Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સાંસદો કરતા અત્‍યંત ઓછા દિવસ કામ કરે છે ધારાસભ્‍યો

સર્વેમાં ચોંકાવનારા ખુલાસાઓઃ વિધાનસભાઓમાં સરેરાશ રીતે વર્ષભરમાં માત્ર ૨૮ દિવસ જ કામ થયુ છેઃ વર્ષમાં માત્ર એક માસના પગારના હક્કદાર ગણાય છે ધારાસભ્‍યો : સૌથી વધુ કામ કરતી વિધાનસભાઓમાં કેરળ અને કર્ણાટક છેઃ જે રાજ્‍યોની વિધાનસભાઓમાં સૌથી ઓછુ કામ થયુ તેમાં નાગાલેન્‍ડ, દિલ્‍હી અને સિક્કીમઃ ૨૮ દિવસથી પણ ઓછું કામ થયુ છે તેવા ૧૩ રાજ્‍યો જેમાં રાજસ્‍થાન, ઝારખંડ, યુપી, પ.બંગાળ, હરીયાણા વગેરે

નવી દિલ્‍હી, તા. ૧૪ : જેટલુ કામ વર્ષભરમાં સંસદના સભ્‍યો કરે છે તેના મુકાબલે રાજ્‍યોની વિધાનસભાઓના સભ્‍યો ઘણુ ઓછું કામ કરે છે. નાના રાજ્‍યોની વિધાનસભાઓમાં સ્‍થિતિ ઘણી ખરાબ જોવા મળી છે. પીઆરએસ લેજીસ્‍ટલેટીવ રીસર્ચે ૨૬ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભાઓના ૨૦૧૧થી ૨૦૧૬ સુધીના કામકાજનું વિશ્‍લેષણ કર્યુ હતું. જેમાં જણાવ્‍યુ કે, આ વિધાનસભાઓમાં સરેરાશ વર્ષભરમાં માત્ર ૨૮ દિવસ જ કામ થયુ છે. આ આંકડો પ્રતિનિધિઓ દ્વારા જનતાના કામના મુદ્દા પર ધ્‍યાન ન દેવાનું એક ઉદાહરણ છે.

જે દિવસોમાં ગૃહમાં સૌથી વધુ કામ થયુ તે સામાન્‍ય રીતે બજેટ સત્ર રહ્યુ છે. બજેટ સત્ર એટલા માટે મહત્‍વનુ છે કે, તેમા વાર્ષિક બજેટ મુકાતુ હોય છે. તેના પર ચર્ચા થાય છે અને બધા મંત્રાલય પોતાના માટે બજેટની માંગણી કરે છે.

રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાઓના ૬ વર્ષના આંકડાથી જણાય છે કે ૨૬માંથી ૧૩ વિધાનસભાઓમાં વર્ષમાં ૨૮ દિવસ કે તેથી ઓછુ કામ થયુ છે. આમા સૌથી વધુ કેરળમાં ૪૬ દિવસ, કર્ણાટકમાં ૪૬ દિવસ, મહારાષ્‍ટ્રમાં ૪૫ દિવસ અને ઓડીસામાં ૪૨ દિવસ કામ થયું છે.

રાજસ્‍થાન, ઝારખંડ, યુપી, પ.બંગાળ અને હરીયાણા એ ૧૩ રાજ્‍યોમાંથી એક છે જ્‍યાં વર્ષમાં ૨૮ દિવસથી પણ ઓછું કામ થયુ છે. આ યાદીમાં નાગાલેન્‍ડ, દિલ્‍હી અને સિક્કીમ સૌથી નીચે છે.

તુલનાત્‍મક રીતે જોઈએ તો રાજ્‍યસભા અને લોકસભાના સભ્‍યોએ ૨૦૧૧થી ૨૦૧૬ સુધી વધુ દિવસો સુધી કામ કર્યુ છે. લોકસભાના સભ્‍યોએ સરેરાશ રીતે વર્ષભરમાં ૭૦ દિવસ કામ કર્યુ છે અને રાજ્‍યસભાના સભ્‍યોએ ૬૯ દિવસ સુધી કામ કર્યુ છે. સંસદમા બજેટ સત્ર દરમિયાન જ સભ્‍યોએ સૌથી વધુ દિવસ સુધી કામ કર્યુ છે. અરૂણાચલ, મિઝોરમ, પંજાબ, ત્રિપુરા અને પોંડીચેરીની વિધાનસભાઓનો ડેટા ન મળવાથી આ યાદીમાં સામેલ નથી થયા.

 

(11:21 am IST)