Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ખેડૂતો માટે માઠા સમાચારઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષાઃ સૂર્યનારાયણનાં દર્શન સાથે જ ગરમી

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલ સાંજથી વાદળછાયુ વાતાવરણ છવાઇ ગયા બાદ આજે વહેલી સવારે ઝાકળવર્ષા સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કમોસમી  વરસાદની આગાહી કરાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

રાજયમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઇ રહ્યો છે અને ઉનાળો દસ્તક દઇ રહ્યો છે. ત્યારે હવે ઉનાળાની શરૂઆત પહેલા જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજયના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

ર૯ ફેબ્રુઆરીએ સુરત અને વડોદરામાં સામાન્ય વરસાદી છાંટા પડી શકે છે. તો અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પંથકમાં વાતાવરણમાં પલ્ટે આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતવરણથી ખેડૂતો પર પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. ખેડૂતોનું કહેવું છે કે, જો માવઠું થશે તો બટાકા, રાયડા અને એરંડાના પાકને નુકસાન થશે. પાક લણવાના સમયે જ જિલ્લાનું વાતાવરણ પલટાતા ખેડૂતો પરેશાન છે અને માવઠું ન થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

રાજયના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો, ઉનાળા પહેલાં માવઠું થશે તો રવિ પાકને પારવાર નુકશાની થવાની શકયતા છે.

જો કે હવામાન વિભાગની આગાહી રાજયના કેટલાક વિસ્તારો પુરતી જ મર્યાદિત છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સુરત અને વડોદરા પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. તેમની આગાહી મુજબ હળવા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની અમદાવાદ કચેરીના ઇન્ચાર્જ ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજયમાં બે દિવસ કેટલાક ઠેકાણે હળવો વરસાદ રહેશે. આ બે દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શકયતા છે. બે દિવસ બાદ વાદળો હટી જશે.

જો માવઠું થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઇ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસુ અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.

જુનાગઢ

જુનાગઢ :  જૂનાગઢનાં લઘુતમ તાપમાનમાં આજે એક દિવસમાં ૬ ડીગ્રીનો ધરખમ વધારો થતાં ગુલાબી ઠંડી પણ ગાયબ થઇ ગઇ છે.

છેલ્લા એક સપ્તાહથી જૂનાગઢ સહિત સોરઠમાં મિશ્ર ઋતુ છે. ગઇકાલે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૪.૯ ડીગ્રી રહ્યા બાદ આજે સવારના તાપમાનનો પારો ૬ ડીગ્રી ઉપર ચડીને ર૧ ડીગ્રીએ સ્થિર થયો હતો. આમ સવારનું તાપમાન વધવાથી ગુલાબી ઠંડીએ પણ પીછેહઠ કરવી પડી છે.

સવારનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહયુ હતું. અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૩ કિ. મી. ની રહી છે.

લઘુતમ તાપમાન વધવાથી બપોરનાં મહત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શકયતા છે.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩ર લઘુતમ ૯૧ ટકા વાતાવરણમાં ભેજનંુ પ્રમાણ ૪.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:34 am IST)