Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ખેડૂત આંદોલનના સમર્થનમાં વકીલે ઝેર ખાઈ આત્મહત્યા કરી

મૃતકે સ્યુસાઈડ નોટ લખી, પોલીસે પરિવારજનોના નિવેદન લેશે

જાજર (હરિયાણા),તા.૨૮:દિલ્હીમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં રવિવારે એક વકીલે ઝેર ખાઈને આપઘાત કરી લીધો હતો. ખેડૂતો જે સ્થળે આંદોલન કરી રહ્યા છે તે ટિકરી સરહદથી થોડા અંતરે જ વકીલે આપઘાત કર્યો હતો. મૃતક વકીલની ઓળખ પંજાબના ફઝિલકા જિલ્લાના જલાલાબાદનો વતની અમરજિત સિંહ તરીકે થઈ છે. વકીલને તાત્કાલિક રોહતકની પોસ્ટ ગ્રેજયુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે લઈ જવાયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેની પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં જણાવાયું હતું કે કેન્દ્ર વિરુદ્ઘ આંદોલન કરી રહેલા ખેડૂતો સમર્થનમાં તેમણે આ પગલું ભર્યું છે. નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને સરકાર મારા આ પગલાંથી તેમની વાત સાંભળે તેવી તેમણે માગ કરી હતી. પત્રમાં વધુમાં લખ્યું હતું કે ખેડૂત અને મજૂરો જેવા સામાન્ય લોકો ત્રણ કૃષિ કાયદાથી છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ કરી રહ્યા છે.

પોલીસના મતે તેઓને મળેલી ચીઠ્ઠીની તપાસ કરી રહ્યા છે ખરેખરે તે મૃતકે જ લખી હતી કે કેમ. પોલીસના મતે મૃતકના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ પહોંચશે ત્યારબાદ તેમના નિવેદન નોંધવામાં આવશે. હોસ્પિટલ તંત્રએ આત્મહત્યા અંગે પોલીસને જાણ કરી હતી.

છેલ્લા એક મહિનામાં આત્મહત્યાની બે ઘટનાને પણ ખેડૂત વિરોધ પ્રદર્શન સાથે જોડવામાં આવી હતી. ખેડૂતો દિલ્હીની સરહદ પર છેલ્લા એક મહિનાથી વધુ સમયથી કૃષિ કાયદાને રદ કરવાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે.

અગાઉ શિખ પ્રચારક સંત રામ સિંહે સિંધુ બોર્ડર નજીક આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત પંજાબના ભટિંડામાં ૨૨ વર્ષના ખેડૂતે દિલ્હી વિરોધ પ્રદર્શનમાંથી પરત આવીને આત્મહત્યા કરી લીધી હતી. એક સપ્તાહ અગાઉ ૬૫ વર્ષના એક ખેડૂતો સિંધુ બોર્ડર પાસે ઝેર ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

(9:43 am IST)