Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

દિલ્હીમાં પ્રદુષણ ઘટયું : યુપીમાં વરસાદની શકયતાઃ ઉત્તરાખંડમાં ઠંડી વધી

રાજધાનીમાં આજે વાતાવરણ ચોખ્ખુ થતા હવાની ગુણવત્તા ''ખુબ જ ખરાબ''માંથી ''મધ્યમ'' શ્રેણીમાં આવ્યું: ઉત્તરપ્રદેશમાં કાલે ગુરૂવારે વાતાવરણ ચોખ્ખુ રહેશેઃ પહાડી રાજયોમાં વરસાદ- બરફવર્ષાની સંભાવનાઃ ઉત્તરાખંડના અનેક ગામો ઉપર સફેદ ચાદર છવાઈ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ધુમ્મસ અને ઠંડીથી રાહત મળી છે. આજે બુધવારે સવારે લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયેલ. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિર્સ્ટબન્ટસના કારણે હવામાનમાં બદલાવ આવ્યો છે. ગઈકાલના વરસાદ બાદ હવે ઠંડા પવનો ફૂંકાવાનું પણ અનુમાન દર્શાવ્યુ છે. દિલ્હીની હવામાં પણ સુધાર આવ્યો છે. આજે સવારે સીપીસીબી મુજબ હવાની ગુણવત્તા ''ખુબ જ ખરાબ'' માંથી  સુધરી ''મધ્યમ'' શ્રેણીમાં આવી છે. જયારે ઉત્તરાખંડમાં તાજી બરફવર્ષાથી ઠંડી ખુબ જ વધી ગઈ છે. રાજયના અનેક જીલ્લાઓમાં શાળા બંધ છે. પહાડી રાજયમાં આજે બુધવારે વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે. કાલે લખનૌમાં લઘુતમ તાપમાન ૧૧.૬ ડિગ્રી નોંધાયેલ. હવામાન ખાતા મુજબ પહાડી વિસ્તારોમાં થઈ રહેલ બરફવર્ષાના કારણે હવામાન ફરી એકવાર બદલાઈ શકે છે. યુપીમાં આજે વાદળો છવાયેલા રહેશે અને કેટલીક જગ્યાએ વરસાદની પણ શકયતા છે, જો કે કાલે ગુરૂવારે વાતાવરણ ચોખ્ખુ રહેવાની પણ સંભાવના વ્યકત કરી છે.

કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં તાજી બરફવર્ષાથી લઘુતમ તાપમાનમાં વૃધ્ધી થઈ છે. જેથી લોકોને શીત લહેરથી થોડી રાહત મળી છે. આજે પણ બરફવર્ષાની સંભાવના છે અને બરફવર્ષા બાદ ફેબ્રુઆરી સુધી વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાનમાં પણ વધારો નોંધાવાનું અનુમાન  હવામાન ખાતાએ દર્શાવ્યુ છે.

ઉપરાંત ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ ઔલીમાં પૂરી રીતે બરફની ચાદર છવાઈ ગઈ છે. બરફવર્ષાથી ઠંડીમાં જોરદાર વધારો થયો છે. ભીષણ બરફવર્ષાથી અનેક જગ્યાએ વિજળી ગુલ થઈ ગઈ છે. ચમૌલીમાં ખરાબ વાતાવરણના કારણે આજે બુધવારે બધી સ્કૂલો બંધ છે. ટીહરીના સીમાવર્તી ગામ સટા બરફની નીચે છે. રસ્તાઓ ઉપર એટલો બરફ જામ્યો છે કે સ્થાનીકો પાવડાથી તેને હટાવવા લાગ્યા છે.

(1:12 pm IST)