Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દિલ્હી હિંસાઃ ગર્ભવતી મહિલાના પેટ ઉપર ઉપદ્રવી તત્વોએ લાત મારીઃ ઘર સળગાવ્યું: હવે બાળકનો જન્મ

ખરાબ પરિસ્થિતિમાં પણ ચમત્કારઃ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

નવી દિલ્હી, તા.૨૯: ગર્ભવતી શબાના પરવીન માટે સોમવારની રાત ભયાવહ બની હતી. તેની સામે તેના પતિને મારવામાં આવી રહ્યો હતો. અસામાજિક તત્વોએ શબાનાને પણ બકસી નહોતી. ગર્ભવતી હોવા છતાં તેના પેટ પર લાત મારી, તેને બચાવવા માટે આવેલી તેની સાસુ પર પણ હુમલો કર્યો હતો. અને છેલ્લે તેમના ઘરમાં આગ લગાવી દીધી હતી. આ બધું થવા છતાં ભગવાને ચમત્કાર દેખાડ્યો. આ રીતના ભયાનક માહોલમાંથી પસાર થઈને શબાનાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.

ઉત્તર-પૂર્વી દિલ્હીના કરાવલ નગર વિસ્તારમાં રહેનારી શબાના પરવીનની સાથે જે પણ થયું, તેને ચમત્કાર જ કહી શકાય. માટે જ નવજાતનો પરિવાર તેને ચમત્કારી બાળક તરીકે બોલાવી રહ્યા છે. તે ભયાનક રાતની વાત કરતા શબાનાની સાસુ નશીમાએ જણાવ્યું કે, સોમવારની રાતે તે, શબાના, તેનો પતિ અને તેમના બે બાળક ઘરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે જ ભીડ અંદર ઘૂસી આવી.

નશીમા અનુસાર, તેમણે ધાર્મિક અપશબ્દો બોલ્યા, મારા દીકરાને માર્યો, અમુક ઉપદ્રવીઓએ તો મારી વહુને પણ પેટ પર લાત મારી. જયારે હું તે બચાવવા માટે ગઈ, તો તે લોકોએ મારી પર પણ હુમલો કર્યો. અમે તો વિચારી લીધુ હતું કે હવે અમે નહીં બચીશું. પણ અલ્લાહની કૃપાથી અમે બચી ગયા. અમે શબીનાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ડોકટરોએ અમને અલ-હિન્દ હોસ્પિટલ લઈ જવાનું કહ્યું, જયાં બુધવારે શબીનાએ બાળકને જન્મ આપ્યો.

આ પરિવાર ઘણાં દાયકાઓથી તે જ ઘરમાં રહી રહ્યા હતા. પણ હવે તેમું ઘર રહ્યું નથી. આગ લગાવી દેવાને કારણે તેમનું ઘર ખાખ થઈ ગયું છે. પણ બાળકનો જન્મ પરિવારને તમામ મુશ્કેલીઓમાં પણ હસવાની તક આપી રહી છે. નશીમાએ કહ્યું કે, તેમને ખબર નથી કે હોસ્પિટલમાંથી રજા આપી દીધા બાદ તેઓ કયાં જશે. બધુ જ ખાખ થઈ ગયું છે. કશુ બચ્યું નથી. બની શકે તો કોઈ સગા સંબંધીને ત્યાં જશું. અને જોશુ કે ફરી પાછા જિંદગીને પાટા પર કઈ રીતે લાવી શકીશું.

(10:35 am IST)