Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કોરોનાઃ ચીનમાં બિલાડી અને કૂતરા ખાવા પર પ્રતિબંધ

માત્ર પોર્ક, ચિકન, બીફ, સસલું, માછલી અને સી-ફૂડ ખાવાની મંજૂરી છે

નવી દિલ્હી, તા.૨૯: ચીનમાં કોરોના વાયરસ સતત લોકોના જીવને ભરખી રહ્યો છે તેમજ આ જીવલેણ બિમારીથી ૪૪ વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૨,૭૮૮ પર પહોંચી ગઈ છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી છે. ગઈકાલે ચીનથી કોરોના વાયરસના ૩૨૭ જેટલા નવા કેસો સામે આવ્યા છે.

નેશનલ હેલ્થ કમિશને પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આ વાયરસના કારણે ૪૧ લોકોના મોત હુબેઈ પ્રાંતમાં થયા છે કે જે આ બિમારીના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. બે લોકોના મોત બેજિંગમાં અને એક વ્યકિતનું મોત શિનજિયાંગમાં થયું છે. ચીનમાં કુલ ૭૮,૮૨૪ લોકો કોરોનાના ભરડામાં આવી ગયા છે. ચીનમાં કોરોના વાયરસના કેસો ઓછા થઈ રહ્યા છે જયારે અન્ય દેશોમાં કેસ વધી રહ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે, કોરોના વાયરસ મહામારી નિર્ણાયક મોડ પર છે. મહામારીનો પ્રકોપ ઓછો થયાની વચ્ચે ચીનના અધિકારીઓની ટીકાઓ શરુ થઈ ગઈ છે કે જે લોકોએ આને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. અધિકારિક મીડિયાએઆ પ્રકારની નિંદા કરી છે કે જે ખૂબ અસામાન્ય વાત છે. કોરોના વાયરસના શરુઆતી મામલાએ ગત વર્ષે ડિસેમ્બરમાં સામે આવ્યા હતા અને જાન્યુઆરીના મધ્ય સુધીમાં આ બિમારીએ ગંભીર રુપ ધારણ કરી લીધું.

ચીનના શેન્ઝેન પ્રાંતમાં બિલાડી અને શ્વાન ખાવા પર રોક લગાવવામાં આવી છે. જો કે એ સ્પષ્ટ નથી કે આ પ્રતિબંધ બાદમાં હટાવી લેવામાં આવશે કે નહી પરંતુ નોટિસમાં આ વાત કહેવામાં આવી છે. ઘણા લોકો દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત લિસ્ટમાં માત્ર પોર્ક, ચિકન, બીફ, સસલું, માછલી અને સી-ફૂડ ખાવાની મંજૂરી છે. હકીકતમાં વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં જાણ્યું કે, જાનવરોથી જ કોરોના વાયરસ માણસોમાં ફેલાયો છે, જેના કારણે અત્યારે ચીનના અલગ-અલગ વિસ્તારોમાં જાનવરોને ખાવાને લઈને તમામ નિયમો બનાવવામાં આવી રહ્યા છે.(૨૩.૬)

(10:35 am IST)