Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ઉદય કોવિડ હોસ્પિટલની આગમાં પાંચ દર્દીના મોતની ઘટનાઃસિટની રચના બાદ તપાસનો ધમધમાટ

પોલીસે હોસ્પિટલ સ્ટાફના નિવેદન નોંધવાનું શરૃઃ આગને લીધે સાયરન વાગતાં તબિબો સહિતે દોટ મુકી, ધૂમાડાને કારણે અંદર ન જઇ શકયા

નર્સિંગ સ્ટાફના પાંચેક કર્મીના નિવેદન લેવાયાઃ બાકીના સ્ટાફની આજે પુછતાછ થશેઃ એફએસએલ, પીજીવીસીએલ, ફાયર બ્રિગેડના ટેકનિકલ રિપોર્ટ આવ્યા બાદજ પોલીસ તપાસ આગળ વધી શકશેઃ સીપીના સુપરવિઝનમાં ડીસીપી, એસીપી અને પીઆઇની અધ્યક્ષતામાં માલવીયાનગરની ટીમ કરી રહી છે કાર્યવાહી

રાજકોટ તા. ૨૮: મવડી રોડ આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં આઇસીયુ યુનિટમાં ભભૂકેલી આગમાં કોરોનાના પાંચ દર્દીઓ જીવતા ભુંજાઇ ગયાની દૂર્ઘટનાને સરકારે ગંભીર ગણી તાકીદે તપાસના આદેશ આપતાં પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સિટની રચના કરી તપાસ શરૂ કરાવી છે. આગ કઇ રીતે લાગી હોઇ શકે? અંદર ખરેખર શું બન્યું? એ સહિતની તપાસ માટે પોલીસ ટેકનિકલ રિપોર્ટની રાહ જોઇ રહી છે. એફએસએલ, પીજીવીસીએલ અને ફાયર બ્રિગેડના રિપોર્ટ પોલીસે મંગાવ્યા છે. બીજી તરફ પોલીસે હોસ્પિટલમાં એ રાત્રે ફરજ પર રહેલા સ્ટાફ-કર્મચારીઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યુ છે. પ્રાથમિક ચાર-પાંચ કર્મચારીઓના નિવેદનો નોંધાતા એવું સામે આવ્યું છે કે આગ લાગતાં સાયરન સંભળાયું હતું. એ સાથે જ તબિબો સહિતના સ્ટાફે આઇસીયુ તરફ દોટ મુકી હતી. પરંતુ ધૂમાડાના ગોટેગોટા હોઇ અને એ વિભાગની વિજળી પણ ગૂલ થઇ ગઇ હોઇ કંઇ દેખાયું નહોતું.

આગમાં પાંચ કોરોના દર્દીઓ મોરબી સનાળા બાયપાસ ઇસ્કોન ફલેટમાં રહેતાં નિતીનભાઇ મણીલાલ બદાણી (જૈન વણિક) (ઉ.વ.૬૧), જસદણ અર્જુન પાર્કમાં રહેતાં રાજકોટ રૂરલના નિવૃત એએસઆઇ રામશીભાઇ મોતીભાઇ લોહ (રબારી) (ઉ.વ.૬૨) તથા ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રાવત (બાવાજી) (ઉ.વ.૬૯),  પ્રહલાદ પ્લોટ-૪૧માં કેદાર કૃપામાં રહેતાં સંજયભાઇ અમૃતલાલ રાઠોડ (કડીયા) (ઉ.વ.૫૭) અને રાજકોટ સામા કાંઠે ન્યુ શકિત સોસાયટી અંકુર પાનવાળી શેરીમાં આડા પેડક રોડ પર રહેતાં કેશુભાઇ લાલજીભાઇ અકબરી (લેઉવા પટેલ) (ઉ.વ.૫૦)ના મોત નિપજ્યા હતાં.

ઘટનામાં ઉંડાણપુર્વકની તપાસ થાય અને ભોગ બનેલા તમામને ન્યાય મળે તે માટે પોલીસ કમિશનર શ્રી અગ્રવાલે તાકીદે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સિટ)ની રચના કરી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ અને એસઓજી પીઆઇ આર. વાય. રાવલની અધ્યક્ષતામાં તપાસ શરૂ થઇ છે. માલવીયાનગરના પીઆઇ કે. એન. ભુકણ, પીએઅસાઇ વી. કે. ઝાલા, પરેશભાઇ જારીયા, અરૂણભાઇ, મયુરભાઇ મિંયાત્રા સહિતની ટીમે પ્રારંભે હોસ્પિટલમાં આગની રાતે ફરજ પર હતાં એ કર્મચારીઓના નિવેદનો નોંધવાનો પ્રારંભ કર્યો છે. જો કે ચાર-પાંચના નિવેદન નોંધાયા તેમાં કોઇ ખાસ મુદ્દો સામે આવ્યો નથી. કારણ કે આગને કારણે ધૂમાડા હોઇ કોઇ કંઇ જોઇ શકયું નથી. વળી સીસીટીવી કેમેરામાં પણ પરદા આડા હોવાથી ખરેખર આઇસીયુમાં આગ કયાંથી લાગી તે તારણ નીકળી શકયું નથી.

ફાયર બ્રિગેડ, એફએસએલ અને પીજીવીસીએલની ટીમો ટેકનિકલ રિપોર્ટ આપે પછી પોલીસ તપાસ આગળ વધશે. આજે હોસ્પિટલના બાકી રહેલા કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવશે.

(2:48 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST

  • હિમાચલ પ્રદેશમાં માસ્ક નહીં પહેર્યો હોય તો વિના વોરંટ ધરપકડ થશે : હિમાચલ પ્રદેશમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિનાની નજરે પડશે તો વોરંટ વિના તેની ધરપકડ થશે અને તેમને જેલ સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. access_time 10:44 am IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST