Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કોરોના વાયરસઃ મનુષ્યમાંથી હવે પ્રાણીમાં ચેપ લાગ્યો! હોંગકોંગમાં પ્રથમ કેસ મળ્યો

એક વ્યકિતથી તેના પોમેરેનિયન નસ્લના પાલતું કૂતરાને કોરાનાવાયરસનો ચેપ લાગ્યો છે, ડોકટરે આ વાતની પુષ્ટિ કરી છે

હોંગકોંગ, તા.૨૯: કોરોનાવાયરસથી અત્યાર સુધી મનુષ્યોને ચેપ લાગ્યો હોવાના તેમજ અનેક મોત થયાના મામલા સામે આવ્યા છે, પરંતુ હોંગકોંગમાં એક એવી ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને ડોકટરો પણ પરેશાન છે. અહીં એક વ્યકિતથી તેના પોમેરેનિયન નસ્લના પાલતું કૂતરાને કોરાનાવાયરસનો ચેપ લાગ્યો છે. ડોકટરે આ વાતની પુષ્ટિ કરી છે. યવોન ચાઉ હો યી તેના બીમાર કૂતરાને ડોકટર પાસે લઈ ગયા હતા. અહીં તેના નાક અને મોઢાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બાદમાં તપાસ કરતા તેને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદમાં કૂતરાને ૧૪ દિવસ માટે અલગ ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. મેટ્રો યૂકેના રિપોર્ટ પ્રમાણે એગ્રીકલ્ચર, ફિશર અને કન્ઝર્વેટિવ ડિપાર્ટમેન્ટ તરફથી કૂતરાની નિયમિત તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિભાગ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રથમ કેસ છે જયારે કોઈ પ્રાણીને તેના માલિકથી કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોય. તેમના જણાવ્યા પ્રમાણે આ તબક્કે એવું કહેવું મુશ્કેલ ગણાશે કે પાળતું પ્રાણીઓને કોરોનાવાયરસનો ચેપ લાગી શકે છે અથવા પ્રાણીઓ લોકો માટે ચેપગ્રસ્ત થવાનો સ્ત્રોત બની શકે છે.

નાઇઝિરિયામાં કોરોનાવાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો બીજી તરફ નાઇઝિરિયામાં સ્વાસ્થ્ય અધિકારીઓએ કોરોનાવાયરસના એક મામલાની પુષ્ટિ કરી છે. સ્વાસ્થ્ય મંત્રી ઓસાગી એહનાઇઝરે ટ્વિટ કરીને કહ્યું કે,આ મામલો ઇટાલીના નાગરિકનો છે જે નાઇઝિરિયામાં કામ કરે છે. જે ૨૫જ્રાક ફેબ્રુઆરીના રોજ ઇટાલીથી મિલાન થઈને નાઇઝિરિયાના લાગોસ આવ્યો હતો. તેમણે કહ્યુ કે, દર્દીની હાલત સ્થિર છે. તેમાં કોઈ ગંભીર લક્ષણો નથી જોવામાં આવી રહ્યા. લોગોસની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. નાઇઝિરિયા પહેલા ઇજિપ્ત અને અલ્જિીરયામાં કોરોનાવાયરસના અલગ અલગ બે કેસ સામે આવ્યા હતા.

બીજી તરફ શુક્રવારે ચીનમાં જીવલેણ કોરોનાવાયરસથી ૪૪ લોકોનાં મોત થઈ ગયા હતા. જયારે ૩૨૭ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૮૦ હજાર નજીક પહોંચી છે.

દક્ષિણ કોરિયામાં પણ કોરોનાવાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં કોરોનાવાયરસના ૨૫૬ નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ ચેતગ્રસ્ત લોકોની સંખ્યા ૨,૦૨૦ થઈ ગઈ છે. મોટાભાગના કેસ દાએગા શહેર અને ગ્યોઓંગ્સાંગમાં સામે આવ્યા છે. કોરોનાવાયરસથી મૃતકોની સંખ્યા ૧૩ પર પહોંચી છે.

(3:41 pm IST)