Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભારત હવે ‘‘રૂરલ ટુરીઝમ’’ તરફઃ ગામડામાં જઇને વસવાટ કરવો-કુદરતી સ્થળોની મોજ માણવાની મજા

ભારતમાં અનેક સ્થળો એવા વિકસી રહ્યાં છે, જ્યાં અગાઉ કોઈ પહોંચી શકતું નહોતું. જંગલ, પહાડ, દરિયો અને રણના દૂરસુદૂર વિસ્તારમાં હવે ટુરિસ્ટ જઈને કશું નવું જોયાનો સંતોષ માને છે. પણ આ સિવાય ટ્રેડિશનલ ટુરિસ્ટ સ્પોટથી હટકે કહી શકાય તેવું રૂરલ ટુરિઝમ પણ ઊભરી રહ્યું છે. રૂરલ ટુરિઝમનો સીધોસાદો અર્થ તો એટલો જ કે કોઈ એક ગામડામાં જઈને વસવું અને તેની આસપાસના કુદરતી સ્થળોની મોજ માણવી.

મેઘાલયનું મોવલીનોન્ગ નામનું આ ગામ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ હોવાનું દાવો કરે છે અને પર્વતીય વિસ્તારમાં આવેલું આ ગામ તેના કુદરતી સૌંદર્ય અને સ્વચ્છતાના કારણે ખ્યાતનામ બન્યું છે.

ઓરિસ્સાનું પીપીલી ગામ કે જે આમ તો હવે પીપીલી ગામ નથી રહ્યું પણ એક નગર તરીકે વિકસી રહ્યું છે, પણ આ વિસ્તાર તેના આર્ટ-ક્રાફ્ટ માટે વિશ્વભરમાં જાણીતો બન્યો છે. દસમી સદીથી આ ગામ આર્ટ-ક્રાફ્ટનું ઘર રહ્યું છે.

કચ્છનું હોડકા ગામ કે જે ભુજથી 65 કિલોમીટરના અંતરે આવેલું હોડકા ગામ પ્રવાસી સ્થળ તરીકે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે, જ્યાં તમે પરંપરાગત કચ્છી નિવાસ ભુંગામાં પણ રહીં શકો છો અને સાથે સાથે ફેમિલિ કોટેજ અને ઇકોફ્રેન્ડલી ટેન્ટની પણ અહીં વ્યવસ્થા છે.

સિક્કિમનું લાચુંગ અને લાચેન ગામ પણ આ યાદીમાં સમાવિષ્ટ થાય છે. નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ અને ભારતના ફોટોજેનિક ગામોમાં આ સૌથી ઉપર આવી શકે તેવા ગામો છે. ઉપરાંત આ ગામો સાથે સિક્કિમના અન્ય પેકેજ પણ તમને મળી શકે. જેમ ભીમનાળા વોટરફોલ, અર્થ એટ ઝીરો પોઈન્ટ, બૌદ્ધ સ્થાનકો અને નાટ્યોઉત્સવ પણ.

આ રીતે દેશના બેસ્ટ જોવાલાયક ગામોની યાદીમાં રાજસ્થાનનું બિશ્નોઈ, જમ્મુ કાશ્મીરનું ધા અને હનુ, ઉત્તરાખંડનું મુન્સીયારી, પંજાબનું કિલા રાઈપુર, આસામનું મજુલી, તમિલનાડુનું કરાઈકુડી પણ આવે છે.

(4:31 pm IST)