Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ઓસ્ટ્રેલિયામાં કાર્માઇકલ કોલ માઇન પ્રોજેક્ટ માટે જમીનના કેસમાં અદાણી ગ્રુપની તરફેણમાં ચુકાદો

ક્વીન્સલેન્ડમાં ૧૬.૫ અબજ ડોલરના પ્રોજેક્ટ માટે મોટી રાહત : સ્થાનિક રહેવાસીઓએ કોર્ટમાં પડકારી હતી.

ઓસ્ટ્રેલિયામાં કાર્માઇકલ કોલ માઇન પ્રોજેક્ટ માટે જમીન ઉપયોગની સમજૂતી (ILUA)ના કેસમાં ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે અદાણી ગ્રૂપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે વાન્ગન અને જગલિન્ગાઉ સમુદાય સાથેની સ્વદેશી જમીનના ઉપયોગ અંગેની સમજૂતીને માન્ય રાખી છે આ સમજૂતીને આ સ્થાનિક રહેવાસીઓએ કોર્ટમાં પડકારી હતી.

  કોર્ટનો ચુદાકો ક્વીન્સલેન્ડમાં ૧૬.૫ અબજ ડોલરના કારમાઇકલ કોલ માઇન પ્રોજેક્ટ માટે મોટી રાહત છે. ઇન્ડિજિનિયસ લેન્ડ યુઝ એગ્રીમેન્ટ (ILUA) કંપની માટે આંતરરાષ્ટ્રીય ધિરાણ મેળવવા માટે મહત્ત્વપૂર્ણ છે. અદાણીએ એક નિવેદનમાં શુક્રવારે જણાવ્યું હતું કે, “વાન્ગન અને જગલિન્ગાઉ સમુદાયો સાથેની ઇન્ડિનિયસ લેન્ડ યુઝ એગ્રીમેન્ટ પ્રોસેસને માન્ય રાખતા ફેડરલ કોર્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ. આજના નિર્ણયને પગલે અમે અમારા પ્રોજેક્ટ માટેની જમીનના ઉપયોગના સમયગાળાને આખરી ઓપ આપવાના આગામી પગલાં માટે રાજ્ય સરકાર અને પરંપરાગત માલિકો સાથે કામગીરી કરીશું. આ ચુકાદાથી કંપની એક પગલું આગળ વધી શકી છે, પરંતુ તેની સામે હજુ પણ ઘણા પડકાર છે. ઓસ્ટ્રેલિયાના આ નેટિવ ગ્રૂપે આ મુદ્દો યુનાઇટેડ નેશન્સમાં પણ મૂક્યો છે. પ્રોજેક્ટ સામેના વિરોધને કારણે ઘણી આંતરરાષ્ટ્રીય ધિરાણ એજન્સીઓ ભંડોળ આપવાનો ઇનકાર કર્યો હતો.

  વાન્ગન અને જગલિન્ગાઉ લોકોમાં આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ અંગે મતભેદ છે. ૨૦૦૭માં W&J ગ્રૂપે કોર્ટમાં આ સમજૂતીની યોગ્યતાને પડકારી હતી અને એવી દલીલ કરી હતી કે તેને સમાજના લોકોએ નકારી કાઢી છે. તેમણે ક્વીનસલેન્ડની ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અદાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે પરંપરાગત માલિકોના હકો, ઇતિહાસ, ભાવિ ઇરાદા અને વિનંતીનું સન્માન કરીને ILUAના માર્ગદર્શન હેઠળ W&J લોકો સાથે કામગીરી કરીશું.” ઓસ્ટ્રેલિયામાં અદાણી ગ્રૂપનો આ માઇનિંગ પ્રોજેક્ટ છેલ્લા આઠ વર્ષથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે.

(8:50 pm IST)