Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

અંબાણી, અદાણી બાદ પતંજલિની વસ્તુનો બહિષ્કાર કરવા ખેડૂત નેતાનું એલાન : ભાજપ નેતાઓનો પણ વિરોધ કરાશે

નવા કૃષિ કાયદા પરત નથી થઇ જતા બહિષ્કાર અને વિરોધ ચાલુ રહેશે.

નવી દિલ્હી : કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા ખેડૂત અંબાણી, અદાણી પછી હવે પતંજલીના ઉત્પાદકોનો પણ બહિષ્કાર કરશે. ભારત કિસાન યૂનિયન (ભાકિયૂ)ની હરિયાણા શાખાના અધ્યક્ષ ગુરનામ સિંહે જણાવ્યું કે પતંજલીના ઉત્પાદકોનો પણ બહિષ્કાર કરવો જોઇએ. જોકે બહિષ્કારના મામલે કોઇ પણ દબાણ  નહિ કરાય

  આ પહેલા હરિયાણામાં ભાકિયૂ નેતાએ ટોલ પ્લાઝાને ફ્રી કરી દીધો હતો. રોહતકમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે અમે ભાજપના નેતાઓનો પણ બહિષ્કાર કરીશું. તેમણે જણાવ્યું કે ભાજપ નેતા પ્રદેશમાં જ્યાં પણ યાત્રા કરશે તેમનો બહિષ્કાર કરવામાં આવશે.

ખેડૂતોનું કહેવુ છે કે જ્યાં સુધી કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદા પરત નથી થઇ જતા બહિષ્કાર અને વિરોધ ચાલુ રહેશે. મંગળવારે ખેડૂતોની સરકાર સાથે ફરી એકવાર વાત થશે. ખેડૂતોનું કહેવુ છે કે અમારી આગળની રણનીતિ સરકાર સાથે આ વાતચીત પર ટકેલી છે.

 ભાકિયૂના ગુરનામ સિંહે બાબા રામદેવ પર પ્રહાર કરતા જણાવ્યું કે આજની તારીખમાં રામદેવ સ્વદેશીના નારા આપી પોતે મોટા કોર્પોરેટ થઇ ગયા છે. ભારત સરકાર જે પ્રકારે રામદેવ અને પતંજલીને ટેક્સ બાબતે છૂટ આપી છે તેનાથી તે દેશના અમીર લોકોમાં સામેલ થઇ ગયા છે

તેમણે જણાવ્યું કે રાજ્યમાં પંચાયત સ્તરે પણ એ નેતાને જ સમર્થન આપવામાં આવશે જે ખેડૂતો સાથે છે. ગુરનામ સિંહે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી ખેડૂતો વચ્ચે ભાગલા પાડવાના પ્રયાસ કરી રહી છે.

તેમણે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો પણ વિરોધ કર્યો. ગુરનામ સિંહે જણાવ્યું કે જો કેન્દ્ર સરકારે ખેડૂતોની વાત નહીં માની તો ખેડૂતો 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે.

અગાઉ આ મહિનામાં રામદેવે જણાવ્યું હતુ કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલો ઘર્ષણ દેશના હિતમાં નથી. એમએસપીથી ઓછી કિંમતમાં અનાજ ખરીદીને શિક્ષાપાત્ર ગુનો બનાવી દેવો જોઇએ. તેમણે જણાવ્યું હતુ કે સરકારને ખેડૂતો સાથે વાતચીત કરી સમસ્યાનો સમાધા કાઢવું જોઇએ

(11:40 pm IST)