Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ટ્રક ડ્રાઇવરોને ધંધો કરવા દર વર્ષે આપવી પડે છે ૪૮ હજાર કરોડની લાંચ

સેવ લાઇફ ફાઉન્ડેશન સંસ્થાની સ્ટડીમાં થયો ખુલાસો : ભ્રષ્ટાચાર બેફામ

નવી દિલ્હી તા. ૨૯ : ટ્રક ડ્રાઈવરો અને ફલીટ ઓનર્સ (એકથી વધુ ગાડીઓની માલિકી ધરાવતા ટ્રાન્સપોર્ટરો) દર વર્ષે ૪૮,૦૦૦ કરોડ રૂપિયા ટ્રાફિક અથવા હાઈવે પોલીસને લાંચ પેટે ચૂકવે છે. આ રકમ ટ્રાન્સપોર્ટ અને ટેકસ ડિપાર્ટમેન્ટના જે-તે અધિકારીને ચૂકવાયા સિવાયની છે. ૧૦ મોટા ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્ઝિટ હબમાં એક સ્ટડી કરવામાં આવ્યો હતો જેમાં આ ચોંકાવનારી હકીકત સામે આવી છે. માત્ર પોલીસ જ નહીં સ્થાનિક પૂજા સમિતિ પણ આ ટ્રકવાળાઓ પાસેથી પૈસા પડાવે છે. પૈસા ચૂકવ્યા બાદ જ અનૌપચારિક ચેકપોસ્ટ પરથી તેમને પસાર થવા દે છે. એક ચતુર્થાંશ ડ્રાઈવરો આ લોકોને રોકડમાં ચૂકવણી કરે છે.

સેવલાઈફ ફાઉન્ડેશન નામના એનજીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરવેમાં ભાગ લેનારા ૮૨્રુ લોકોએ સ્વીકાર્યું કે, ગત ટ્રીપમાં શ્નરોડને લગતા એક અથવા બીજા ડિપાર્ટમેન્ટના અધિકારીલૃને લાંચ આપી છે. તેમણે સ્વીકાર્યું કે, આ સેકટરમાં ભ્રષ્ટાચાર નિરંકુશ છે. ૧,૨૧૭ ટ્રક ડ્રાઈવરો અને ૧૧૦ ફલીટ માલિકોના વિગતવાર ઈન્ટરવ્યૂ પછી સરવેનું તારણ કાઢવામાં આવ્યું છે. એકંદરે દરેક મુસાફરી માટે વિવિધ અધિકારીઓને ચૂકવાતી લાંચની અંદાજિત રકમ ૧,૨૫૭ રૂપિયા છે.

માર્ગ પરિવહન રાજયમંત્રી વી.કે. સિંહે બહાર પાડેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતભરના બે તૃતીયાંશ ડ્રાઈવરો (૬૭%)એ ટ્રાફિક અથવા હાઈવે પોલીસકર્મીઓને રોડ પર લાંચ આપી હોવાની વાત કબૂલી છે. પસંદગી કરાયેલા ટ્રાન્સપોર્ટ હબમાંથી ગુવાહાટીની સ્થિતિ સૌથી ખરાબ છે. અહીંના ૯૭.૫ ટકા ડ્રાઈવરોએ લાંચ આપી હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદ ૮૯% સાથે ચેન્નૈ અને ૮૪.૪% સાથે દિલ્હીનો ક્રમ આવે છે.

ટ્રકવાળાઓ માટે આરટીઓના અધિકારીઓને લાંચ આપવી એ તો જાણે પરંપરા જેવું છે. સરવેમાં સામેલ કરાયેલા ૪૪% ડ્રાઈવરોએ આ વાત સ્વીકારી છે. બેંગાલુરુમાં ૯૪ ટકા આરટીઓ અધિકારીઓ લાંચ લે છે અને ગુવાહાટીમાં આ આંકડો ૯૩.૪ ટકા છે. રિપોર્ટમાં ઉદાહરણો ટાંકીને જણાવાયું છે કે, રોડ પર ડ્યૂટી કરતાં સરકારી અધિકારીઓએ લાંચ લેવાનું આખેઆખું માળખું તૈયાર કરીને રાખ્યું છે. લાંચ લીધા પછી તેઓ ટ્રક ડ્રાઈવરોને એક સ્લીપ (ચબરખી) આપે છે. ડ્રાઈવરો આ ચબરખી આગામી ચેકપોસ્ટ પર બતાવે એટલે તેમને ત્યાંથી સરળતાથી પસાર થવા દે છે. રિપોર્ટ પ્રમાણે, ૪૭% ડ્રાઈવરોએ ડ્રાઈવર લાયસન્સ રિન્યૂ કરાવવા માટે લાંચ આપી હોવાનું સ્વીકાર્યું છે. મુંબઈના લગભગ ૯૩ ટકા ટ્રક ડ્રાઈવરોએ સ્વીકાર્યું છે કે, તેમણે ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા લાંચ આપી છે. ત્યારબાદ ૮૩% સાથે ગુવાહાટીના ડ્રાઈવરો અને ૭૮% દિલ્હી-એનસીઆરના ડ્રાઈવરોએ આવા જ દાવા કર્યા છે. ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા ડ્રાઈવરોએ સરેરાશ ૧,૭૮૯ રૂપિયાની લાંચ આપી છે. જયારે દિલ્હીમાં મહત્તમ ૨,૦૨૫ રૂપિયા લાંચ પેટે આપ્યા છે.

વાહનોના રજિસ્ટ્રેશન માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને સરેરાશ ૧,૩૬૦ રૂપિયા લાંચ આપી હોવાનો દાવો ૪૩ ટકા ફલીટ ઓનર્સે કર્યો છે. ટ્રકના ધંધામાં લાંચ સામાન્ય થઈ ગઈ છે. આ મુદ્દે વાત કરતાં વી. કે. સિંહે કહ્યું, 'આવા લાંચિયા અધિકારીઓ કેટલા વાહનો પસાર થાય છે તેની ગણતરી માટે ચેકપોસ્ટ ઊભી કરે છે. ત્યાંથી પસાર થતાં ટ્રક ડ્રાઈવરો બારીમાંથી એક ચલણી નોટ કાઢીને આપી દે છે, એમ વિચારીને કે આ ચેકપોસ્ટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની છે.'

(11:32 am IST)