Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

નવાગામમાં ખળભળાટ મચાવતી ઘટના

બેવફા પત્નિથી ત્રાસી ગયેલા રમેશ કોળીનો બે પુત્રોને પતાવી ગળાફાંસો ખાઇ આપઘાત

છૂટાછેડા લઇને પરણેલા પુરૂષ સાથે ભાગેલી પત્નિ બે મહિના પહેલા ધરાર પાછી સાથે રહેવા આવતાં કંટાળીને કોળી યુવાને મોતનો ખેલ ખેલ્યો : બે માસુમ પુત્રો હર્ષ (ઉ.૭) અને અભી (ઉ.૫)ને ઘરની અગાસીના સિન્ટેકસના ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતાર્યા બાદ રમેશ મનસુખભાઇ જેસાણી (ઉ.૩૨)એ મકાન માલકણના બાજુના બંધ મકાનમાં જઇ આત્મહત્યા કરીઃ કોળી પરિવારમાં શોકની કાલીમા

અરેરાટી : જ્યાં ઘટના બની તે નવાગામ રંગીલા સોસાયટીમાં આવેલુ રમેશ કોળીનું ભાડાનું મકાન-લોકોના ટોળા, બાજુના જેને પિતાએ જ પાણીના ટાંકામાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી દીધા તે ફુલડા જેવા બે પુત્રો હર્ષ (ઉ.૭) તથા અભિ (ઉ.૫)ના ફાઇલ ફોટો તેમજ રમેશ જેસાણીનો ફાઇલ ફોટો અને આક્રંદ કરતી પત્નિ અલ્પા જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં ટાંકામાંથી માસુમનો મૃતદેહ બહાર કાઢતા પોલીસ કર્મચારીઓ અને ગ્રામજનો તથા વચ્ચે ટાંકામાં માસુમ બાળકનો નિષ્પ્રાણ દેહ દેખાય છે. બીજા પુત્રનો દેહ નીચેના ભાગે હતો. અન્ય તસ્વીરમાં રમેશ કોળીનો લટકતો દેહ અને જેના પર ચઢીને ફાંસો ખાધો તે બેરલ દેખાય છે. સોૈથી નીચે મૃતદેહ ટાંકામાંથી કઢાયો તે દ્રશ્ય અને બાજુમાં રમેશ તથા તેના માસુમ પુત્રોના નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮: શહેરની ભાગોળે કુવાડવા રોડ પર નવાગામની રંગીલા સોસાયટીમાં ખળભળાટ મચાવતી ઘટના બની છે. કોળી યુવાને પોતાના બે માસુમ પુત્રોને પોતાના ઘરની છત ઉપરના પાણીના ટાંકામાં ડૂબાડી દઇ મોતને ઘાટ ઉતાર્યા બાદ બાજુના બંધ મકાનમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાને પગલે કોળી પરિવારમાં અને નવાગામમાં ચકચાર મચી ગઇ છે. નવ વર્ષ પહેલા આ યુવાને જેની સાથે લવમેરેજ કર્યા હતાં એ પત્નિ સાત મહિના પહેલા તેને તરછોડી, છુટાછેડા લઇ ગામના જ બીજા એક પરિણીત કોળી શખ્સ સાથે ભાગી ગઇ હતી. બાદમાં આજથી બે માસ પહેલા ફરીથી તે પ્રેમીને છોડી ધરાર સાથે રહેવા આવી ગઇ હતી. બેવફા પત્નિના ત્રાસથી કંટાળીને યુવાન આ પગલુ ભરવા માટે મજબૂર થયાની વિગતો ખુલી છે.

ચિઠ્ઠીમાં પત્નિ, તેના પ્રેમી અને અન્ય એક શખ્સ આ બધા માટે જવાબદાર હોવાનો ઉલ્લેખ છે.

ખળભળાટ મચાવતી આ ઘટનાની જાણવા મળેલી વિગત મુજબ નવાગામ રંગીલા સોસાયટી મેઇન રોડ ૫૦ વારીયામાં આવેલી સોમનાથ રેસિડેન્ડીમાં રહેતો રમેશ મનસુખભાઇ જેસાણી (ઉ.૩૨) નામનો કોળી યુવાન અને તેના બે પુત્રો હર્ષ (ઉ.૭) તથા અભી (ઉ.૫) સવારે ઘરમાં જોવા ન મળતાં તેની પત્નિ અલ્પાએ શોધખોળ શરૂ કરી હતી. પતિએ પોતે સવારે બાળકોને લઇને બાના ઘરે જવાનો છે તેવી વાત રાત્રે કરી હોઇ પત્નિ અલ્પાએ તે ત્યાં ગયો કે નહિ તે જાણવા તેનો ફોન જોડ્યો હતો. પણ ફોનમાં રીંગ જ વાગતી હોઇ તે બહાર નીકળી હતી અને ફરીથી ફોન જોડતાં બાજુના બંધ મકાનમાં રીંગ રણકતાં તેણીએ પડોશીને બોલાવી તપાસ કરાવતાં જ્યાંથી ફોનની રીંગ સંભળાતી હતી તે ઘરનો દરવાજો અંદરથી બંધ જણાતાં રમેશ અંદર જ હોવાની શંકાએ લોકોએ દરવાજો તોડી અંદર જઇ જોતાં રમેશ છતના હુકમાં બાંધેલા દૂપટ્ટામાં લટકતો જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

અલ્પાએ કલ્પાંત મચાવતાં અવાજ સાંભળી બીજા પડોશીઓ પણ દોડી આવ્યા હતાં. અલ્પાએ પોતાના બે દિકરા કયાંય જોવા ન મળ્યાનું કહેતાં લોકોએ આસપાસમાં દોડધામ શરૂ કરી દીધી હતી. દરમિયાન કેટલાક લોકો અગાસી પર જોવા જતાં અને ત્યાં રાખેલા પાણીના પ્લાસ્ટીકના મોટા ટાંકામાં જોતાં સોૈની આંખો પહોળી થઇ ગઇ હતી. કારણ કે રમેશ અને અલ્પાના બંને માસુમ પુત્રો હર્ષ અને અભીની લાશ ટાંકા અંદર તરતી જોવા મળી હતી.

૧૦૮ને જાણ કરવામાં આવતાં ઇએમટી નિલેષભાઇ ગોહેલ અને પાઇલોટ મનિષભાઇ ગોંડલીયા પહોંચી ગયા હતાં. ઇએમટી નિલેષભાઇએ તપાસ કરી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી. પી.આઇ. એ.આર. મોડીયા, પી.એસ.આઇ. આર. પી. મેઘવાળ, એએસઆઇ હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. તેમજ ઘટનાની જાણ થતાં એસીપી જે. એચ. સરવૈયા, પી.એસ.આઇ. કે. કે. જાડેજા, સિધ્ધરાજસિંહ સહિતે પણ પહોંચીને વિગતો મેળવી હતી.

પુત્રોને પતાવી આપઘાત કરનાર રમેશના માતા કુંવરબેન, મોટા ભાઇ જીતેન્દ્રભાઇ, મોટા બાપુના દિકરા ધીરૂભાઇ શીવાભાઇ જેસાણી સહિતના નવાગામ સોસાયટીમાં રહેતાં હોઇ તેઓ દોડી આવ્યા હતાં. ધીરૂભાઇ જેસાણીએ જણાવ્યું હતું કે અમે તળપદા કોળી છીએ. રમેશે નવ વર્ષ પહેલા ગામની જ ચુંવાળીયા કોળી યુવતિ અલ્પા સાથે ભાગીને લવમેરેજ કર્યા હતાં. અગાઉ આ બંને પણ નવાગામમાં જ રહેતાં હતાં. પરંતુ આજથી સાતેક મહિના પહેલા રમેશની ઘરવાળી અલ્પા તેના બે માસુમ પુત્રોને તરછોડીને ગામના જ પરિણીત કોળી શખ્સ કાર્તિક સાથે ભાગી ગઇ હતી. ત્યારબાદ આજથી ચાર મહિના પહેલા તેણે રમેશ સાથે છુટાછેડા પણ લઇ લીધા હતાં.

ધીરૂભાઇએ વધુ વિગતો જણાવતાં કહ્યું હતું કે પત્નિ આ રીતે ભાગી જતાં રમેશ ખુબ આઘાતમાં ગરક થઇ ગયો હતો. જો કે તેણે બે પુત્રોની જવાબદારી હોઇ એકલા જ આ સંતાનોને ઉછેરવાનો નિર્ણય કરી લીધો હતો અને નળ ફિટીંગની મજૂરી કરી પોતાની જિંદગી ફરીથી પાટે ચડાવી હતી. પરંતુ આજથી બે મહિના પહેલા અલ્પાને પ્રેમી કાર્તિક સાથે ન ફાવતા તે ફરીથી તેને છોડીને રમેશના ઘરે પાછી આવી ગઇ હતી. રમેશે તેને રાખવાની ના પાડતાં તેણીએ જો પોતાને નહિ રાખે તો આખા ઘરને ફીટ કરાવી દેશે તેવી ધમકીઓ આપી હતી. આથી રમેશ ગભરાઇ ગયો હતો અને બીજી તરફ છોકરાઓને પણ માનો પ્રેમ મળી જશે તેમ સમજી અલ્પાને પાછી રાખી લીધી હતી. ત્યારથી બંને નવાગામ રંગીલામાં નીતાબેન અનુભાઇ ચોૈહાણ (સરણીયા)નું મકાન ભાડે રાખ્યું હતું અને બંને પતિ-પત્નિ તરીકે રહેવા માંડ્યા હતાં. આ મકાનની બાજુમાં જ નીતાબેનનું બીજુ એક ઘર છે જે હાલમાં બંધ છે.

ધીરૂભાઇ જેસાણીએ આગળ જણાવ્યું હતું કે અલ્પા ભાગી ગયા બાદ પાછી આવી હોઇ અને ધરાર સાથે રાખી હોઇ ત્યારથી રમેશ ઉદાસ રહેતો હતો. પોતાની બદનામી પણ થઇ હોઇ જેથી તે વ્યથીત થઇ ગયો હતો. પત્નિની બેવફાઇથી કંટાળી તેણે મરી જવાનું નક્કી કર્યુ હશે અને પોતે મરે તો બે બાળકોનું કોણ? એમ વિચારી પહેલા બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ  આપઘાત કરી લીધો હશે. તેના આ પગલા પાછળ તેની પત્નિ, તેનો પ્રેમી સહિતના જવાબદાર હોવાનું લાગે છે.

રમેશને આ પગલા માટે મજબૂર કરનારા સામે કાર્યવાહી થશે

બનાવની જાણ થતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતાં. કુવાડવા પોલીસ મથકના પી.આઇ. મોડીયા, હીરાભાઇ રબારી અને હિતેષભાઇ ગઢવીની ટીમે વિશેષ તપાસ શરૂ કરી છે. રમેશને આ પગલું ભરવા મજબૂર કરનારા જે કોઇ હશે તેની સામે પણ ગુનો નોંધાય તેવી શકયતા છે.

અલ્પા સાત મહિના પહેલા નવાગામના જ પરિણીત કોળી શખ્સ સાથે ભાગી'તીઃ બે મહિના પહેલા ધમકી આપી સાથે રહેવા આવ્યાનો મૃતકના ભાઇઓનો આક્ષેપ

. આપઘાત કરનાર રમેશના મોટા ભાઇ જીતેન્દ્રભાઇ જેસાણી અને મોટાબાપુના દિકરા ધીરૂભાઇ જેસાણીએ જણાવ્યું હતું કે છુટાછેડા લઇ પરિણીત પ્રેમી કાર્તિક સાથે સાત મહિના પહેલા ભાગેલી રમેશની ઘરવાળી અલ્પા બે મહિના પહેલા કાર્તિકને છોડી ફરીથી રમેશ સાથે રહેવા આવી હતી. રમેશે તેને સાથે રાખવાની ના પાડતાં ઘરના બધાને ફીટ કરાવી દેવાની ધમકી આપતી હતી. આથી કંટાળીને રમેશ મરી જવા અને સંતાનોને મારવા મજબુર થઇ ગયો હતો.

તળપદા કોળી રમેશે ૯ વર્ષ પહેલા ચુંવાળીયા કોળી અલ્પા સાથે ભાગીને લવમેરેજ કર્યા'તા

. નવાગામમાં બે માસુમ પુત્રોને પતાવી દીધા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેનાર તળપદા કોળી યુવાન રમેશ જેસાણીએ નવ વર્ષ પહેલા નવાગામની જ ચુંવાળીયા કોળી યુવતિ અલ્પા સાથે લવમેરેજ કર્યા હતાં. લગ્ન જીવન દરમિયાન અલ્પાએ બે પુત્રોને જન્મ આપ્યો છે. જેમાં હર્ષ સાત વર્ષનો અને અભી પાંચ વર્ષનો હતો. પોતાના મર્યા પછી આ સંતાનો હેરાન થશે એવું વિચારી રમેશે પહેલા બંને દિકરાઓને ટાંકામાં ડૂબાડી મારી નાંખ્યા બાદ આપઘાત કરી લીધાનું સમજાય છે.  પતિ સાથે બેવફાઇ કરનાર અલ્પા હવે આંસુ સારી રહી છે. તેણે બંને દિકરા અને પતિને ગુમાવ્યા છે.

પુત્રોની હત્યા કરી આત્મહત્યા કરનાર રમેશે ચિઠ્ઠીમાં લખ્યું મારી આખરી ઇચ્છા...અલ્પા, કાર્તિક અને કાળુને ઉમરકેદ થાય

રાજકોટ તા.૨૮: નવાગામ રંગીલા સોસાયટીમાં બે માસુમ પુત્રોને પાણીના ટાંકામાં ડુબાડી મારી નાંખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેનાર રમેશ જેસાણી (કોળી)એ ચિઠ્ઠીમાં પોતાના આ પગલા પાછળ પત્નિ અલ્પા, તેનો પ્રેમી કાર્તિક કોળી અને કાળુ નામનો એક શખ્સ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમજ પોતાની આખરી ઇચ્છા આ ત્રણેયને ઉમરકેદ થાય તેવી હોવાનું લખ્યું છે.

ચિઠ્ઠીમાં પત્નિ અલ્પા, તેના પ્રેમી કાર્તિક અને કાળુ ઇલેકટ્રીશીયનને ત્રણ-ત્રણ મોત માટે જવાબદાર ઠેરવતો રમેશ

.રમેશે બે પુત્રોને પતાવી બાદમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો એ પહેલા એક ચિઠ્ઠી લખી હતી. જે પોલીસના હાથમાં આવી છે. જેમાં પોતાના અને બે પુત્રોના મોત માટે અલ્પા, તેનો પ્રેમી કાર્તિક અને કાળુ ઇલેકટ્રીશીયન જવાબદાર હોવાનું લખ્યું છે. બેવફા પત્નિ અને તેની સાથેના કાર્તિક, કાળુનો શું શું રોલ હતો? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. તેમ એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ જણાવ્યું હતું.

સવારે હું છોકરાવને લઇને બા પાસે જવાનો છું...તેમ રાત્રે રમેશે કહ્યું હતું: પણ સવારે પત્નિ અલ્પાને બંને પુત્રો અને પતિની લાશ મળી

. બે પુત્રોને પતાવી દઇ પોતે મોત મેળવી લેનાર રમેશ જેસાણીએ રાત્રે જ પત્નિ અલ્પાને કહ્યું હતું કે પોતે સવારે (એટલે કે આજે ગુરૂવારે) નવાગામ આણંદપર સોસાયટીમાં રહેતા બા પાસે છોકરાઓને લઇને જવાનો છે. જો કે અલ્પા સવારે ઉઠી ત્યારે પતિ અને બાળકોને ન જોતાં અને દરવાજો ખુલ્લો જોતાં તે જાણ કર્યા વગર કેમ ગયા? એ વિચારે પતિ રમેશને ફોન જોડ્યો હતો. પણ ફોન રિસીવ ન થતાં તે ઘર બહાર નીકળી હતી અને ફરીથી ફોન જોડ્યો હતો. ત્યારે પતિના ફોનની રીંગ બાજુના બંધ મકાનમાં વાગતાં પડોશીને બોલાવીને તપાસ કરાવતાં એ ઘરના રૂમમાં પતિ રમેશની લટકતી લાશ મળી હતી. તેમજ અગાસી પરના ટાંકામાંથી બંને માસુમ પુત્રોની લાશ મળી હતી.

રમેશે કઠણ કાળજે બબ્બે કાળજાના કટકાઓને ભરઉંઘમાં જ વારાફરતી અગાસીએ લઇ જઇ ડૂબાડીને મારી નાંખ્યા

. પ્રેમી સાથે ભાગ્યા બાદ બે માસ પહેલા જ પાછી આવેલી પત્નિ અલ્પાથી રમેશ ત્રાસી ગયો હતો. આથી તેણે મરી જવાનો નિર્ણય કર્યા બાદ પોતાના પછી સંતાનો હેરાન ન થાય એ માટે બંને દિકરાને પણ સાથે લઇ જવાનું નક્કી કરી લીધું હશે. રાત્રે પત્નિ અલ્પાને પોતે સવારે બાના ઘરે બાળકોને લઇને જવાનો છે તેવું કહ્યું હતું. પણ અલ્પાને કયાં ખબર હતી કે રમેશ બાના ઘરને બદલે 'લાંબા ગામતરે' જતો રહેશે!...રાત્રીના કે પછી વહેલી સવારે કોઇપણ સમયે રમેશે ઉઠી ખુબ જ શાંતિપૂર્વક રીતે પહેલા એક પુત્રને ઉંઘમાં જ ઉઠાવીને અગાસીએ લઇ જઇ ત્યાં પાણીના ટાંકામાં નાંખી ડુબાડીને પતાવી દીધા બાદ બીજા દિકરાને પણ નીચેથી ઉપર લાવીને તેને પણ મારી નાંખ્યાનું અનુમાન છે. ત્યારબાદ પોતાના જ ઘરમાં જો તે ફાંસો ખાય અને અવાજ થાય તો પત્નિ જાગી જાય એમ સમજી બાજુના બંધ મકાનનું સાણસીથી તાળુ તોડી ત્યાં જઇ આપઘાત કર્યાનું સમજાય છે.

રમેશ બે ભાઇ-બે બહેનમાં નાનો હતો અને પ્લમ્બીંગ કામ કરતોઃ વૃધ્ધ માતાનું કરૂણ આક્રંદ

. કાળજાના કટકા એવા બે માસુમ દિકરાને મારી નાંખ્યા બાદ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દેનાર રમેશ જેસાણી બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને નળી ફિટીંગ-પ્લમ્બીંગનું કામ કરતો હતો. તેના મોટા બહેનોના નામ ભાનુબેન મનોજભાઇ મેર અને મીનાબેન રાજેશભાઇ મકવાણા છે. આ બંને બહેનો કોઠારીયા પાસે સાસરીએ છે. જ્યારે મોટા ભાઇ જીતેન્દ્રભાઇ મનસુખભાઇ જેસાણી નવાગામ આણંદપર સોસાયટીમાં તેના પત્નિ, સંતાનો સાથે રહે છે. રમેશના પિતા મનસુખભાઇ આંબાભાઇ જેસાણી હયાત નથી. માતા કુંવરબેન મોટા દિકરા જીતેન્દ્રભાઇ સાથે રહે છે. મુળ જીયાણાનો આ જેસાણી પરિવાર વર્ષોથી નવાગામમાં રહે છે. દિકરા અને પોૈત્રોના મોતના બનાવથી વૃધ્ધ માતા કુંવરબેન સહિતના સ્વજનોનું આક્રંદ પાષાણ હૃદયોને પણ પીગળાવી ગયું હતું.

રાત્રે અલ્પાએ ફિનાઇલ પીધાની ચર્ચાઃ પુછતાછમાં કંઇ જાણતી ન હોવાનું રટણ

.એક ચર્ચા એવી પણ છે કે અલ્પાએ રાત્રે ફિનાઇલ પીધુ હતું. જો કે તેણે પતિ-સંતાનોના મોત બાદ આ પગલું ભર્યુ હતું કે એ પહેલા? તે રહસ્ય છે. પતિના પગલાથી ખરેખર અલ્પા અજાણ હતી કે પછી તેણે જાણવા છતાં અજાણ હોવાનો દેખાવ ઉભો કર્યો છે? તેની તપાસ પણ થઇ રહી છે. હાલ તો તેણે પોતે પતિએ આ પગલુ કયારે ભર્યુ? તેનાથી અજાણ જ હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. તે સ્વસ્થ થયા બાદ પોલીસ તેની પાસેથી વિશેષ વિગતો મેળવશે.

 

 

પતિ રમેશ અને બબ્બે દિકરા ગુમાવનાર અલ્પા આંસુ સારતી દેખાય છે. સાથે તેણીના માતા જોઇ શકાય છે : પાણીનો આ ટાંકો બન્યો બબ્બે માસુમ જિંદગીના મોતનું કારણ રાત્રે અલ્પાએ  : જેની સાથે રમેશે લવમેરેજ કર્યા હતાં એ પત્નિ જ બેવફાઇ કરી બીજા પ્રેમી સાથે ભાગી જતાં રમેશ દુઃખી થઇ ગયો હતો...તેની અલ્પા સાથેની એક યાદગાર તસ્વીર : સવારે સ્કૂલબેગ જેમના તેમ : જેને માતાના કારણે પિતાના હાથે મોતના મુખમાં ધકેલાવું પડ્યું એ બે ભાઇઓ હર્ષ (ઉ.૭) અને અભી (ઉ.૫)ના સ્કૂલબેગ જોઇ શકાય છે. હર્ષ સર્વેશ્વર સ્કૂલમાં ધોરણ-૨માં અને અભી પ્લે હાઉસમાં ભણતો હતો  : રમેશને તેની પત્નિ અલ્પા સહિતનો ત્રાસ હતો તે અંગેની વિગતો જણાવતાં પિત્રાઇ ભાઇ ધીરૂભાઇ જેસાણી : બાજુના બંધ મકાનનું તાળુ રમશે સાણસીથી તોડ્યું હતું અને ત્યાં જઇ આપઘાત કર્યો હતો

(8:20 pm IST)