Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

અનુરાગ ઠાકૂર અને કપિલ મિશ્રા જેવા લોકો સાથે હું ન રહી શકું: જાણીતી અભિનેત્રીએ ભાજપને કહ્યું બાય બાય

કોમી રમખાણોએ લોકોનુ વિભાજન કર્યું છતાં ભાજપે અનુરાગ ઠાકૂર અને કપિલ મિશ્રા પર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી નથી: સુભદ્રા મુખર્જીનો વસવસો

નવી દિલ્હી : દિલ્હીના ઉત્તર પૂર્વી વિસ્તારોમાં સીએએ પ્રદર્શનો વચ્ચે ભડકેલી હિંસામાં મૃત્યુઆંક વધતો જાય છે ત્યારે  2013માં ભાજપમાં સામેલ થયેલી ખ્યાતનામ અભિનેત્રીએ પાર્ટી છોડી દીધી છે. સુભદ્રા મુખર્જી નામની આ અભિનેત્રીએ અનેક ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યુ છે. તેમને પોતાના આ નિર્ણય પણ જણાવ્યું હતું કે, મેં ઘણુ વિચાર્યા બાદ જ આ નિર્ણય લીધો છે.

       મુખર્જીએ જણાવ્યું હતું કે, હું 2013માં ભાજપમાં જોડાઈ હતી, હું પાર્ટીના કામથી પ્રભાવિત થઈ હતી. પણ હમણા થોડા વર્ષોથી હું જોઈ રહી છું કે, પાર્ટીમાં ઘણી વસ્તુઓ છે, જે યોગ્ય નથી. મને અહેસાસ થયો છે કે, ધર્મના આધારે લોકો પર ધૃણા કરવી અને તેમના વિશે ખોટો અભિપ્રાય રજૂ કરવાની ભાવના ભાજપા પર હાવી થઈ રહી છે. તેના પર ખૂબ વિચાર કર્યા બાદ મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષને પોતાનું રાજીનામુ આપી દીધું છે.

      અભિનેત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં આ શું થઈ રહ્યું છે. અનેક લોકોને મારી નાખ્યા, અનેકના ઘર સળગાવી દીધા. કોમી રમખાણોએ લોકોનુ વિભાજન કરી નાખ્યું છે. તેમ છતાં પણ ભાજપે અનુરાગ ઠાકૂર અને કપિલ મિશ્રા પર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી નથી. રમખાણોના આવા દ્રશ્યો જોઈ હું હચમચી ગઈ છું. મને લાગે છે કે, મારે એવી પાર્ટીમાં ન રહેવું જોઈએ કે, જ્યાં પોતાની જ પાર્ટીના નેતા વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, હું એવી પાર્ટીમાંથી દૂર રહીશ જ્યાં અનુરાગ ઠાકૂર અને કપિલ મિશ્રા જેવા લોકો રહેતા હોય

(7:56 pm IST)