Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

સદીના અંત સુધી ભોજનની અછત ૮૦% સુધી વધશે

સસ્તા ખોરાક ગરીબોમાં કુપોષણ વધારશેઃ અભ્યાસ

બર્લિન, તા.૨૮: વિશ્વસ્તરે વ્યકિત દીઠ પૂરતા ભોજનની અછતને લઇને કરાયેલા અધ્યયનમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ આ સદીના અંત સુધી વિશ્વસ્તરે ભોજનની અછત ૮૦ સુધી વધી જશે. જેની પાઠળનું કારણ વધતી જતી વસ્તીની BMI (બોડી માસ ઇન્ડેકસ) છે. વધતી જતી વસ્તીમાં લાંબા કદ અને વધારે વજન ધરાવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હશે, જે મુજબ તેમનો ખોરાક પણ વધારે હશે.

જર્મનીની ગોટિનગેન યુનિવર્સીટીમાં કરાયેલા આ અભ્યાસના પરિણામો વિશ્વ માટે ચિંતાના સંકેત આપી રહ્યો છે.

આ અભ્યાસ અનુસાર ૧૯૮૦ સુધી મેકિસકોમાં કુપોષણ સૌથી મોટી સમસ્યા હતી, પરંતુ હવે અમેરિકા પછી એ દુનિયાનો બીજો મોટો સૌથી વધુ બોડી માસ ઇન્ડેકસ વાળો દેશ બની ચૂકયો છે. બીજી તરફ બ્રિટનમાં પુરુષો અને મહિલાઓની ઊંચાઇમાં પણ ગત સદીની સરખામણીમાં ૧૧ સેન્ટીમીટરનો વધારો થયો છે.

જર્મનીમાં કરાયેલા આ અભ્યાસ મુજબ વર્ષ ૨૦૧૦થી ૨૧૦૦ની વચ્ચે લોકોને સરેરાશ ૨૩૫ કેલેરીની જરુર પડશે. જેની સાથે વિશ્વસ્તરે ખાદ્ય સામગ્રીની અછત ૮૦ ટકા વધી જશે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ અછતમાં ૬૦ ટકા અછત માટે વધતી વસ્તી, જયારે ૨૦ ટકા અછત માટે લાંબા અને વધારે વજન ધરાવતા લોકો કારણભૂત રહેશે.

ખોરાક સામગ્રીમાં અછતથી સૌથી વધારે આફ્રિકન દેશો પ્રભાવિત થશે, જે પહેલેથી જ વધારે વસ્તીને કારણે કુપોષણ જેવી સમસ્યા સામે લડી રહ્યા છે.

અભ્યાસમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે આ અછતને વિશ્વના ધનિક લોકો પહોંચી વળશે પરંતુ ગરીબ પ્રજા તેનાથી સૌથી વધુ પ્રભાવિત થશે, સસ્તુ ભોજન આરોગી તેઓ પેટ ભરી લેશે, પરંતુ પોષક તત્વોની ખોટને કારણે મોટાપાયે લોકો કુપોષણનો ભોગ બનશે.

(10:08 am IST)