Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

૩૧મીથી બજેટ સત્રઃ હંગામેદાર રહેવાની શકયતા

સંસદના સત્રમાં જામીયા, જેએનયુ સીએએ, એનઆરસી મામલે ગરમા ગરમી થશેઃ શાસક પક્ષને ભીડવવા રણનીતિ ઘડતું વિપક્ષઃ શાસક પક્ષ પણ તૈયાર

નવી દિલ્હી, તા.૨૯: સંસદનું બજેટ સત્ર તોફાની રહેવાના જોરદાર અણસાર દેખાય છે. વિપક્ષો પાસે જેએનયુ, જામિયા અને સીએએ સહિત ઘણાંય મોટા મુદાઓ છે જેના દ્વારા તે સરકારને ભીડવવાની પુરી તૈયારીમાં છે. સાથે જ મુદાઓ છે જેના દ્વારા તે સરકારને ભીડવવાની પુરી તૈયારીમાં છે. સાથે જ દિલ્હી વિધાનસભાની ચુંટણીની પણ અસર બજેટ સમયમાં જોવા મળશે. જયારે સરકાર આ સત્ર દરમ્યાન મહત્વપૂર્ણ કામો પુરા કરવાના પ્રયત્નોમાં છે. વર્તમાન લોકસભાના પહેલા બે સત્રોએ ઓછામાં ઓછા વાંધા સાથે કામકાજનો રેકોર્ડ બનાવ્યો હતો.

સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યું છે. પહેલું ચરણ ૧૧ ફેબ્રુઆરી સુધી, જયારે બીજુ ચરણ ૨ માર્ચથી ૩ એપ્રિલ સુધી ચાલશે. પહેલા ચરણમાં સરકાર બજેટ રજૂ કરશે. આ દરમ્યાન વિપક્ષો પણ હુમલાઓ કરશે. વિપક્ષો પાસે જામિયા, જેએનયુ, સીએએ, એનઆરસી જેવા મોટા મુદાઓ છે જેના પર તે સરકારને ઘેરશે. જોકે આ મુદાઓ પર વિપક્ષી એકતા કેટલી છે તે તો સદનમાં જ ખબર પડશે. થોડા દિવસો પહેલા વિપક્ષની રણનીતિ માટે બોલાવાયેલી બેઠકમાં કેટલાક પક્ષોએ ભાગ નહોતો લીધો.

સૂત્રો અનુસાર, કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષો રાષ્ટ્રપતિના અભિભાષણથી જ પોતાના મુદાઓ ઉઠાવશે. બજેટ રજૂ થવા  દરમ્યાન પણ તે આક્રમક રહી શકે છે. ત્યાર પછી રોજ નવા મુદાઓ સાથે સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવશે. આનાથી બજેટ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં તકલીફ થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજયસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ જે રીતે પહેલા બે સત્રો ચલાવ્યા હતા, તેમની કોશિષ રહેશે કે સદન એ પ્રમાણે જ ચાલે. આના માટે લોકસભા અધ્યક્ષે ૩૦ જાન્યુઆરી અને રાજયસભા સભાપતિએ ૩૧ જાન્યુઆરીએ સાંજે બધા દળોની મિટીંગ બોલાવી છે.

બીજી બાજુ, સતાધારી પક્ષ પાસે પણ વિપક્ષો પર વળતા હુમલા માટે શાહીન બાગથી માંડીને ઘણા મુદાઓ રહેશે. પણ સરકારના કામકાજમાં અડચણ ન આવે એટલા માટે તે વધુ આક્રમક નહીં બની શકે. સતાપક્ષના એક ઉચ્ચનેતાએ કહ્યું કે સરકાર દરેક સત્રને ગંભીરતાથી લે છે અને બજેટ સત્ર તો ખાસ હોય જ છે. સરકાર દરેક મુદા પર ચર્ચા માટે તૈયાર હોય છે અને ભવિષ્યમાં પણ તેમજ કરશે. પણ, જો વિપક્ષો નિયમો અને કાયદાઓથી દુર ચાલશે તો અમે પણ તેનો ઉચિત જવાબ આપશું.

(11:44 am IST)