Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

BSEના ૨૦૦ શેર્સે રોકાણકારોને માલામાલ કર્યા

બાયોફિલ કેમિકલ્સમાં ૧૦,૦૦૦/ રોકાણના થયા ૧.૩ લાખ : આ ઉપરાંત ટાનલા, હેથવે, કેબલટેલ, આલોક, અદાણી ગ્રીન, મેક લેબે બખ્ખા કરાવી દીધા

નવી દિલ્હી, તા.૨૮: વર્ષ ૨૦૨૦ ખરેખર ટી-૨૦ જેવું જ રહ્યું. આ વર્ષે માર્ચ-એપ્રિલના ગાળામાં શેરબજારમાં જેટલો ઝડપી કડાકો બોલાયો, ત્યારબાદ તેટલી જ જોરદાર તેજી જોવા મળી, અને વર્ષના અંત સુધીમાં તો માર્કેટ રેકોર્ડબ્રેક સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. તેવામાં અનેક શેર્સે આ વર્ષ દરમિયાન રોકાણકારોને માલામાલ પણ કરી દીધા. આ વર્ષની શરુઆત બાદ બીએસઈના લગભગ ૨૦૦ શેર્સે રોકાણકારોના રુપિયા અનેકગણા વધારી દીધા છે. સ્થિતિ એ છે કે, પેની શેર્સ વિના જ રુપિયા ડબલ કરનારા શેર્સે ડબલ સેન્ચ્યુરી મારી દીધી છે.

૨૦૨૦માં સૌથી જોરદાર રિટર્ન બાયોફિલ કેમિકલ્સે આપ્યું. ૨૧ ડિસેમ્બર ૨૦૧૯માં આ શેર ૧૭.૦૬ રુપિયાના ભાવથી ૧૨૦૭ ટકા રિટર્ન સાથે ૨૩ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ૨૨૨.૯૫ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીમાં જો તમે તે વખતે ૧૦ હજાર રુપિયા પણ રોકયા હોત તો આજે તેના ૧.૩ લાખ રુપિયા થઈ ગયા હોત. આ લિસ્ટમાં તાનલા પ્લેટફોર્મ (૭૯૫ ટકા રિટર્ન), હેથવે ભવાની કેબલટેલ એન્ડ ડેટાકોમ (૭૨૭ ટકા ઉપર), આલોક ઈન્ડસ્ટ્રીઝ (૬૦૬ ટકા ઉપર), અદાણી ગ્રીન એનર્જી (૫૨૭ ટકા ઉપર) અને મેકર્સ લેબ્સ (૫૨૭ ટકા ઉપર)નો સમાવેશ થાય છે.

એન્જલ બ્રોકિંગના વિશ્લેષક કેશવ લાહોટનું તાનલા પ્લેટફોર્મ્સ પર કહેવું છે કે, શાનદાર પરિણામોના જોર પર આ શેરે છેલ્લા બે વર્ષમાં એક હજાર ટકાથી પણ વધુ રિટર્ન આપ્યું છે. કંપનીનો કારોબાર પ્રત્યેનો દ્રષ્ટિકોણ બહેતર બની રહ્યો છે. કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી પણ વધી રહી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને જેએમ ફાઈનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રકશન કંપની દ્વારા આલોક ઈન્ડસ્ટ્રીઝના અધિગ્રહણ બાદ કંપનીની સ્થિતિ બદલાઈ ગઈ, અને આજે તેનો સિતારો ચમકી રહ્યો છે.

ગયા વર્ષે ૩૧ ડિસેમ્બર બાદ ભારત ઈમ્યુનોલોજી, વીનસ રેમેડીઝ, વર્ધમાન પોલીટેકસ, એજીસી નેટવકર્સ, સ્ટાન્ડર્ડ બેટરીઝ, આરતી ડ્રગ્સ, સુબેકસ, લોરસ લેબ્સ, ગુજરાત થેમિસ બાયોસિન, મંગલમ ડ્રગ્સ, આઈઓએલ કેમિકલ્સ અને સીજી પાવરે ૨૮૦થી ૫૨૫ ટકા સુધી રિટર્ન આપ્યું છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના ૨૩ ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન બીએસઈ સેન્સેકસે ૧૩ ટકા તેજી દર્શાવી છે. કોરોના વાયરસ મહામારીને કારણે તે માર્ચમાં ૨૫,૬૩૯ના ૫૨ સપ્તાહનો લો બનાવ્યો હતો. જોકે, ત્યારબાદ તે ૮૩ ટકાની છલાંગ લગાવી ૪૭૦૦૦નું સ્તર પણ પાર કરી ચૂકયો છે.

સેન્સેકસના શેર્સમાં ડો. રેડ્ડીઝ લેબ્સે સૌથી સારું પ્રદર્શન કરતા ૮૨ ટકાની તેજી બતાવી છે. ત્યારબાદ ઈન્ફોસિસ (૭૧ ટકા ઉપર), એચસીએલ ટેકનોલોજી (૬૨ ટકા ઉપર), એશિયન પેઈન્ટ્સ (૪૮ ટકા ઉપર), ટીસીએસ (૩૪ ટકા ઉપર)નું નામ આવે છે. આ ઉપરાંત, જો આ વર્ષના સૌથી નીચલા લેવલ બાદ આવેલા સુધારાની વાત કરીએ તો, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા શેર્સમાં પણ રોકાણકારોના રુપિયા બમણાથી વધુ વધ્યા છે.

કોટક સિકયોરિટીઝના કાર્યકારી વાઈસ પ્રેસિડેન્ટ રુસ્મિક ઓઝાના જણાવ્યા અનુસાર, મોઘા વેલ્યૂએશનને કારણે બજાર મર્યાદિત રેન્જ વચ્ચે ટ્રેડ થઈ શકે છે. તેમણે નવા વર્ષમાં કલ્પતરુ પાવર અને કેસ્ટ્રોલ ઈન્ડિયા સારું રિટર્ન આપે તેવી આશા પણ વ્યકત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, વર્ષના અંત સુધીમાં સેન્સેકસ ૪૬૦૦૦ અને નિફ્ટી ૧૩૫૦૦ પર હશે. જોકે, આઈડીબીઆઈ કેપિટલના રિસર્ચ હેડ એકે પ્રભાકરનું માનવું છે કે ૨૦૨૧ના અંત સુધીમાં સેન્સેકસ ૫૧ હજાર અને નિફ્ટી ૧૫ હજાર સુધી પહોંચી શકે છે.

(3:40 pm IST)