Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વેકસીનનું કાઉન્ટડાઉન શરૃઃ ૩૧મી સુધીમાં આવી જશે રસી?

ભારતમાં આગામી અમુક દિવસોમાં ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ વેકસીનને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળી શકે છે

નવી દિલ્હી, તા.૨૮: ભારતમાં આગામી અમુક દિવસોમાં ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ વેકસીનને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળી શકે છે. ટોચના સરકારી સૂત્રોએ કહ્યું કે, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)તરફથી સબમિટ કરવામાં આવેલો ડેટા 'સંતોષજનક' છે. એકવાર ડેટાનું અપ્રૂવલ ખતમ થઈ જાય , તો ભારતમાં તેને મંજુરી મળી શકે છે. આ માટે યુ.કેમાં મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડકટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) તરફથી વેકસીનને અપ્રૂવલ મળે તેની રાહ જોવામાં નહીં આવે. જોકે એવું પણ થઈ શકે છે કે યુ.કે MHRDના ડેટા રિવ્યૂ કરતા પહેલા વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દે.

એસ્ટ્રાજેનેકાના મુખ્ય કાર્યકારી અધિકારી પાસ્કલ સોરિયટે કહ્યું કે, આંકડા દર્શાવે છે કે વેકસીન, ફાઇઝર અને મોડર્નાની વેકસીન જેમ જ અસરકારક છે, જેમને ૯૫ ટકા સુધી અસરકારક હોવાના કારણે મંજૂરી મળી ચૂકી છે. તેમણે કહ્યું કે, આ વેકસીન સ્થિતિ ખૂબ ખરાબ હોવા પર અને હોસ્પિટલમાં એડમિટ હોવાની સ્થિતિમાં જીવ બચાવવા ૧૦૦ ટકા અસરકારક છે. તેમણે કહ્યુંકે, તેમની વેકસીન અત્યધિક સંક્રામક વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ઘ પણ અસરકારક હોવી જોઈએ.

કેન્દ્રના ટોચના અધિકારીના કહેવા મુજબ, આપણે પોતાના રેગ્યુલેટરી નિર્ણયો જાતે લઈ શકીએ છીએ. કંપનીએ યુકે અને બ્રાઝિલમાં કિલનિકલ ટ્રાયલ્સના ડેટા સબમિટ કર્યા છે અને રોલિંગ રિવ્યૂ ચાલી રહ્યા છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટે જે અપડેટેડ જાણકારી આપી છે, તે પણ સંતોષજનક લાગે છે. અમને આશા છે કે રેગ્યુલેટરી એસેસમેન્ટના આધાર પર, વેકસીન એક અથવા બે દિવસમાં અપ્રૂવ થઈ જશે.

CDSCO આપશે અપ્રૂવલ, અન્ય વેકસીનનું શું થશે?

કેન્દ્રિય ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની કોવિડ-૧૯ એકસપર્ટ કમિટીની મીટિંગમાં વેકસીનને મંજૂરી મળશે. PTI અનુસાર, ભારત બાયોટેકની કોવિડ-૧૯ વેકસીન 'કોવેકસીન'ને મંજૂરી આપવાની પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. આવું એટલા માટે કારણ કે કોવેકસીન હજુ ત્રીજા ચરણના ટ્રાયલમાં છે. જયારે ફાઈઝરે અત્યાર સુધી પોતાની વેકસીનનું પ્રેજન્ટેશન આપ્યું નથી.

સરકારે પહેલા ચરણમાં લગભગ ૩૦ કરોડ લોકોને 'પ્રાથમિકતા'ના આધારે વેકસીન આપવાની યોજના બનાવી છે. રસીકરણ અભિયાન જાન્યુઆરી ૨૦૨૧ના પહેલા અઠવાડિયાથી શરૂ થઈને જુલાઈના અંત સુધી ચાલુ રહી શકે છે. તેમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ ઉપરાંત ૫૦ વર્ષથી મોટી ઉંમરના તથા ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પહેલાથી અન્ય બીમારી ધરાવતા લોકો સામેલ કરાશે.

(3:38 pm IST)