Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અટલજીને શ્રધ્ધાંજલિ આપવા પહોંચેલા પાક પ્રતિનિધિ મંડળમાં સામેલ હતો ત્રાસવાદી હેડલીનો સાવકો ભાઈ

હેડલીના ભાઈની ભારતની મુલાકાત વિવાદના વમળોમાં: સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત પણ કરીઃ હેડલી મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે, હાલ અમેરિકાની જેલમાં સજા કાપી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૨૦ :. પૂર્વ વડાપ્રધાન વાજપેઈને શ્રધ્ધાંજલી આપવા માટે પાકિસ્તાને એક પ્રતિનિધિ મંડળ ભારત મોકલ્યુ હતું. જેમાં પરેશાની વધારવાનું કામ કર્યુ છે. ૫ સભ્યોના પ્રતિનિધિ મંડળમાં દાનીયાલ ગિલાની પણ સામેલ હતા. ગિલાની મુંબઈ ત્રાસવાદી હુમલામાં સામેલ પાકિસ્તાની-અમેરિકી નાગરીક ડેવીડ કોલમેન હેડલીનો સાવકો ભાઈ છે. હેડલી હાલ અમેરિકાની જેલમાં ૨૬/૧૧ હુમલાને લઈને જેલની સજા કાપી રહ્યો છે. નિતી નિર્ધારકો ગિલાનીને ભારત મોકલવાને લઈને ભારે નારાજ છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે પ્રતિનિધિ મંડળ અંતિમ સંસ્કારમા સામેલ થયુ અને તેઓએ વિદેશ મંત્રી સાથે મુલાકાત પણ કરી તે શરમજનક બાબત પણ કહી શકાય. સરકારી સૂત્રોએ દાવો કર્યો છે કે દાનીયાલ ગિલાનીએ જાહેરમાં હેડલી સાથે પોતાના સંબંધોને ફગાવી દીધા છે. સુત્રોનું કહેવુ છે કે અત્યાર સુધી તેમની ત્રાસવાદી સાથેની કોઈ લિંક મળી નથી અને તેઓ ભારતના બ્લેકલીસ્ટમાં પણ નથી.

જો કે ગિલાની વાજપેઈના અંતિમ સંસ્કારમા સામેલ થયા ન હતા પરંતુ તેઓ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની સાથે પાક કાનૂની મંત્રી સૈયદઅલી ઝફર, પાક હાઈકમિશ્નર શોહેલ મહમુદ વગેરે સાથે અનૌપચારીક બેઠકમાં સામેલ થયા હતા.

મુંબઈ ઉપર ત્રાસવાદી હુમલા સમયે ગિલાની પાક વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીના કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી હતા. અંતિમ વખતે બન્નેની મુલાકાત પિતા સૈયદ સલીમ ગિલાનીના મોત સમયે ડિસેમ્બર ૨૦૦૭માં થઈ હતી. સૂત્રોના કહેવા મુજબ દાનીયાલ પાક સરકારના માહિતી મંત્રાલયમા નિર્દેશક છે અને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પણ છે.

દરમિયાન દાનીયાલે જણાવ્યુ છે કે કોઈના સગા હોવું તે પાપ નથી. તેમણે કહ્યુ છે કે, હું દેશની સેવા કરવા માગુ છું. હું એક ઈમાનદાર પાકિસ્તાની ઓફિસર છું.(૨-૪)

(10:44 am IST)