Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

મહારાહત

'મિશન શકિત' સંબોધન મામલે ચૂંટણીપંચને મોદી વિરૂધ્ધ પ્રથમ દ્રષ્ટિએ કોઇ કેસ દેખાતો નથી

નવી દિલ્હી તા. ૨૯ : ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના મિશન શકિતની જાહેરાતને આચાર સંહિતાનો ભંગ માન્યું નથી. ચૂંટણી પંચે કહ્યું કે, પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કોઇ પણ રીતે તેમની પાર્ટીનો પ્રચાર કર્યો નથી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં મતની અપીલ પણ કરી નથી. ચૂંટણી પંચે આ માટે એક તપાસ સમિતિ બનાવી હતી અને દૂરદર્શન અને આકાશવાણી પાસેથી પ્રસારણની ફિડ અને  સ્ત્રોત અને અન્ય જાણકારીઓ માંગી હતી.વિપક્ષની ફરિયાદ બાદ ચૂંટણી પંચે ડેપ્યુટી ઇલેકશન કમિશનરના નેતૃત્વમાં એક પેનલ બનાવી હતી. જેણે વડાપ્રધાન મોદીના ભાષણની તપાસ કરી હતી. વિપક્ષ પાર્ટીઓની ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાને પોતાના સંબોધનમાં સરકારની સિદ્ઘિ અંગે જણાવ્યું છે. તેમના ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત કાંઇ નહોતું. નોંધનીય છે કે વડાપ્રધાને દેશને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ભારત આજે અંતરિક્ષની મહાશકિત બની ચૂકયું છે. ભારતે આજે પોતાનું નામ સ્પેસ પાવરના રૂપે નોંધાવ્યું છે. ચૂંટણી પંચે વડાપ્રધાનના સંબોધનના તમામ પાસાની તપાસ કરી હતી.

(3:45 pm IST)