Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ભારતે પાકિસ્તાનના આમંત્રણને નાખ્યુ કચરાટોપલીમાં

સાર્ક સંમેલનનું આમંત્રણ ભારતે ઠુકરાવી દીધું

નવી દિલ્હી તા. ૨૮ : રતારપુર કોરિડોરને લઇ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલાં ઘમાસણની વચ્ચે નવી દિલ્હી એ પાકિસ્તાનને જબરદસ્ત ઝાટકો આપી દીધો છે. મોદી સરકારે પાકિસ્તાનના સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે મોકલેલા નિમંત્રણને ઠુકરાવી દીધું છે. મંગળવારના રોજ પાકિસ્તાન વિદેશ મંત્રાલયે સંમેલનમાં ભારતને ભાગ લેવા માટે નિમંત્રણ મોકલવાની વાત કહી હતી.

પાકિસ્તાન મીડિયાએ ત્યાંના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડોકટર મોહમ્મદ ફૈસલના હવાલે જાહેરાત કરી હતી કે પાકિસ્તાનની તરફથી વડાપ્રધાન મોદીના સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલાશે. ૨૦૧૬ની સાલમાં ઉરી હુમલા બાદ પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલનનો ભારત સહિત તમામ દેશો એ બોયકોટ કરી દીધો હતો. એવામાં આ સંમેલનને સફળતાપૂર્વક કરાવા માટે પાકિસ્તાન કોઇ કસર છોડવા માંગતું નથી.

સાર્ક સંમેલન માટે તારીખ તમામ સભ્યોની સહમતિના આધાર પર નક્કી કરાય છે. આ એક સામાન્ય પરંપરા છે. તારીખ નક્કી થયા બાદ જ સભ્ય રાષ્ટ્રોને ઔપચારિક નિમંત્રણ પાઠવાય છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે ભારત સાર્ક સંમેલનમાં કોઇ ખાસ અતિથિ નથી, જેના માટે પાકિસ્તાન ખાસ નિમંત્રણ મોકલશે. સાર્કનો ભારત અભિન્ન હિસ્સો રહ્યું છે. તમામ સભ્યોની સહમતિના આધાર પર જ સાર્ક સંમેલનની તારીખ નક્કી કરાય છે. જો કે એ અફસોસજનક છે કે આ વખતે આમ થયું નહીં.

પાકિસ્તાન હાઇકમિશનના સૂત્રોનું કહેવું છે કે એવા સમયે જયારે કરતારપુર કોરિડોર ખોલવાના અવસર પર મોટી સંખ્યામાં ભારતીય મીડિયા હાજર છે, આ જાહેરાત પાકિસ્તાને ધ્યાન ખેંચવા માટે કરી છે. જો કે રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાનનો દાવ ઉલટો પડી શકે છે. અત્યારે બાંગ્લાદેશમાં ચૂંટણીની હલચલ તેજ છે અને બીજીબાજુ શ્રીલંકામાં રાજકીય સંકટ ચાલુ છે. આવી પ્રતિકૂળ સ્થિતિમાં બંને દેશ તાત્કાલિક સંમેલન માટે પોતાની સહમતિ આપી, તેની સંભાવના ખૂબ ઓછી છે.(૨૧.૩)

(10:08 am IST)