Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

દેશભરમાં કાતિલ ઠંડીનું મોજુ

વૈષ્ણોદેવી- મસુરી- શિમલા- મનાલી- કાશ્મીરમાં બરફ વર્ષા

મસૂરીમાં પ્રથમ હીમપાતથી પ્રવાસીઓને જલ્સોઃ વૈષ્ણોદેવીમાં બરફની ચાદરઃ હેલીકોપ્ટર સેવાને અસરઃ હિમાચલમાં પણ હીમવર્ષાઃ ઉત્તરાખંડ-ઉ.પ્રદેશ-કાશ્મીર-રાજસ્થાન સહિતના રાજયોમાં ગાત્રો થીજાવી દેતી ઠંડી

નવી દિલ્હી તા. ર૮ :..  દેશના અનેક વિસ્તારોમાં કાંતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. વૈષ્ણોદેવી-મસુરીમાં સીઝનની પહેલી બફરવર્ષા થતાં પ્રવાસીઓને જલ્સો પડી ગયો છે. તો ઉત્તરાખંડ-કાશ્મીર અને હિમાચલના મનાલી સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે બરફ પડતાં લોકો ઠુઠવાયા છે. દેશના અનેક રાજયોમાં જોરદાર ઠંડી પડતાં સવારના ભાગે જનજીવનને અસર થઇ છે. હજુ બે દિવસ કાતિલ ઠંડી પડવાની આગાહી થઇ છે.

ઉત્તર ભારતમાં આ વખતે નવા વર્ષ પર ટેમ્પરેચરનું ટોર્ચર હજુ વધવાનું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાય વિસ્તારોમાં આગામી દિવસોમાં હિમવર્ષાની આગાહી છે. જેનાથી દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં પારો વધુ નીચે જશે. આ દરમ્યાન રવિવારે રાત્રે પહાડોની રાણી મસૂરીમાં સીઝનની પહેલી હિમવર્ષા થઇ છે. મસૂરીમાં મોડી રાત્રે બરફ વર્ષા થઇ જેનાથી શહેરમાં ઠંડી વધી ગઇ છે. શહેરા લાલ ટીબ્બા, માલરોડ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે જોરદાર વરસાદ પડયા પછી હળવી હિમવર્ષા પણ થઇ. શહેરમાં અત્યાર ભલે જોરદાર ઠંડી પડી રહી હોય પણ અહીં આવેલા પ્રવાસીઓને બહુ સુંદર અને મનોરમ્ય દૃશ્યો જોવા મળે છે.

તો બીજી બાજુ જમ્મુના કટરા ખાતેના વૈષ્ણોદેવીમાં પણ રવિવારે રાત્રે સીઝનની પહેલી હિમવર્ષા થઇ છે. તેનાથી અહીંનું વાતાવરણ બહુ ઠંડુ પણ ખુબસુરત બની ગયંુ. અત્યારે અહીં આવેલા શ્રધ્ધાળુ બહુ ખુશ છે. રવિવારે ત્રિકુટા પર્વત સહિત માતા વૈષ્ણોદેવી ભવન અને આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલ હિમવર્ષાથી માતાના ભકતો બહુ ખુશ દેખાઇ રહ્યા છે. હિમવર્ષના દૃશ્યો જોઇને શ્રધ્ધાળુઓના ચહેરા ખીલી ઉઠયા હતાં. સાંજે સાત વાગ્યે લગભગ ૧ર હજાર ભકતો ભવન તરફ પ્રસ્થાન કરી રહયા હતાં ત્યાર શરૂ થયેલ હિમવર્ષાથી શ્રધ્ધાળુઓ જોશમાં આવી ગયા હતાં.

મળતી માહિતી અનુસાર, રવિવો સાંજે મોસમનો મિજાજ બદલાતા જ ત્રિકુટા પર્વત, ભૈરવ મંદિર અને વૈષ્ણોદેવી ભવન ખાતે હિમવર્ષા અને કટરા શહેરમાં વરસાદ શરૂ થયો હતો. સાંજે ચાર વાગે મોસમ બગડવાથી હેલીકોપ્ટર સેવા પ્રભાવિત થઇ હતી પણ રોપ-વે અને બેટરી કાર સેવા બરાબર ચાલતી રહી. રજીસ્ટ્રેશન ઓફીસમાંથી મળેલ માહિતી અનુસાર શુક્રવારે ૧૩ હજાર, શનિવારે ૧૪ હજાર ભકતોએ માતાના દર્શન કર્યા હતાં. રવિવારે સાંજે સાત વાગ્યા સુધીમાં ૧ર હજાર ભકતો ભવન તરફ રવાના થઇ ચૂકયા હતાં.

દરમ્યાન, હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં આજ સવારનું લઘુતમ તાપમાન ૮' સે. નોંધવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી અને ઉત્તર રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. જમ્મુના પર્યટન સ્થળો પટણીટોપ, નાથાટોપ અને સનાસરમાં પણ હિમવર્ષા થઇ રહી છે. જમ્મુના મેદાની વિસ્તારોમાં વરસાદ અને બર્ફીલી હવાઓને કારણે હાડ ધ્રુજાવતી શીત લહેર વધુ તેજ થતા લોકો ઘરોમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે. તો હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસીઓ ઉમટી પડયા છે. જેનાથી  શહેરના બધા વિસ્તારોમાં ટ્રાફીક જામની સ્થિતી થઇ ગઇ છે. (પ-૧૬)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૮.૩ ડીગ્રી

ડીસા

૬.૭ ડીગ્રી

વડોદરા

૧૧.ર ડીગ્રી

સુરત

૧પ.ર ડીગ્રી

રાજકોટ

૮.પ ડીગ્રી

ગિરનાર પર્વત

૪.૦ ડીગ્રી

કેશોદ

૮.૦ ડીગ્રી

ભાવનગર

૧૧.ર ડીગ્રી

પોરબંદર

૧૦.૪ ડીગ્રી

દ્વારકા

૧૪.૪ ડીગ્રી

ઓખા

૧૭.૮ ડીગ્રી

ભુજ

૧૦.ર ડીગ્રી

નલીયા

૩.ર ડીગ્રી

સુરેન્દ્રનગર

૯.પ ડીગ્રી

ન્યુ કંડલા

૯.૧ ડીગ્રી

કંડલા એરપોર્ટ

પ.પ ડીગ્રી

અમરેલી

૧૦.૦ ડીગ્રી

ગાંધીનગર

૭.પ ડીગ્રી

મહુવા

૧૧.પ ડીગ્રી

દિવ

૧૩.૪ ડીગ્રી

વલસાડ

૧૩.ર ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૧.૦ ડીગ્રી

(11:28 am IST)