Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ચીની નાગરિકોની ભારતમાં નો-એન્ટ્રી

ચીનને ભારતનો આકરો જવાબ : એરલાઇન્સને અપાયા આદેશ

નવી દિલ્હી તા. ૨૮ : ભારતે ચીન સામે વધુ એક કડક પગલું લીધું હતું. કેન્દ્ર સરકારે તમામ એરલાઇન્સને જણાવી દીધું હતું કે કોઇ પણ ચીની નાગરિકને ભારતમાં લાવવા નહીં.જો કે ભારત સરકારે આ પગલું ચીનના પગલાના અનુસંધાનમાં લીધું હતું. ચીને નવેંબરમાં જાહેર કર્યું હતું કે કોઇ પણ ભારતીય નાગરિક ચીનમાં આવી નહીં શકે. એના પ્રતિભાવ રૂપે હવે ભારતે ચીની નાગરિકો પર ભારતમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદ્યો હતો.

છેલ્લા થોડા મહિનાથી ચીન અને ભારત વચ્ચે તનાવ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી હતી. એની શરૂઆત પણ ચીને કરી હતી. ભારતની સરહદે લદ્દાખમાં લાઇન ઓફ એકચ્યુલ કન્ટ્રોલ (એલએસી)માં ચીની સૈનિકોએ ઘુસણખોરી કરવાના પ્રયાસો કર્યા હતા. ભારતીય લશ્કરના જવાનોએ એ લોકોને ખદેડી મૂકયા હતા. આ વર્ષના મે જૂન માસથી આ રીતે ચીન અટકચાળા કરી રહ્યું હતું. એક તરફ ચીન ભારત સાથે વાટાઘાટોનું નાટક કરતું હતું અને બીજી બાજુ સરહદે અટકચાળા કરતું હતું. ભારતે એક કરતાં વધુ વખત ચીનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ચીનની દગાબાજીનો ભારતને પૂરતો અનુભવ છે. ૧૯૬૦ના દાયકામાં હિન્દી ચીની ભાઇ ભાઇ જેવાં સૂત્રો પોકારતાં પોકારતાં ચીને ભારત પર હુમલો કર્યો હતો અને ભારતનો ખાસ્સો એવો પ્રદેશ બળજબરીથી પચાવી પાડ્યો હતો.

આ વખતે ભારત બરાબર સાવધ હતું અને ચીની સૈનિકોને એમની ભાષામાં જવાબ આપવામાં આવ્યો હતો. ભારતીય લશ્કરની ચીફ ઓફ ધ સ્ટાફ જનરલ બિપિન રાવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચીનના લશ્કરી પગલાનો જવાબ લશ્કરી ભાષામાં આપવામાં આવશે.

હાલ બંને દેશોએ વિમાનોનાં ઊડ્ડયન પર પ્રતિબધ લાદ્યો હતો. પરંતુ કેટલાક ચીની પ્રવાસીઓ અન્ય દેશોનો પ્રવાસ કર્યા બાદ ભારત આવતા હતા. અત્યાર સુધી ભારતે એવા પ્રવાસીઓને રોકયા નહોતા. હવે ભારતે ચીની પ્રવાસીઓ પર પ્રવેશબંધી લાદી હતી અને તમામ એરલાઇન્સને સૂચના આપી દેવામાં આવી હતી કે ચીની નાગરિકોને ભારતમાં લાવશો નહીં. કેટલીક એરલાઇન્સે આ સૂચન લેખિત માગ્યું હતું જેથી ભારત આવતી ફલાઇટનુંઆગોતરું બુકિંગ કરી ચૂકેલા ચીની નાગરિકોને દેખાડી શકાય અને વિમાનમાં પ્રવેશતાં રોકી શકાય.

અત્રે એ યાદ રહે કે એક ભારતીય જહાજ ચીની બંદરમાં છેલ્લા છ માસથી ફસાયેલું છે અને એના નાવિકોને માનવતાના દાવે પણ ચીન મદદ કરવા તૈયાર નથી એટલે ભારતે કડક પગલું લેવું પડ્યું છે. ઇન્ટરનેશનલ ફલેગ મર્ચંટ જહાજો પર આવા ૧૫૦૦ ભારતીય ખલાસીઓ ફસાયેલા છે. ચીન એમને કોઇ સહાય કરવા તૈયાર નથી. એ માટે કોરોનાના બહાનાને આગળ કરાઇ રહ્યું હતું. જે ભારતીય જહાજો ચીની બંદરોમાં ફસાયેલાં છે એમાં ઓસ્ટ્રેલિયાથી લવાયેલા કોલસા છે. ચીન ઓસ્ટ્રેલિયન કોલસા લેવા માગતું નથી એટલે ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ખેંચતાણમાં ભારતીય ખલાસીઓ ફસાઇ ગયા હતા.

(3:59 pm IST)