Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

કયાં અને કેટલી સબસિડી આપી રહી છે સરકાર

ફૂડ સબસિડી પર સૌથી વધુ ખર્ચ

નવી દિલ્હી તા. ૨૯ : સરકાર દ્વારા નાગરિકોને જુદી-જુદી પ્રકાકની સબસિડી આપવામાં આવે છે. સામાન્ય લોકોને લોન, પેટ્રોલ, ડીઝલ, LPG અને વ્યાજ પર સબસિડી મળે છે. ખેડૂતોને ફર્ટિલાઈઝર પર સબસિડી મળે છે. ગરીબોને ફૂડ પર સબસિડી મળે છે. શું તમે જાણો છો કે, સરકાર આ સબસિડી પર વાર્ષિક ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે.

સરકાર ગરીબોને આપવામાં આવતી ફૂડ સબસિડી પર સૌથી વધુ ખર્ચ કરે છે. ૨૦૧૮માં આના પર આશરે ૧.૪૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેવું અનુમાન છે. ૨૦૧૪માં આ બજેટ ૯૨ હજાર કરોડ રૂપિયા હતું. ગત નાણાકીય વર્ષમાં સરકારે આના માટે ૧.૩૫ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.

૨૦૧૮માં પેટ્રોલિયમ સબસિડી પર ૨૫ હજાર કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે. સબસિડીવાળા LPG સિલિન્ડરોની સંખ્યા નક્કી કરવામાં અને સબસિડી ડાયરેકટ ખાતામાં જમા કરવા જેવા ઉપાયોથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૦૧૪-૧૫માં સરકારે પેટ્રોલિયમ પર ૮૫ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. ૨૦૧૫-૧૬માં આ બિલ ૬૦ હજાર કરોડનું હતું જયારે ગત વર્ષે ૨૭,૫૩૨ કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી.

બજેટ અનુમાન અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સરકાર ખેડૂતોને ફર્ટિલાઈઝર પર ૭૦ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી શકે છે. ગત નાણાંકિય વર્ષમાં પણ સરકારે ખેડૂતોને આટલી જ સબસિડી આપી હતી.

પાક અને આવાસ જેવી વસ્તુઓ પરની લોનમાં સરકાર રાહત આપી શકે છે. વ્યાજ સબસિડીમાં મોદી સરકારે સતત વધારો કર્યો છે. ૨૦૧૪-૧૫માં માત્ર ૮૧૩૭ કરોડની વ્યાજ સબસિડી આપવામાં આવી હતી જેની સામે આગામી નાણાંકિય વર્ષમાં ૨૩ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્તગ હોમ લોન પર આશરે અઢી લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.

ઘણી અન્ય સબસિડી પર સરકાર આશરે ૪ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. આમાં પણ દર વર્ષે વધારો કરવામાં આવી રહ્યો છે.

સરકારે નાણાંકિય વર્ષ ૨૦૧૮માં સબસિડી પર કુલ ૨.૬૭ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ લગાવ્યો છે. નાણાંકિય વર્ષ ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮માં સબસિડી પર ૫ ટકા વધુ ખર્ચ થવાનું અનુમાન છે.(૨૧.૨૧)

 

(9:47 am IST)