

છોટાઉદેપુરના રંગપુરમાં લગ્નની વિદાય વેળાઅે ફાયરીંગમાં ૨ મહિલા ગંભીરઃ કન્યાને લીધા વગર વરરાજા રવાના

છોટા ઉદેપરુ: છોટાઉદેપુર જિલ્લામાં એક લગ્નની ખુશી અચાનક માતમમાં ફેરવાઇ ગઇ હતી. લગ્નમાં વાગી રહેલા શરણાઇનાં શૂર બંધ થઇ ગયા હતા. લગ્ન તો થઇ ગયા પરંતુ વરરાજા કન્યાને લીધા વિના પરત ફર્યો હતો. સોળ શણગારમાં સજેલી કન્યાની વિદાય થઇ શકી હતી. વિદાય વેળાએ અચનાક ફાયરિંગ થયું અને ફાયરિંગમાં ગામની બે મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે જાનૈયાઓમાં ભગદડ મચી જવા પામી હતી. વરરાજા પણ કન્યાને સાથે લીધા વિના રવાના થઇ ગયો હતો.

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર ગણાતા છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે આદિવાસી પરિવારનાં એવા કુતરીયાભાઇ રાઠવાની દીકરીના લગ્ન હતા. ગામ આખું લગ્નની ખુશીમાં મગ્ન હતું. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ દીકરીના વિદાયના સમયે અચાનક ધડાકાનો અવાજ થયો અને ત્યારબાદ લગ્ન મંડપમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગ્ન મંડપમાં વાગતા શરણાઇના શૂર બંધ થઇ ગયા હતા.

વિદાય સમયે કન્યાને રડતી જોઇ આવેશમાં આવી ગયેલા ગામનાજ માજી સૈનિક અજૂન રાઠવાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. જોકે, ત્યારબાદ અચાનક અર્જૂન રાઠવાના હાથમાંથી બંધૂક છૂટવી ગામના અન્ય યુવાન જુવાનસિંહ રાઠવાએ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. બાર બોરની બંધૂક દ્વારા કરાયેલ ફાયરિંગમાં ગામની 2 મહિલાઓને ગોળી વાગી હતી.

જેમાં 35 વર્ષીય મેથલીબેનને ગુપ્તાંગના ભાગે વાગેલી ગોળી આરપાર થઇ ગઇ હતી. જેમાં મેથલી રાઠવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. અચાનક થયેલા ફાયરિંગને લીધે જાન પણ કન્યાને લીધા વિના રવાના થઇ ગઇ હતી. તો બીજી તરફ ઇજાગ્રસ્ત બંને મહિલાઓને 108 દ્વારા છોટાઉદેપુર લઇ જવાઇ હતી.

ગંભીર રીતથી ઇજાગ્રસ્ત મેથલીબેનને ગુપ્તાંગના ભાગે વાગેલી ગોળીના છરા આરપાર થઇ ગયા હતા. જેથી વધુ સારવાર માટે તેને વડોદરા ખસેડવામાં આવી હતી. જ્યાં તે જીવન મરણવચ્ચે ઝોલા ખાઇ રહી છે. તો ઘટનાના પગલે પોલીસે માજી સૈનિક સહીત બંને સામે ગુનો નોંધી મહિલાઓ પર ફાયરિંગ કરનાર યુવાન જુવાનસિંહને ઝડપી લીધો છે.

(4:47 pm IST)