Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

પામોલીનના ભાવ હવે કયાં જઇને અટકશે ? કુદરતી વધે છે કે કૃત્રિમ ?

નાના નમકીનના સેંકડો વેપારીઓના ધંધા ચોપટ કરવા કોઇ અદ્રશ્ય હાથની કામગીરી ? સરકાર મદદે આવશે ખરા ?

રાજકોટઃ ખાસ કરીને નમકીનમાં વપરાતા પામોલીન તેલના ડબાના ભાવ ઉંચકાઇને ૧૭૦૦ આસપાસ પહોંચ્યા છે. નાની-નાની અનેક નમકીન કંપનીઓના અસ્તિત્વ જોખમમાં મુકાયા છે. આ વર્તુળોમાં દહેશત છે કે ભાવો વધતા વધતા ૨૦૦૦ સુધી તો નહિ પહોંચાડી દેવાયને ? તો મોટાભાગની નાની નમકીન કંપનીઓના ફીંડલા વળી જશે. જેનો સીધો લાભ કેટલાક મોટા મગરમચ્છોને મળે અને નમકીનના ભાવોમાં મનધાર્યો ઉછાળો આવે.

નમકીન વર્તુળમાં એવુ મનાઇ છે કે કોઈ મોટી ગેમ ચાલુ હોય તેવુ લાગે છે  નમકીનની કંપનીઓને કોઇ ભેદી હાથ  કચડી નાંખવા માગે છે. સરકારે પામોલીન ઉપર ૧૦ ટકા ડ્યૂટી ઘટાડી છે છતાં પામોલીન તેલના ભાવમાં રોજ ને રોજ વધારો થાય છે.

કોઈ મોટા ગજાના વેપારી સ્ટોક કરતા હોય તેવું ચર્ચાય છે. ૫૦૦થી વધારે નાના યુનિટ રાજકોટમાં ચાલુ છે હજારો માણસોને રોજગાર મળે છે.  કોઇ ભેદી હાથ તેલ માફિયાઓના અંડરમાં કામ કરી રહી હોય એવું નમકીન બજારમાં ચર્ચાય છે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ગોંડલ , જેતપુરમાં નાના નાના નમકીન યુનિટ અનેક ચાલે છે. 

સ્વાભાવીક  કોઇને આંખમાં ખૂંચે છે અનેક નાના વેપારીઓ હેબતાઇ ગયા છે. કોરોનાનો માર સહન કર્યા પછી જબરી મુસીબતમાં નમકીનના નાના વેપારીઓ આવી ગયા છે. પામોલીન વિશે જો અધિકારીઓ નિષ્ઠાપૂર્વક તપાસ કરે તો અને તેલ માફિયાઓ ઉઘાડા પડશે  તેવુ પણ ચર્ચાય છે. મોદી સરકાર અને રૂપાણી સરકાર નાના વેપારીઓની મદદે આવશે?

(2:56 pm IST)